લંડનઃ ભારતની મુલાકાતે પહોંચેલા બ્રિટનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ટીમ બેરોએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ. જયશંકરની સાથે મુલાકાત કરી ભારત અને યુકે વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ અને પ્રાદેશિક તથા વૈશ્વિક મામલાઓ પર ચર્ચા કરી હતી.
9-10 મેના રોજ ભારતની મુલાકાતે પહોંચેલા બેરોએ અજિત ડોભાલ સાથેની મુલાકાતમાં આજના ઝડપથી બદલાતી ટેકનોલોજીના યુગમાં મહત્વની એવી બાયલેટરલ મિકેનિઝમને મજબૂત બનાવવા ટેકનોલોજી અને સિક્યુરિટી પર ધ્યાન કેન્દ્રિચ કર્યું હતું. આ નેતાઓ વચ્ચેની મુલાકાતથી બંને દેશ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત અને વ્યાપક બનવાની સંભાવના છે. અજિત ડોભાલે બેરો સમક્ષ ખાલિસ્તાની કટ્ટરવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
ભારતના વિદેશ પ્રધાન એસ.જયશંકર અને યુકેના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ટીમ બેરો વચ્ચે 9 મેના રોજ નવી દિલ્હીમાં મુલાકાત યોજાઇ હતી. બંને આગેવાનોએ મહત્વના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા અને ભારત તથા યુકે વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષ કરી હતી. જયશંકરે જણાવ્યું હતું કે, યુકેના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથેની મુલાકાત સારી રહી હતી.


