ધ ભવન દ્વારા વર્લ્ડ ડાન્સ ડેની ધમાકેદાર અને સફળ ઉજવણી

Wednesday 29th April 2026 06:51 EDT
 
 

લંડનઃ ધ ભવન, લંડન દ્વારા શનિવાર 25 એપ્રિલ, 2026ના રોજ વર્લ્ડ ડાન્સ ડેની ધમાકેદાર અને સફળ ઉજવણી કરાઈ હતી જેમાં યુકેની નૃત્ય શાળાઓ દ્વારા 14 નૃત્ય પરફોર્મન્સીસ રજૂ કરવામાં આવ્યા હતા. પાર્વતી નાયર અને રિતેશ શેટ્ટી દ્વારા વિચાર કરાયેલા ઈવેન્ટને શાંતિ વેંકટેશ અને બિહારી કુમાર સહિત ધ ભવનની સમગ્ર ટીમનો સાથ-સહકાર પ્રાપ્ત થયો હતો.

ઈવેન્ટમાં ભારતીય ક્લાસિકલ પરંપરાને અનુરુપ ક્લાસિકલ, કન્ટેમ્પરરી, મોડર્ન, ફ્યુઝન અને લોકકળા શૈલીમાં ગ્રૂપ પરફોર્મન્સીસ (6–10 પાર્ટિસિપેન્ટ્સ) માટે ખુલ્લું આમંત્રણ અપાયું હતું. પ્રાપ્ત એન્ટ્રીઝમાં પૌરાણિક અને સામાજિકતાને સુસંગત વિષયોનો સમાવેશ થયો હતો. પ્રત્યેક નૃત્ય માટે આઠ મિનિટની સમયમર્યાદા રખાઈ હતી. નોંધપાત્રપણે 52 એન્ટ્રીઝ આવી હતી, જેમાં નવોદિતોને પ્રાથમિકતા અપાઈ હતી. કાર્યક્રમમાં વૈવિધ્યપૂર્ણ અને વિચારપ્રેરક કોરીઓગ્રાફી જોવા મળી હતી જેમાં પરંપરાગત અને સમકાલીન અર્થઘટનો હાઈલાઈટ કરાયા હતા. ઈવેન્ટમાં 8 વર્ષ અને તેથી વધુ વયના પરફોર્મર્સ હતા જેમાં સૌપ્રથમ વખત પરફોર્મ કરનારા અને અગાઉ, ભવન્સ સાથે સંકળાયેલા કલાકારોનો પણ સમાવેશ થયો હતો.

ભાગ લેનારા ગ્રૂપ્સમાં ટૂટિંગ બાલ સંસ્કાર, પૂજા‘સ ફોક મંડલી, ડાન્સ ડ્રીમર્સ, ટીમ સ્વરાંગી, સાઈ મયૂર ભરતનાટ્યમ ડાન્સ સ્કૂલ, ઊડિચીની સાથે આંગન બીટ, ઈન્દ્રધનુષ કિડ્ઝ એકેડેમી, ટીમ સ્પષ્ટામ, ટીમ નૃત્યક્ષેત્ર, સંસ્કૃતિ કેમ્બ્રીજ, બ્લર ઓરા એન્સેમ્બલ, અટ્ટામી સ્કૂલ ઓફ ડાન્સ, ટીમ કાલાર્પણ અને નાવ્યા સ્કૂલ ઓફ ડાન્સનો સમાવેશ થયો હતો.

ભવન દ્વારા અભૂતપૂર્વ સપોર્ટ આપનારા કલાકારો, શિક્ષકો, અને ઓડિયન્સ પ્રતિ આભાર વ્યક્ત કરાયો હતો. ભવનની ટેક્નિકલ સપોર્ટ ટીમના શંકલ શિવાહામી અને શનાકાએ ઉત્કૃષ્ટ લાઈટિંગ અને સાઉન્ડ સિસ્ટમ રજૂ કરી હતી. વીડિયોગ્રાફી માટે દર્શના અને ફોટોગ્રાફી માટે ભૂપેન્દ્ર જેઠવાનો પણ આભાર માનવામાં આવ્યો હતો. કેટરર્સ નિલેશ અને તેમની ટીમ તેમજ સ્વાદિષ્ટ સ્નેક્સ માટે પ્રતિભા અને શ્યામનો પણ આભાર માનવામાં આવ્યો હતો.

ઈવેન્ટને ઓડિયન્સ અને પરફોર્મર્સ દ્વારા એકસમાન અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો. ભવન્સ નૃત્ય અને સાંસ્કૃતિક વિનિમયને આગળ વધારવા પ્રતિબદ્ધ રહે છે અને પ્રતિ વર્ષ આ કાર્યક્રમ વધુ મોટો અને બહેતર બની રહે તેમ કરવા પ્રયત્નશીલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter