ધ હટ ગ્રૂપના માલિકે ૮૩૦ મિલિયનના શેર કર્મચારીઓમાં વહેંચ્યા

Wednesday 02nd December 2020 05:57 EST
 
 

લંડનઃ ધ હટ ગ્રૂપના માલિક મેથ્યૂ મોલ્ડિંગે કંપનીને થયેલો નફો કર્મચારીઓમાં વહેંચી દેતાં કંપનીના ૨૦૦ કર્મચારી કરોડપતિ બની ગયા હતા. ઇ-કોમર્સ કંપનીના માલિક મેથ્યૂએ કંપનીના શેરનો ભાવ ઊંચકાતાં થયેલા નફાને લીધે આ નિર્ણય લીધો હતો. તેમણે કંપનીના નફામાંથી ૮૩૦ મિલિયન પાઉન્ડના શેર કર્મચારીઓમાં વહેંચી દીધા હતા. તેમણે એક બાયબેક સ્કીમ અમલમાં મૂકી હતી. તેના માટે મેથ્યૂ મોલ્ડિંગના મેનેજરોએ કર્મચારીઓની પસંદગી કરી હતી અને મોલ્ડિંગને લિસ્ટ આપ્યું હતું. અખબારના અહેવાલો મુજબ આ સ્કીમનો ફાયદો કંપનીના ડ્રાઇવર્સની માંડીને મેથ્યૂ મોલ્ડિંગના પર્સનલ આસિસ્ટન્ટને પણ થયો હતો. તેમની પર્સનલ આસિસ્ટન્ટે જણાવ્યું હતું કે તે ૩૬ વર્ષની ઉંમરે નિવૃત્ત થઇ શકે તેટલા પૈસા તેમને મળ્યા છે.

મેથ્યુ મોલ્ડિંગે જણાવ્યું હતું કે તેઓ કંપનીની સંપતિ તેના કર્મચારીઓ સાથે વહેંચવા માગતા હતા. બાયબેક સ્કીમ શરૂ કરવા પાછળ આ જ કારણ હતું. તેમણે ઉમેર્યું કે ઘણાં લોકો બિઝનેસની વિરુદ્ધમાં બોલતા હતા પરંતુ, તેમને વિશ્વાસ હતો કે શેરનો ભાવ ઉચકાશે. કોઈ વ્યક્તિ ચોક્કસ નથી હોતું અને દરેકને નફા અને આવકમાં હિસ્સો જોઈતો હોય છે.

ઇ-કોમર્સ કંપની ધ હટ ગ્રૂપની સ્થાપના મોલ્ડિંગે વર્ષ ૨૦૦૪માં કરી હતી. જહોન ગેલેમોર તેના સહસ્થાપક છે. તેઓ ૧૬ વર્ષમાં મલ્ટિ મિલિયન સામ્રાજ્ય ઉભું કરવામાં સફળ થયા હતા. હટ ગ્રૂપના માલિક મેથ્યૂ જિમિંગના શોખીન છે. તેમને ઘણાં બિઝનેસ એવોર્ડ મળ્યો છે. દુનિયાના ઘણાં દિગ્ગજ નેતાઓ તેમને ઓળખે છે. મેથ્યૂ તેમની શાનદાર પાર્ટીઓ માટે પણ જાણીતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter