ધામેચા ગૃપ દ્વારા લેસ્ટરમાં હોલસેલ કેશ એન્ડ કેરીના ડેપોની શુભ શરૂઆત કરાઇ

- કમલ રાવ Thursday 26th November 2015 07:47 EST
 
 

ગ્રાહકો પરત્વે માન, પ્રમાણિકતા અને સર્વશ્રેષ્ઠ કસ્ટમર સર્વિસ થકી છેલ્લા ૪૦ વર્ષથી લંડનના ન્યુઝ એજન્ટ, ગ્રોસરી, અન્ય રીટેઇલર્સ અને અોફ લાયસન્સ દુકાનદારોની સેવામાં અગ્રીમ સ્થાન સંભાળતા વિખ્યાત ધામેચા ગૃપ દ્વારા તાજેતરમાં લેસ્ટરમાં કોબડેન સ્ટ્રીટ ખાતે આવેલા ભૂતપુર્વ ક્રાઉન ક્રેસ્ટ હેડક્વાર્ટર ખાતે શરૂ કરાયેલા આઠમા ડેપોની ગત તા. ૬ નવેમ્બર ૨૦૧૫ના રોજ લેસ્ટર ઇસ્ટના એમપી શ્રી કિથ વાઝ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મિડલેન્ડ્સ વિસ્તારમાં કેશ એન્ડ કેરી અોપરેશન્સની શરૂઆત કરનાર લંડનના સૌથી સફળ અને સ્વતંત્ર હોલસેલર તરીકે વિખ્યાત ધામેચા ગૃપનું નામ સખાવત સહિત સમાજ સેવાના વિવિધ કાર્યો પણ માનભેર લેવાય છે. ધામેચા ગૃપ દ્વારા વેપારનો વિસ્તાર કરવાના ઉદ્દેશ સાથે મહત્વપૂર્ણ હેતુ પાર પાડવા પોતાના પારંપરિક ક્ષેત્ર લંડનની બહાર ઇસ્ટ મિડલેન્ડ્સમાં આ પ્રથમ ડેપોની શરૂઆત કરવામાં આવી છે. લેસ્ટર સ્થિત કેશ એન્ડ કેરી ૬૦ લોકોને નોકરીની તક ઉભી કરી છે.

૧૪૦,૦૦૦ સ્કવેરફિટનો વિસ્તાર ધરાવતા જુના ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરને સંપૂર્ણપણે રીફર્બીશ્ડ કરીને ૮૦,૦૦૦ સ્કવેર ફીટના વિશાળ અને અનેક સુવિધાઅોથી ભરપૂર એવા આ વેરહાઉસની રચના કરવામાં આવી છે. આ વેરહાઉસમાં ડિલીવરી ટ્રક્સ અને વેન સહિત ગ્રાહકો માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ધામેચા કેશ એન્ડ કેરી ખાતે ૧૨,૦૦૦ પ્રોડક્ટ્સનું વેચાણ કરવામાં આવે છે.

લંડનના વિશાળ અને ખૂબજ સફળ ઇન્ડીપેન્ડન્ટ ધામેચા કેશ એન્ડ કેરીના ચિફ એક્ઝીક્યુટીવ અોફિસર શ્રી પ્રદીપભાઇ ધામેચાએ 'ગુજરાત સમાચાર'ને મુલાકાત આપતા જણાવ્યું હતું કે '૧૯૭૬માં સ્થાપવામાં આવેલ ધામેચા કેશ એન્ડ કેરી દ્વારા લંડન અને આજુબાજુના M25 વિસ્તારમાં ફેલાયેલા સાત ડેપો થકી રીટેઇલ ક્ષેત્રે વિશાળ ગ્રાહક વૃંદને સેવા આપવા વેપારનો વ્યાપ કર્યો છે. અમે છેલ્લા કેટલાક સમયથી સેન્ટ્રલ ઇંગ્લેન્ડમાં વેપારનો વિસ્તાર કરવા માટે શ્રેષ્ઠ સાઇટની શોધમાં હતા અને આનંદ સાથે જણાવીશ કે અમારા વેપારના વિકાસ અને સ્થાનિક રીટેઇલર્સને વેપારમાં વધુ ફાયદો થાય તે આશયે અમે લેસ્ટરશાયર વિસ્તારમાં કેશ એન્ડ કેરી - ડેપોની શરૂઆત કરી છે. આમ હવે લેસ્ટર સ્થિત કેશ એન્ડ કેરી ડેપો ખાતેથી સ્થાનિક રીટેઇલ દુકાનદારોને અમારા દ્વારા ખૂબજ સરસ રીતે સ્થપાેયલ કેશ એન્ડ કેરી બિઝનેસ મોડેલના લાભ પણ મળશે. '

શ્રી પ્રદીપભાઇએ જણાવ્યું હતું કે 'અમારા વ્યાજબી ભાવ, ઉત્તમ મુલ્ય અને સર્વશ્રેષ્ઠ કસ્ટમર સર્વિસ દ્વારા અમે લેસ્ટરશાયર અને તેની આજુબાજુના વિસ્તારના દુકાનદારોને સેવા આપવા માટે ખૂબજ આતુર છીએ.'

ટુડેઝ ગૃપના મેનેજીંગ ડીરેક્ટર બિલ લાયર્ડે જણાવ્યું હતું કે 'ધામેચા ગૃપ દ્વારા લેસ્ટરમાં આઠમા વેરહાઉસની શુભ શરૂઆત કરવામાં આવી છે તે જાણીને મને ખૂબજ આનંદ થયો છે. લેસ્ટરમાં મલ્ટીમીલીયન પાઉન્ડના રોકાણ સાથે ધામેચા ગૃપ દ્વારા લંડનના M25 િવસ્તારની બહાર પોતાના ગુણવત્તાયુક્ત વેપારની શુભ શરૂઆત કરી છે. આજના આ હરિફાઇપૂર્ણ વાતાવરણમાં સપ્લાયર્સ અને રિટેઇલર્સ માટે આ ખૂબ જ સારા સમાચાર છે અને હું માનુ છું કે આગામી વર્ષોમાં તેઅો વધુ વિકાસ કરશે.'

ધામેચા ગૃપના એરિયા મેનેજર નરેનભાઇ ચોટાઇએ જણાવ્યું હતું કે 'અમને જેવી પ્રોપર્ટી જોઇતી હતી તેવી જ પ્રોપર્ટી મળી છે અને આ જગ્યા ખૂબજ વિશાળ છે. આ કેશ એન્ડ કેરી ડેપોમાં તમે રોજ સ્થાનિક દુકાનમાં કે અોફ લાયસન્સમાં જેટલી પ્રોડક્ટ જુઅો છો તે ગ્રોસરી, અોફ લાયસન્સ, ટોબોકો અને સન્ડ્રી આઇટમ મળી શકશે. લંડન વિસ્તારમાં ઘણીબધી કેશ એન્ડ કેરીનો વ્યાપ જોતાં અમે મિડલેન્ડના સર્વશ્રેષ્થ સ્થળ તરીકે લેસ્ટરની પસંદગી કરી છે અને અમને આશા છે કે અહિં પણ અન્ય કેશ એન્ડ કેરી વેરહાઉસની જેમ અમને સફળતા મળશે. આ કેશ એન્ડ કેરીની શરૂઆત થયા બાદ અમને સ્થાનિક ગ્રાહકો તરફથી ખૂબજ સુંદર પ્રતિસાદ અને આવકાર સાંપડ્યો છે.'

આ પ્રસંગે બાર્કલેઝના પર્સનલ અને કોર્પોરેટ બેન્કીંગના ચિફ એક્ઝીક્યુટીવ અશોક વાસવાણીએ જણાવ્યું હતું કે 'છેલ્લા ૩૫ વર્ષથી ધામેચા ગૃપના પ્રદીપ ધામેચા અને તેમની ટીમને ટેકો આપતા અમે ગર્વ અનુભવીએ છીએ અને તાજેતરમાં જ મને લેસ્ટર ખાતે શરૂ થયેલ આઠમા ડેપોના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેવાની તક મળી હતી. બાર્કલેઝ બેન્ક ખાતે અમે વેપારનો વિકાસ થાય તે માટે મદદ કરીએ છીએ. ધામેચા ગૃપ સાથેના અમારા સંબંધો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે જેઅો નવી નોકરીની તકો અને વિકાસ માટે મદદ કરે છે. આ પ્રસંગે હું ધામેચા ગૃપના સર્વેને ભાવિ સફળતા માટે અભિુનંદન પાઠવું છું.'

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્યાના કિસુમુથી અહિં આવીને વસેલા ત્રણ ભાઇઅોના પરિવાર દ્વારા ચલાવાતા આ કેશ એન્ડ કેરી વેપારની શરૂઆત ૧૯૭૬માં લંડનના વેમ્બલી ખાતે ત્રણ ભાઇઅો ખોડીદાસભાઇ આર. ધામેચા, શાંતિભાઇ આર. ધામેચા અને સ્વ. જયંતિભાઇ આર. ધામેચા દ્વારા થઇ હતી. આફ્રિકાથી અત્રે આવેલા હજારો વસાહતીઅો જ્યારે નોકરી ધંધા માટે ફાંફા મારતા હતા ત્યારે દુરદ્રષ્ટી દાખવીને ત્રણેય ભાઇઅોએ વેમ્બલી ખાતે ૧૦,૦૦૦ સ્ક્વેર ફીટ વિસ્તારમાં સૌ પ્રથમ કેશ એન્ડ કેરી શરૂ કરી હતી.

ખોડીદાસભાઇ અને શાંતીભાઇ કેન્યામાં બાર્કલેઝ બેન્કમાં સેવા આપતા હતા અને સ્વ. જયંતિભાઇ ફોટોગ્રાફીના શોખીન હતા અને તેમણે કિસુમુમાં રેડિયમ સ્ટુડીયોઝની સ્થાપના કરી હતી.

સખત મહેનત અને લગનથી શરૂ કરાયેલા વેપારમાં અદ્ભૂત સફળતા મળતાં માત્ર સાત જ વર્ષના ટૂંકા ગાળામાં ૧૯૮૩માં તેમણે વેમ્બલી સ્ટેડીયમ પાસે હાલના ૧૪૦,૦૦૦ સ્ક્વેર ફીટના વિશાળ વેરહાઉસમાં સ્થળાંતર કર્યું હતું. ૧૯૯૮માં ધામેચા ગૃપ દ્વારા બાર્કિંગમાં પોતાના બીજા ડેપોની શરૂઆત કરી હતી અને તે પછી તુરંત જ ૧૯૯૯માં એન્ફિલ્ડમાં, ૨૦૦૧માં ક્રોયડનમાં, ૨૦૦૩માં વોટફર્ડમાં, ૨૦૧૦માં હેઇઝમાં અને ૨૦૧૨માં લુઇશામમાં કેશ એન્ડ કેરીની શરૂઆત કરી હતી. અત્યારે વિશાળ વટવૃક્ષ સમાન વિખ્યાત ધામેચા ગૃપનું નેતૃત્વ ધામેચા પરિવારના બે પુત્રો સર્વશ્રી પ્રદીપભાઇ ધામેચા અને મનિષભાઇ ધામેચા સંભાળે છે. જેનું ટર્નઅોવર વર્ષના £૬૨૮ મિલિયન જેટલું છે.

ધામેચા કેશ એન્ડ કેરીની સફળતાનું રહસ્ય

ધામેચા કેશ એન્ડ કેરીની સફળતાનું રહસ્ય તેમના છેલ્લા ૪૦ વર્ષના અનુભવ ઉપરાંત પ્રમાણિકતા, ગ્રાહકો પ્રતિ સન્માન અને સર્વે ગ્રાહકો પરત્વેનો ન્યાયી વ્યવહાર છે. ધામેચા ગૃપ દ્વારા કસ્ટમર સર્વિસ પર ખૂબજ ધ્યાન આપવામાં આવે છે. આજના હરિફાઇના યુગમાં દુકાનદારોના માથે પરિવાર ઉપરાંત દુકાન ચલાવવાની જવાબદારી પણ હોવાથી તેઅો મોટેભાગે ખૂબ જ વ્યસ્ત રહેતા હોય છે અને આવા સંજોગોમાં તેમને ઝડપથી સર્વિસ મળે અને કેશ એન્ડ કેરીની તેમની દરેક મુલાકાત કાર્યક્ષમ બની રહે તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવે છે. આટલું જ નહિં ધામેચા કેશ એન્ડ કેરીમાં વિવિધ પ્રોડક્ટની વિશાળ શ્રેણી હરહંમેશ ખૂબજ વ્યાજબી ભાવે મળી રહે છે. ધામેચા ગૃપ દ્વારા ગ્રોસરી, સોફ્ટ ડ્રિંક્સ કન્ફેક્શનરી, સ્નેક્સ, ટોયલેટરીઝ અને હાઉસહોલ્ડ પ્રોડક્ટ મળી કુલ ૧૨,૦૦૦ પ્રોડક્ટ્સની ૫૦૦ સપ્લાયર્સ પાસેથી મોટા જથ્થામાં ખરીદી કરવામાં આવે છે જેથી તે વ્યાજબી ભાવે દુકાનદારોને જોઇતી બધીજ ચીજવસ્તુઅો મળી રહે છે.

દુકાનદારોને વેપારના વિકાસ માટે સાથ, સહકાર અને સમજ

ધામેચા કેશ એન્ડ કેરીના બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝીક્યુટીવ્સ દુકાનદાર મિત્રોના વેપારનો વિકાસ થાય તે માટે પોતાના વિશાળ અનુભવનો ઉપયોગ કરે છે. દુકાનના પ્લાનીંગની વાત હોય કે લોકલ અોથોરિટી સાથેની વિધિની બાબત હોય કે પછી કાનુની અને આર્થિક બાબત હોય, ધામેચા ગૃપના નિષ્ણાંતો દુકાનદારોને સલાહસૂચન અને મદદ કરવા સદાય તત્પર રહે છે. આટલું જ નહિં કોઇ મુશ્કેલી પડે તો તેઅો દિશાસૂચન પણ કરે છે અને સાચો રસ્તો બતાવે છે.

ધામેચા ગૃપ દ્વારા ટેબ્લેટ કે ફોન પર વિવિધ પ્રોડક્ટની ખરીદી, ભાવ અને માહિતી મેળવી શકાય તે આશયે 'એપ્સ'ની રચના પણ કરવામાં આવી છે. આજ રીતે રોજે રોજ દરેક દુકાનદાર ગ્રાહકોને વિવિધ પ્રોડક્ટની અવનવી અોફર વગેરેની માહિતી મળી રહે તે માટે ઇમેઇલ ન્યુઝલેટર પણ મોકલવામાં આવે છે. ધામેચા ગૃપનો વિકાસ અને સફળતા દુકાનદાર મિત્રો પર આધારિત હોવાથી દુકાનદાર ગ્રાહક મિત્રોના વેપારનો સતત વિકાસ થતો રહે તે માટે ધામેચા ગૃપ દ્વારા અલગ વિભાગની રચના કરવામાં આવી છે.

ધામેચા ગૃપ 'ટુડેઝ રીટેઇલ ક્લબ' સાથે પણ સંકળાયેલું છે. જે દુકાનદાર મિત્રોને વ્યાજબી અને હરિફાઇમાં પરવડી શકે તેવા ભાવે ચીજ વસ્તુઅો સારૂ માર્જીન મળે તે રીતે વેચાણ કરે છે. યુરોપમાં હોલસેલ ખરીદી કરતા સૌથી મોટા ગૃપ TRC દ્વારા દુકાનદાર મિત્રોને પોસ્ટર્સ, લીફલેટ વગેરે સપ્લાય કરવામાં આવે છે અને ધામેચાની ટીમ સાથે મળીને બિઝનેસને ડેવલપ કરવા માટે મદદ કરે છે. ધામેચા ગૃપ યુકેના ટુડે'ઝ ગૃપ અને અન્ય વિશાળ હોલસેલ ગૃપ સાથે પણ સંકળાયેલું છે.

ધામેચા ગૃપ દ્વારા 'પ્લાનોગ્રામ્સ'ની સવલત પણ દુકાનદાર મિત્રોને આપવામાં આવે છે. 'પ્લાનોગ્રામ્સ' એટલે કે દુકાનમાં કઇ ચીજ વસ્તુ કે પ્રોડક્ટ ક્યાં મૂકવી, જેથી ગ્રાહકોનું તેના પર ધ્યાન આકર્ષીત થાય અને તેઅો જે તે પ્રોડક્ટની આસાનીથી ખરીદી કરી શકે. આ પ્લાનોગ્રામ્સથી કાઉન્ટર પર સેવા આપતા કર્મચારી કે દુકાન માલીકને પણ ખબર હોય છે કે કઇ પ્રોડક્ટ કઇ શેલ્ફ પર મૂકાયેલી છે.

ધામેચા ગૃપનો એક્સપોર્ટ બિઝનેસ

ધામેચા ગૃપ દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી એક્સપોર્ટ બિઝનેસ સંભાળવામાં આવે છે અને મુખ્યત્વે યુરોપ અને આફ્રિકા સહિત વિવિધ ખંડોમાં ૨૫,૦૦૦ જેટલી પ્રોડક્ટની નિકાસ કરે છે. ધામેચા કેશ એન્ડ કેરી ખાતે ઉપલબ્ધ ૧૨,૦૦૦ પ્રોડક્ટ્સમાંથી કોઇ પણ પ્રોડક્ટની દુનિયાના કોઇ પણ દેશમાં આયાત કરી શકાય છે.

દિપક કારીયા ધામેચાના એક્સપોર્ટ ડિવિઝનના હેડ છે અને તેઅો વ્યક્તિગત રીતે દરેક ગ્રાહકોની જરૂરિયાતને સંતોષ મળે તેના પર નજર રાખે છે. ધામેચા ગૃપ દ્વારા તેના વિદેશના ગ્રાહકોને તેમના વોટફર્ડ અને વેમ્બલી સ્થિત એક્સપોર્ટ યુનિટની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવે છે જેથી તેઅો જોઇ શકે છે કે ધામેચા ગૃપ દ્વારા ગુણવત્તાયુક્ત પ્રોડક્ટની ડીલીવરી કરવામાં આવે છે.

ધામેચા કેશ એન્ડ કેરીનું નિર્માણ

ધામેચા કેશ એન્ડ કેરી - ડેપોની બધીજ બ્રાન્ચમાં મેઇન કોન્ટ્રાક્ટર તરીકે યુકેની જાણીતી કંપની 'વાસ્ક્રોફ્ટ કોન્ટ્રાક્ટર્સે' સેવા આપી છે. લેસ્ટર ડેપોમાં નેશનવાઇડ સ્ટ્રક્ચર્સ લી. દ્વારા સ્ટીલ કન્સ્ટ્રક્શનનું તેમજ સોલાર પેનલનું કામ નીહલ પાલાની કંપનીએ કરેલ છે.

વધુ માહિતી માટે સંપર્ક:


Dhamecha Group,

Leicester Branch,

101 Cobden Street, LE1 2LB


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter