લંડનઃ કોઈ ધર્મમાં નહિ માનતા અથવા નાસ્તિક લોકોની સરખામણીએ ધાર્મિક લોકો વધુ સુખી કે ખુશ હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના સત્તાવાર આંકડા કહે છે. યુકેમાં તમામ ધર્મોમાં હિન્દુઓ સૌથી વધુ એટલે કે રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ વધુ સુખી જણાયા છે. ખુશ હોવાની બાબતે ખ્રિસ્તીઓ બીજા, શીખ ત્રીજા અને બૌદ્ધો ચોથા ક્રમે આવે છે.
સરેરાશ વ્યક્તિનો સુખી કે ખુશ રહેવાનો દર ૧૦માંથી ૭.૩૭નો છે. સરેરાશ જોઈએ તો હિન્દુઓનો સ્કોરરેટ ૭.૫૭, ક્રિશ્ચિયનોનો ૭.૪૭, શીખોનો ૭.૪૫ અને બૌદ્ધોનો સ્કોર ૭.૪૧ રહ્યો છે. બીજી તરફ, યહુદીઓનો સુખી રહેવાનો દર રાષ્ટ્રીય સરેરાશથી નીચે એટલે કે ૭.૩૭નો છે. મુસ્લિમો સૌથી ઓછાં ૭.૩૩ના સ્કોર સાથે ધાર્મિકોમાં તળિયે છે. ‘અન્ય કોઈ ધર્મ’ અનુસરતા લોકોનો સ્કોર ૭.૨૬ છે, જ્યારે ‘કોઈ ધર્મમાં નહિ માનતા’ લોકો ૭.૨૨ના સ્કોર સાથે સૌથી વધુ દુઃખી હતા.
ONSના રિપોર્ટમાં ૨૦૧૨-૨૦૧૫ના ગાળામાં યુકેમાં ૩૦૦,૦૦૦થી વધુ પુખ્ત લોકોના અંગત કલ્યાણના ડેટાનું વિશ્લેષણ કરાયું હતું, જેમાં ચાર ક્ષેત્ર- આનંદ, જીવનથી સંતોષ, મહત્તા અને ચિંતાતુરતાનો સમાવેશ કરાયો હતો.‘જીવનથી સંતોષ’ માટે રાષ્ટ્રીય સરેરાશ માપ ૧૦માંથી ૭.૫ હતું, જ્યારે જીવનમાં કશું કરવાથી મહત્ત્વપૂર્ણ હોવાની ભાવના તેમજ ચિંતાતુરતા માટે સરેરાશ અનુક્રમે ૭.૮ અને ૨.૯ની હતી.
મુખ્ય તારણો એ હતાં કે ૬૫થી ૭૯ વયજૂથના લોકોએ અંગત સ્વાસ્થ્યની સૌથી વધુ સરેરાશ દર્શાવી હતી. ૪૫થી ૫૯ વયજૂથના લોકો માટે જીવનમાં સંતોષ અને સુખના સરેરાશ દર સૌથી તળિયે હતા. ૭૫ અને તેથી વધુ વયના લોકો માટે અંગત સ્વાસ્થ્યના દર સૌથી નીચે હતા. મધ્યમ વયના લોકોની સરખામણીએ ૯૦ અને તેથી વધુ વયના લોકોએ જીવનમાં સંતોષ અને સુખની લાગણી ઊંચી દર્શાવી હતી. ચિંતાતુરતાની સરેરાશ પ્રારંભિક અને મધ્ય વય દરમિયાન વધતી રહી હતી અને ૪૫થી ૫૯ વયજૂથમાં સૌથી વધુ રહ્યાં પછી ઘટતી જવા સાથે ૬૫ અને તેથી વધુ વય માટે પ્રમાણમાં સ્થિર રહેલી જણાઈ હતી.


