લંડનઃ 11.1 બિલિયન પાઉન્ડના વિશાળ ભંડોળનો વહીવટ કરતા ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના કમિશ્નરો માટે આધ્યાત્મિક મૂલ્યો અને આર્થિક વળતર વચ્ચે સંતુલન જાળવવું અનિવાર્ય બન્યું છે. જોકે, આ બંને બાબતો વચ્ચે હંમેશા તાલમેલ જોવા મળતો નથી. પરંપરાગત રીતે, ચર્ચ ઘાતક શસ્ત્રો, પોર્નોગ્રાફી અને ઊંચા વ્યાજ દરે ધિરાણ આપતી કંપનીઓમાં રોકાણ કરવાનું ટાળતું આવ્યું છે. પરંતુ તાજેતરના વર્ષોમાં, ખાસ કરીને પર્યાવરણના મુદ્દે રોકાણ અંગેની તેની નૈતિક સખ્તાઈમાં ધરખમ વધારો થયો છે. વર્ષ 2023માં, ચર્ચે નૈતિક આધારો પર 844 કંપનીઓને તેના રોકાણમાંથી બાકાત કરી હતી, જે અગાઉના વર્ષે 435 હતી. તેમાંથી 248 એવી કંપનીઓ હતી જે ક્લાઇમેટ ચેન્જના મુદ્દે ચર્ચ સાથે પર્યાપ્ત સંવાદ સ્થાપવામાં નિષ્ફળ રહી હતી.
આ બાબત ફક્ત ચર્ચ ઓફ ઇંગ્લેન્ડને લાગુ પડતી નથી. બ્રિટનમાં કાર્યરત હિન્દુ સહિતની તમામ ધાર્મિક સંસ્થાઓને પણ લાગુ પડે છે. તમામ સંસ્થાઓએ તેમની પાસે ઉપલબ્ધ ભંડોળનો યોગ્ય રીતે સમાજ સેવામાં ઉપયોગ કરવો જોઇએ. ધાર્મિક સ્થળો અને સંસ્થાઓ ફક્ત આસ્થાના કેન્દ્ર નથી પરંતુ સામાજિક સેવાના પણ કેન્દ્ર છે. તેમણે વૈચારિક આદર્શવાદને બદલે સામાન્ય જનતાના હિત અને વ્યવહારુ ઉકેલોને પ્રાથમિકતા આપવી જોઇએ. કોઇપણ ધાર્મિક સંસ્થાએ તેના ફંડનો ઉપયોગ સમાજના ઉત્થાન અને વ્યાપક ભલા માટે વિવેકબુદ્ધિથી કરવો જોઇએ.

