ધુમ્રપાન – બ્રિટનમાં 2040 સુધીમાં 10 લાખ લોકો કેન્સરનો ભોગ બનશે

ધુમ્રપાન પર આકરા નિયંત્રણો લાદવા સરકારને અપીલ

Wednesday 04th January 2023 06:08 EST
 
 

લંડન

બ્રિટનમાં ધુમ્રપાન પર આકરા નિયંત્રણો નહીં લદાય તો 2040 સુધીમાં 10 લાખ લોકો કેન્સરનો ભોગ બની શકે છે. કેન્સર રિસર્ચ યુકેએ જણાવ્યું છે કે ધુમ્રપાન અટકાવવા માટે તમાકુ ખરીદવાની કાયદેસરની વયમર્યાદા વધારવા જેવા પગલાં લેવાની જરૂર છે. 2019માં સરકારે બ્રિટનને 2030 સુધીમાં ધુમ્રપાન મુક્ત દેશ બનાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. જો કે કેન્સર રિસર્ચના એનાલિસિસમાં જણાવવામાં આવ્યું છે કે 2039 સુધીમાં લાખો લોકો કેન્સરથી પીડાતા હશે. કેન્સર રિસર્ચે જણાવ્યું હતું કે લોકોને ધુમ્રપાનથી મુક્ત કરાવવા માટે ઘણી મંથર ગતિએ કામગીરી ચાલી રહી છે, સરકારે આ દિશામાં વધુ પગલાં લેવાની જરૂર છે. સરકારે તમાકુ ઉત્પાદનો ખરીદવાની કાયદેસરની વયમર્યાદા 18 વર્ષથી વધારવી જોઇએ જેથી તેનાથી નાની ઉંમરના લોકો સિગારેટની ખરીદી કરી શકે નહીં. સરકાર દ્વારા સ્ટોપ સ્મોકિંગ ક્લિનિક્સ પાછળ લાખો પાઉન્ડનો ખર્ચ કરાય છે તેની વસૂલાત સરકારે ટોબેકો ઇન્ડસ્ટ્રી પાસેથી કરવી જોઇએ.

આંકડા દર્શાવે છે કે 2022માં 13.6 ટકા વસતી એટલે કે 66 લાખ લોકો બ્રિટનમાં ધુમ્રપાન કરતાં હતાં જે 2011 કરતાં 20.2 ટકાનો ઘટાડો દર્શાવે છે. કેન્સર રિસર્ચે જણાવ્યું હતું કે, 2030માં બ્રિટનને ધુમ્રપાનમુક્ત દેશ બનાવવા માટે સરકારે 70 ટકા વધુ ઝડપથી કામગીરી કરવી પડશે. જો હાલના દરે ધુમ્રપાન જારી રહેશે તો 2040 સુધીમાં દેશમાં કેન્સરના 10 લાખ કેસ હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter