ધુમ્રપાનના વ્યસનીને ફટકો, તમાકુ ઉત્પાદનો પર 12 ટકાનો કરવધારો

સિગારેટના એક પેકેટની કિંમતમાં 1.55 પાઉન્ડ સુધીનો વધારો, એક પેકેટ 14.39 પાઉન્ડનું પડશે

Tuesday 21st March 2023 07:56 EDT
 
 

લંડન

સિગારેટ અને તમાકુ ઉત્પાદનો પર 12 ટકા કરતાં વધુનો ટેક્સ લદાતાં ધુમ્રપાન મોંઘું બની જશે. સિગારેટ અને તમાકુ ઉત્પાદનો પરનો નવો ટેક્સ તાત્કાલિક અમલી બનવાનો હોવાથી યુકેમાં 20 સિગારેટના એક પેકેટની કિંમતમાં 1.55 પાઉન્ડ સુધીનો વધારો થશે જેના કારણે એક પેકેટની કિંમત 14.39 પાઉન્ડની આસપાસ પહોંચવાની સંભાવના છે.

ચાન્સેલર જેરેમી હન્ટે તેમના બજેટ પ્રસ્તાવમાં જણાવ્યું હતું કે, સિગારેટ પરના ટેક્સમાં રિટેલ પ્રાઇઝ ઇન્ડેક્સને અનુસંગત વધારો કરાતાં તેમાં 10.1 ટકા સુધીનો વધારો થશે. તે ઉપરાંત પ્રિ રોલ્ડ ટોબેકો પ્રોડક્ટ્સ પર બે ટકાનો ટેક્સ લાગે છે આમ કુલ 12 ટકા કરતાં વધુનો વધારો કરાયો છે.

ઓએનએસના જણાવ્યા અનુસાર 10 સિગારેટના એક પેકેટની હાલની કિંમત 12.84 પાઉન્ડ છે. તેના પર 10.1 ટકાનો ટેક્સ અને 2 ટકાનો પ્રિરોલ્ડ સિગારેટ ટેક્સ લાગતાં એક પેકેટની કિંમત 14.39 પાઉન્ડ પર પહોંચી જશે. આમ સિગારેટ પરના ટેક્સમાં પ્રતિ પેકેટ 1.55 પાઉન્ડ સુધીનો વધારો કરાયો છે.

જોકે ટેક્સમાં આ વધારાના કારણે ધુમ્રપાન કરનારાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્મોકર્સ ગ્રુપ ફોરેસ્ટના ડિરેક્ટર સાયમન ક્લાર્કે જણાવ્યું હતું કે, મોંઘવારીના આ સમયમાં ચાન્સેલર ક્રુરતાથી ધુમ્રપાનની આદત ધરાવતા લોકોને સજા કરી રહ્યાં છે. આ ભાવવધારો ગરીબ ધુમ્રપાન કરનારાઓ સાથે અન્યાય છે અને તેના કારણે ઘણા લોકો કાળાબજારનો ભોગ બને તેવી સંભાવના છે.

તમાકુ ઉત્પાદનો પરના ટેક્સ પરથી સરકારને તોતિંગ આવક થાય છે. 2022માં સરકારને તમાકુ ઉત્પાદનો પરના ટેક્સમાંથી 10.7 બિલિયન પાઉન્ડની આવક થઇ હતી જે કુલ ટેક્સના 1.2 ટકા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter