ધૂમ્રપાન માટે કાનૂની વયમર્યાદા દર વર્ષે વધારવાની ભલામણ

Wednesday 22nd June 2022 03:18 EDT
 
 

લંડનઃ ઈંગ્લેન્ડમાં તમાકુ અથવા સિગારેટ ખરીદવા માટે 18 વર્ષની કાનૂની વયમાં લોકો ખરીદવાનું બંધ કરી દે ત્યાં સુધી દર વર્ષે એક વર્ષનો વધારો કરવો જોઈએ તેમજ બિયર ગાર્ડન્સ અને બીચીસ પર ધૂમ્રપાન પ્રતિબંધિત કરવાની ભલામણ સરકાર દ્વારા રચાયેલી સમીક્ષામાં કરાઈ છે. ઈંગ્લેન્ડને 2030 સુધીમાં ધૂમ્રપાનરહિત બનાવવાના સરકારના લક્ષ્યમાં મદદરૂપ થવા 15 ભલામણો કરાઈ છે જેમાં, સિગારેટ કે તમાકુની પ્રાપ્યતા મર્યાદિત બનાવવા રિટેઈલર્સ માટે ટોબેકો લાઈસન્સનો પણ સમાવેશ કરાયો છે.

રિવ્યૂમાં સૌથી મહત્ત્વની ભલામણ દર વર્ષે ધૂમ્રપાન માટેની કાનૂની વયમાં એક વર્ષ ઊંચે લઈ જવા અને લોકો તેને ખરીદવાનું બંધ કરી દે ત્યાં સુધી તેને વધારતા રાખવાની છે. આવી જ પોલિસી ન્યૂ ઝીલેન્ડે અપનાવી છે. અન્ય ભલામણોમાં સ્મોક-ફ્રી પોલિસીઓમાં દર વર્ષે વધુ 125 મિલિયન પાઉન્ડનું રોકાણ કરવા તેમજ વાર્ષિક વધુ 70 મિલિયન પાઉન્ડ સ્ટોપ-સ્મોકિંગ સર્વિસીસ માટે ફાળવવા જણાવાયું છે તેમજ ધૂમ્રપાન કરનારાની હેલ્થ સર્વિસીસ સાથે દરેક મુલાકાતમાં ધૂમ્રપાન છોડવા મદદરૂપ બનવા NHS ના પ્રિવેન્શન કાર્યક્રમો સુધારવા પર ભાર મૂકાયો છે. આ ઉપરાંત, સુપરમાર્કેટ્સને સિગારેટ કે તમાકુ વેચવા પર પ્રતિબંધ, સિગારેટ સ્ટિક્સ અને પેકેટ્સને ઓછાં લોભામણા બનાવવાં, ધૂમ્રપાન છોડાવવા સામૂહિક મીડિયા કેમ્પેઈન્સ, દેશમાં સિગારેટ કે તમાકું ઓછાં મળી શકે તે માટે રિટેઈલર્સ લાઈસન્સ સહિતના પગલાંની ભલામણ પણ કરાઈ છે.

સમીક્ષામાં જણાવાયું છે કે જો સરકાર ભંડોળ ફાળવી ન શકે તો ધૂમ્રપાન કરનારાઓ પાસેથી વસૂલાત કરાવી જોઈએ, ટોબેકો ઈન્ડસ્ટ્રી લેવી દાખલ કરવી જોઈએ અથવા તત્કાળ અસરથી વધારાનો કોર્પોરેશન ટેક્સ લાદવો જોઈએ. ઈંગ્લેન્ડમાં આશરે 6 મિલિયન લોકો ધૂમ્રપાન કરે છે અને અટકાવી શકાય તેવી બીમારીઓ અને મોત માટેનું સૌથી મોટું એક કારણ તમાકુ જ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter