ધ્રુવ પટેલ (CBE) બન્યા ગ્રેટર લંડનના હાઈ શેરિફ

યુવાઓમાં વ્યાપ્ત હિંસા પર નિયંત્રણ મેળવવા પર ભાર મૂકશે

Tuesday 05th May 2026 11:14 EDT
 
 

લંડન: 30 એપ્રિલ 2026ના રોજ ધ્રુવ પટેલ CBE એ રોયલ કોર્ટ્સ ઓફ જસ્ટિસ ખાતે લેડી ચીફ જસ્ટિસની સમક્ષ ગ્રેટર લંડનના હાઈ શેરિફ તરીકેના સોગંદ લીધા હતા. આ સાથે જ તેઓ દેશના સૌથી જૂના નાગરિક હોદ્દાઓમાંના એક પર આધુનિક અને સમુદાય-કેન્દ્રિત અભિગમ સાથે કાર્યભાર સંભાળશે, જેમાં તેમનો મુખ્ય ભાર યુવા હિંસા અટકાવવા પર રહેશે. આ પ્રતિષ્ઠિત સમારોહમાં પૂર્વ વડાપ્રધાન બેરોનેસ થેરેસા મે અને લંડનના ભૂતપૂર્વ લોર્ડ મેયર સર નિકોલસ લાયન્સ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ધ્રુવ પટેલનો ઉછેર 1980ના દાયકામાં હેકની વિસ્તારમાં તેમના પિતાની દુકાન ઉપરના મકાનમાં થયો હતો. આ અનુભવે જ તેમને સામુદાયિક જીવન, પોલીસિંગ અને લંડનમાં રહેલી તકો વિશે ઊંડી સમજ આપી છે. હવે તેઓ તેમના આ જ પાયાના અનુભવોને હાઈ શેરિફ તરીકેની ભૂમિકામાં લાવશે, જેથી સમુદાયો અને ન્યાય પ્રણાલી વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવી શકાય.

રિયલ એસ્ટેટ, વીમો અને રિટેલ ફાર્મસી ક્ષેત્રે વ્યવસાયિક હિતો ધરાવતા પટેલ જાહેર અને સામુદાયિક જીવનમાં અનેક મહત્વની ભૂમિકાઓ ભજવી ચૂક્યા છે. નાગરિક નેતૃત્વ અને સખાવતી કાર્યો માટે તેમને 2026ના ન્યૂ યર ઓનર્સમાં CBE (કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર) થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પૂર્વે 2018માં તેમને બ્રિટિશ હિન્દુ સમુદાય અને સામાજિક એકતા માટેની સેવાઓ બદલ OBE એનાયત થયો હતો.

હાઈ શેરિફ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, ધ્રુવ પટેલ ખાસ કરીને પૂર્વ લંડનના વિસ્તારોમાં યુવા હિંસા નિવારણ અને વહેલી તકે હસ્તક્ષેપ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેઓ માને છે કે યુવાનોને ટેકો આપવામાં અને સામાજિક એકતા વધારવામાં ધાર્મિક સમૂહો મહત્વનો ભાગ ભજવી શકે છે.

તેમણે જણાવ્યું હતું કે, મારો ઉછેર હેકનીમાં થયો હોવાથી મેં લંડનના સામુદાયિક જીવનની વાસ્તવિકતાઓને નજીકથી જોઈ છે. આ અનુભવો જ મને આપણા શહેરના પડકારો અને તકોને સમજવામાં મદદ કરે છે. આ એક રાજવી નિમણૂક છે અને હું ન્યાય પ્રણાલીની સેવા કરવા અને આપણા સમુદાયોને ટેકો આપવા માટે સંપૂર્ણ કર્તવ્યનિષ્ઠા સાથે આ કાર્યભાર સંભાળી રહ્યો છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter