લંડનઃ હિન્દુઈઝમની સ્વૈચ્છિક સેવા અને યુવાવર્ગના વિકાસના કાર્યોની નોંધ લઈ ધ્રૂવ છત્રાલિયાને ૨૦૨૦ના ક્વીન્સ ઓનર્સ લિસ્ટમાં મેડલ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (BEM ) થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે સત્કર્મ હ્યુમનિટિરયન યુથ અવેકનિંગ મિશન (SHYAM)ની સ્થાપના કરી છે. તેમણે મહાન ભારતીય અધ્યાત્મ ગ્રંથો ભગવદ્ ગીતા, હનુમાન ચાલીસા અને શ્રી સુક્તમ વિષયમાં અંગ્રેજીમાં કુલ ૨.૪ મિલિયન શબ્દો સાથે ૩,૪૬૭ પાનાનું ભાષ્ય લખ્યું છે, જે ઈતિહાસમાં સૌથી લાંબુ છે. તેમને ભારત સરકાર દ્વારા ૨૦૧૫માં પ્રતિષ્ઠિત ભારત ગૌરવ એવોર્ડ પ્રદાન કરાયો હતો. તેમણે પાર્લામેન્ટના બંને ગૃહોમાં અધ્યાત્મ પ્રવચનો સાથે સંપૂર્ણ રામાયણનું પઠન કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
આ એવોર્ડ મળતા ધ્રૂવ છત્રાલિયાએ જણાવ્યું હતું કે,‘ ભગવદ્ ગીતાના ઉપદેશ થકી મારા જીવન ઘડતર અને મારી આ સુંદર જીવનયાત્રા બદલ હું ભગવાન કૃષ્ણને વંદન કરું છું. ધાર્મિક મૂલ્યો સાથે ઉછેર તેમજ સખ્ત મહેનત, નિઃસ્વાર્થતા અને લોકસેવાના ગુણો આપવા બદલ હું માતાપિતાનો આભારી છું. મહાન ભારતીય ગ્રંથોના ઉપદેશોથી મને ઉપકૃત કરનારા મારા ગુરુઓ તેમજ સમગ્ર ભારતીય ગુરુ પરંપરાનો હું આભારી રહીશ.’
ધ્રૂવ છત્રાલિયા સિટી ઓફ લંડનસ્થિત વૈશ્વિક કાનૂની પેઢીમાં આંતરરાષ્ટ્રીય મર્જર્સ અને એક્વિઝિશન લોયર છે. તેમણે હિન્દુત્વ વિશે ૨૧ પુસ્તકોના લેખન ઉપરાંત, ભગવદ્ ગીતા, હનુમાન ચાલીસા, રામાયણ, શ્રીમદ્ ભાગવત, શ્રી સુક્તમ, દેવી માહાત્મ્ય તેમજ વેદ, ઉપનિષદો, યોગ અને ધ્યાન સંબંધિત ૩૨૫થી વધુ આધ્યાત્મિક જાહેર પ્રવચનો પણ આપ્યા છે. તેઓ પોતાના પુસ્તકો કે પ્રવચનો માટે નાણા લેતા નથી અને આજિવિકા માટે વકીલાત કરે છે. આ બધા પુસ્તકોમાંથી પ્રાપ્ત આવકનો ઉપયોગ તેઓ ચેરિટીમાં કરે છે.
તેમણે ક્લાયન્ટ ફીડબેક ઓફ ધ યર એવોર્ડ પણ મેળવ્યા છે. સતત ત્રણ વર્ષ યુરોપિયન ડાઈવર્સિટી એવોર્ડ્સમાં આઉટસ્ટેન્ડિંગ એમ્પ્લોઈ નેટવર્ક ગ્રૂપ ( CMS હિન્દુ નેટવર્ક) તેમજ લો સોસાયટી એક્સેલન્સ એવોર્ડમાં એક્સેલન્સ ઈન ઈક્વલિટી એન્ડ ડાયવર્સિટી એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરાયા હતા. તેમણે ૨૦૧૨ અને ૨૦૧૩માં CSR એવોર્ડ્સમાં બેસ્ટ ડાઈવર્સિટી એન્ડ ઈન્ક્લુશન નેટવર્ક/ ઈવેન્ટ માટે એવોર્ડ્સ મેળવ્યા હતા.


