લંડનઃ ગત ચોથી જુલાઈ, ગુરુવારે નોર્થ હેરોમાં લૂંટની એક ઘટના બની હતી. નકલી ટ્રાફિક વોર્ડને એક વડીલને ધમકાવીને તેમના ડેબિટ કાર્ડ્સ અને પીન નંબર લઈ લીધા અને તેનો ઉપયોગ કરીને ૨,૦૦૦ પાઉન્ડ ઉપાડી લીધા હતા.
બન્યું એવું કે ગુરુવારે જૈફ વયના એક પતિ તેમના પત્નીને વીબી એન્ડ સન્સ પાસે કારમાંથી ઉતારીને મશીનમાંથી ૨૦ મિનિટ ફ્રી પાર્કિંગ ટિકિટ લેવા ગયા. ત્યાં તેમને આ ટ્રાફિક વોર્ડન મળ્યા અને તેણે કહ્યું, ‘ટિકિટ મશીન બંધ છે, નજીકના વળાંક પાસે પોસ્ટ ઓફિસ પાસે મશીન છે.’ ટ્રાફિક વોર્ડન વડીલની કારમાં સાથે ત્યાં ગયા અને કહ્યું કે આ મશીન પણ બંધ છે. ચાલો આપણે નોર્થ હેરો સ્ટેશન સામે દુર્ગા મા રેસ્ટોરન્ટ પાસે આવેલા મશીન પર જઈએ.
આ સ્થળે ગયા પછી નકલી ટ્રાફિક વોર્ડને તેનું અસલ સ્વરૂપ બતાવ્યું અને વડીલને ધમકી આપીને તેમની પાસેથી ડેબિટ કાર્ડ્સ અને તેના પીન નંબર લઈ લીધા. તેનો ઉપયોગ કરીને તેણે એટીએમ મશીનમાંથી ૨,૦૦૦ પાઉન્ડ ઉપાડી લીધા હતા.

