લંડનઃ વિદેશી લોકો બ્રિટનમાં સ્થાયી થઈ શકે તે માટે તેમના નકલી લગ્ન કરાવવાની સુવિધા પૂરી પાડનારા ૫૧ વર્ષીય ઈમિગ્રેશન વકીલ ઝુલ્ફીકાર અલીને વકીલાતની પ્રેક્ટિસ કરવા પર પ્રતિબંધ મૂકાયો હતો. તેઓ ૨૦૧૫માં અસીલો સાથે બોગસ લગ્નની ચર્ચા કરતા અને બદલામાં ફી પેટે હજારો પાઉન્ડની માગણી કરતા કેમેરામાં કેદ થયા હતા. તેમની પાસે આવેલા ગ્રાહકો હકીકતમાં ટીવી ડોક્યુમેન્ટરી બનાવતા ITVના અંડરકવર રિપોર્ટરો હતા.
ગયા વર્ષે ઈંગ્લેન્ડ અને વેલ્સના સોલિસિટર્સ રજિસ્ટરમાંથી તેમનું નામ કમી કરાયું હતું. પરંતુ, હાઈ કોર્ટે ટેક્નિકલ કારણસર તે નિર્ણય રદ કર્યો હતો. સપ્ટેમ્બરમાં ડિસિપ્લિનરી ટ્રિબ્યુનલે પ્રોસિક્યુશનનો કેસ ફરી સાંભળ્યો હતો અને ઝુલ્ફીકાર અલીને વકીલાતની પ્રેક્ટિસ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને કોસ્ટ પેટે ૨૬,૫૦૦ પાઉન્ડ ચૂકવવા આદેશ કર્યો હતો. અલીની લો ફર્મ ઈસ્ટ લંડનના સ્ટ્રેટફર્ડમાં આવેલી છે. તેઓ આઈટીવીની એક્સપોઝર યુકેઃ ધ શામ મેરેજ રેકેટ ડોક્યુમેન્ટરીમાં દેખાયા હતા. તેમાં તેઓ અંડરકવર રિપોર્ટરો સાથે નકલી લગ્ન અંગે ખૂલ્લી રીતે ચર્ચા કરતા દેખાયા હતા. તેઓ ઈમિગ્રેશનની પ્રક્રિયાને ટાળવાના ઉપાયો જણાવતા, નકલી લગ્નને કેવી રીતે સાચા બતાવવા અને પેમેન્ટની ચર્ચા પણ કરતા હતા.
ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે પૂરાવા પરથી સ્પષ્ટ થયું હતું કે તેઓ નકલી ગ્રાહકો સાથે બે મિટીંગમાં ‘અયોગ્ય અથવા નકલી લગ્ન’ વિશે ચર્ચા કરતા હતા. પૂરાવામાં એ પણ જણાયું હતું કે અલીએ તેમની ફી અને ગ્રાહક સાથે જે મહિલા પરણવાની હતી તેની ફી સાથે લગ્નનો કુલ ખર્ચ અંદાજે ૧૩,૦૦૦ પાઉન્ડ જણાવ્યો હતો. ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે લગ્નના કે દહેજના ખર્ચ અંગે ચર્ચા થતી હતી કે કેમ તે ટ્રાન્સક્રીપ્ટમાં સૂચવાયું ન હતું. જોકે, લગ્ન પછી તે મહિલા સાથે રહેવું પડશે કે કેમ તેવા ગ્રાહકના સ્વાંગમાં આવેલા રિપોર્ટરોએ પૂછેલા પ્રશ્રના જવાબમાં તેમણે જવાબ આપ્યો હતો,‘ટેક્નિકલી હા.’
ટ્રિબ્યુનલે ચુકાદામાં જણાવ્યું હતું કે હોમ ઓફિસ દ્વારા પૂછાતા પ્રશ્રોના જવાબ માટે સલાહ અપાય તેમાં તેને કશું વાંધાજનક લાગતું નથી. પરંતુ, ગ્રાહકે જ્યારે તે ‘યુવતી મેળવવા માટે’ ચર્ચા કરી અને તેમ કરતાં પકડાઈ જઈએ તો શું જોખમ તે પૂછ્યું તે વાંધાજનક હતું.