લંડનઃ અસાયલમના નકારી કઢાયેલા દાવાઓ સામેની અપીલમાં વિક્રમજનક વધારો નોંધાયો છે. અપીલમાં ગયેલા કેસોની સુનાવણીમાં એક વર્ષ કરતાં વધુનો વિલંબ થઇ રહ્યો હોવાથી તેમનું હોટેલ રોકાણ પણ લંબાઇ રહ્યું છે.
સત્તાવાર આંકડા પ્રમાણે માર્ચ 2025ના અંતે 50,976 અપીલ પરની સુનાવણી પડતર હતી.જે ગયા વર્ષની સરખામણીમાં બમણી અને 2023ની સરખામણીમાં 7 ગણી છે. આ આંકડો અત્યાર સુધીનો સૌથી ઊંચો આંકડો મનાય છે.
સરેરાશ અપીલની સુનાવણીમાં થતો વિલંબ હવે 54 સપ્તાહ પર પહોંચી ગયો છે. પહેલીવાર અપીલની સુનાવણીમાં વિલંબ એક વર્ષને પાર કરી ગયો છે. ઇમિગ્રેશન બેરિસ્ટર કોલિન યેઓના જણાવ્યા અનુસાર વિલંબનો સમય હજુ વધી શકે છે.
અપીલની સુનાવણીમાં જેટલો વિલંબ થાય છે તેટલી માઇગ્રન્ટની યુકેમાં રહેવાની તકોમાં વધારો થાય છે. માનવ અધિકારના નામે તેમના દેશનિકાલની તકો ઘટે છે.
હાઇ બ્લડ પ્રેશર હોવાથી શ્રીલંકન દંપતીને રાજ્યાશ્રય અપાયો!!
શ્રીલંકાના એક વૃદ્ધ દંપતીને યુકેમાં વસવાટનો અધિકાર આપવામાં આવ્યો છે. દંપતીએ દાવો કર્યો હતો કે અમારા દેશમાં હાઇ બ્લડ પ્રેશરની સારવાર અપુરતી મળે છે. આ દંપતી 2022માં તેમની દીકરી અને જમાઇની મુલાકાતે યુકે આવ્યું હતું. પરંતુ બે મહિના બાદ તેમણે રાજ્યાશ્રય માટે અપીલ કરી હતી જેને હોમ ઓફિસ દ્વારા નકારી કઢાઇ હતી. પતિએ ઇમિગ્રેશન ટ્રિબ્યુનલને જણાવ્યું હતું કે હું ડિપ્રેશન, એન્ઝાઇટી, હાયપર ટેન્શન અને ડાયાબિટિસથી પીડાઉં છું અને હું શ્રીલંકામાં સારવાર લેવા ઇચ્છતો નથી. જજે તેમની દલીલો સાથે સહમત થતાં જણાવ્યું હતું કે, દંપતીને વતનના દેશમાં પરત મોકલવાથી માનવ અધિકારનું ઉલ્લંઘન થશે.