નદીમ ઝહાવી, સાજિદ જાવિદ, માઇકલ ગોવ, ગ્રાન્ટ શેપ્સ જેવા દિગ્ગજોના મતવિસ્તારોમાં ટોરીઝ ધરાશાયી

ડેપ્યુટી પીએમ ઓલિવર ડાઉડેન સહિતના મંત્રીઓ ટોરીઝને જીતાડવામાં નિષ્ફળ

Tuesday 09th May 2023 13:15 EDT
 

લંડન

કાઉન્સિલની ચૂંટણીઓમાં કન્ઝર્વેટિવ પાર્ટીના ઘણા ટોચના નેતાઓના મતવિસ્તારોમાં પાર્ટીને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. લેવલિંગ અપ સેક્રેટરી માઇકલ ગોવની સરે હીથ કાઉન્સિલમાં પહેલીવાર લિબરલ ડેમોક્રેટિક પાર્ટીનો 14 બેઠકો સાથે વિજય થયો છે જ્યારે કન્ઝર્વેટિવના 12 કાઉન્સિલર પરાજિત થયાં છે. એનર્જી સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સની વેલવિન હેટફિલ્ડ કાઉન્સિલમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ સત્તા ગુમાવી છે અને ત્રિશંકુ કાઉન્સિલનું નિર્માણ થયું છે. વડાપ્રધાનના ડેપ્યુટી ઓલિવર ડાઉડેનની હર્ટ્સમિયર કાઉન્સિલમાં પણ ટોરીઝને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિકની નેવાર્ક એન્ડ શેરવૂડ કાઉન્સિલમાં પણ ટોરીએ સત્તા ગુમાવી છે. એન્વાયરમેન્ટ સેક્રેટરી થેરેસે કોફીના મતવિસ્તારની ઇસ્ટ સફોકમાં ટોરીઝે સત્તા ગુમાવી છે. સ્ટ્રેટફોર્ડ એવનમાં ટોરીઝે 15 બેઠકો ગુમાવતાં કાઉન્સિલ પરનું નિયંત્રણ ગુમાવ્યું છે. આ કાઉન્સિલ ટોરી પાર્ટીના પૂર્વ ચેરમેન નદીમ ઝહાવીના મતવિસ્તારમાં આવે છે. પૂર્વ ચાન્સેલર સાજિદ જાવિદના મતવિસ્તારમાં બ્રોમ્સગ્રોવ કાઉન્સિલમાં પણ ટોરીઝને પરાજયનો સામનો કરવો પડ્યો છે.

કાઉન્સિલ ચૂંટણીમાં યુકે ઇન્ડિપેન્ડન્સ પાર્ટીના સૂપડાં સાફ

ઇંગ્લેન્ડની સ્થાનિક ચૂંટણીઓમાં યુકે ઇન્ડિપેન્ડેન્સ પાર્ટીના સૂપડાં સાફ થઇ ગયાં છે. પાર્ટીએ 6 બેઠકો પર ઉમેદવારો ઊભા કર્યાં હતાં પરંતુ તેમાંથી એકનો પણ વિજય થયો નથી. 2014માં યુરોપિયન ચૂંટણીઓમાં સૌથી વધુ મત ટકાવારી હાંસલ કરનારી આ પાર્ટીનું રાજકીય ભાવિ હવે ડામાડોળ બની ગયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter