લંડન
વડાપ્રધાન રિશી સુનાકે નદીમ ઝહાવીના ટેક્સ મામલાઓમાં તેમના દ્વારા કરાયેલા ખુલાસાઓની તપાસ પોતાના સ્વતંત્ર એથિક્સ એડવાઇઝરને સોંપી છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ કેસમાં કેટલાક સવાલોના જવાબ મેળવવા જરૂરી છે. મારા માટે જવાબદારી અને વિશ્વસનિયતા અત્યંત આવશ્યક છે. તેથી મેં સ્વતંત્ર સલાહકારને આ મામલાની ઝીણવટથી તપાસ કરવાની સૂચના આપી છે. મેં સલાહકારને જણાવ્યું છે કે ઝહાવીએ તેમના મિનિસ્ટરિયલ કોડનું ઉલ્લંઘન કર્યું છે કે કેમ તે અંગે સલાહ આપે. તપાસ ચાલશે ત્યાં સુધી ઝહાવી ટોરી પાર્ટીના ચેરમેન તરીકે કામ કરતા રહેશે અને તેઓ તપાસમાં સંપુર્ણ સહકાર આપવા સહમત થયાં છે.
મલ્ટી મિલિયન પાઉન્ડ ટેક્સ સેટલમેન્ટ અંતર્ગત કન્ઝર્વેટિવ પાર્ટી ચેરમેન નદીમ ઝહાવીએ એચએમઆરસીને પેનલ્ટી ચૂકવી હોવાના અહેવાલો બાદ લેબર પાર્ટીએ વડાપ્રધાન રિશી સુનાક સમક્ષ ઝહાવીને બરતરફ કરવાની માગ કરી છે. લેબર નેતા એન્જેલા રેયનરે જણાવ્યું હતું કે, ઝહાવીને આ હોદ્દા પર રહેવાનો કોઇ અધિકાર નથી. વડાપ્રધાને તેમને બરતરફ કરી દેવા જોઇએ.
ડેપ્યુટી પીએમ ડોમિનિક રાબે જણાવ્યું હતું કે ઝહાવી આ મામલામાં ઘણા પારદર્શક છે. તેમણે એચએમઆરસીને બાકી નીકળતા ટેક્સના તમામ નાણા ચૂકવી દીધા છે. જો તેમને વધુ કોઇ સવાલો કરાશે તો તેઓ તેનો ચોક્કસ જવાબ આપશે.
રેયનરે જણાવ્યું હતું કે, નદીમ ઝહાવીની સ્ટોરીનો અહીં અંત આવી જતો નથી. થોડા સમય પહેલાં જ તેઓ યુકેની ટેક્સ સિસ્ટમના વડા હતા અને વડાપ્રધાને તેમને કન્ઝર્વેટિવ પાર્ટીના ચેરમેન નિયુક્ત કર્યા હતા પરંતુ હવે તેમને આ હોદ્દા પર રહેવાનો કોઇ અધિકાર નથી. રિશી સુનાકે તેમને કેબિનેટમાંથી હાંકી કાઢવા જોઇએ. નદીમ ઝહાવીએ જાહેરમાં આવીને કોઇ સ્પષ્ટતા પણ કરી નથી તે મને વધુ પરેશાન કરે છે.
હવે હેલ્થ મિનિસ્ટરના પ્રાઇવેટ કંપનીમાં હિસ્સાથી વિવાદ સર્જાયો
નદીમ ઝહાવી બાદ કન્ઝર્વેટિવ હેલ્થ મિનિસ્ટર વિવાદમાં સપડાયા છે. નિક માર્ખમ પ્રાઇવેટ હેલ્થ સ્ક્રિનિંગ અને કોવિડ ટેસ્ટિંગ કંપનીમાં હિસ્સો ધરાવતા હોવાથી હિતોના ટકરાવનો મામલો સામે આવ્યો છે. લિઝ ટ્રસ સરકારઅંતર્ગત લોર્ડની ઉપાધિ પ્રાપ્ત કરનાર બિઝનેસમેન નિક માર્ખમને આરોગ્ય વિભાગમાં નિયુક્ત કરાયા હતા. તેઓ સાઇનપોસ્ટ ઇન્વેસ્ટમેન્ટમાં 30 ટકા હિસ્સો ધરાવે છે અને નિયુક્તિના 4 મહિના પછી પણ તેમની આ હિસ્સેદારી જારી છે. પ્રાઇવેટ સેક્ટરમાં હેલ્થ સ્ક્રિનિંગ અને કોવિડ ટેસ્ટિંગ ઉપલબ્ધ કરાવવા માટે કોરોના મહામારીમાં આ કંપનીની સ્થાપના કરાઇ હતી. લેબર પાર્ટી અને લિબરલ ડેમોક્રેટ પાર્ટીએ આરોપ મૂક્યો છે કે કોઇ મંત્રી માટે આ પ્રકારનો હિસ્સો ધરાવવો યોગ્ય નથી. એમ કહેવાય છે કે સાઇનપોસ્ટ ઇન્વેસ્ટમેન્ટની પેટાકંપની સાઇનપોસ્ટ ડાયગ્નોસ્ટિક્સે માર્ચ 2021માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં 15 મિલિયન પાઉન્ડનો નફો રળ્યો હતો.


