નરેન્દ્ર મોદી પરની ડોક્યુમેન્ટરી વ્યાપક રિસર્ચ બાદ તૈયાર કરાઇ હોવાનો બીબીસીનો દાવો

પત્રકારત્વના ઉચ્ચ ધોરણો સાથે તૈયાર કરાયેલી આ ડોક્યુમેન્ટરીમાં ઉઠાવાયેલા મામલાઓ અંગેના અમારા સવાલોના જવાબ આપવા ભારત સરકારે ઇનકાર કરી દીધો હતો - બીબીસી

Wednesday 25th January 2023 06:02 EST
 
 

લંડન

બીબીસીની દસ્તાવેજી ફિલ્મને ભારત સરકારે પ્રોપેગેન્ડા પીસ ગણાવ્યા બાદ બીબીસીએ જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની દસ્તાવેજી ફિલ્મ સીરિઝ વ્યાપક રિસર્ચ બાદ તૈયાર કરાઇ છે. તેમાં મહત્વના મુદ્દા ઉઠાવવામાં આવ્યાં છે. બીબીસીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બીબીસીની ડોક્યુમેન્ટરી પત્રકારત્વના ઉચ્ચ ધોરણો સાથે તૈયાર કરાઇ છે. આ દસ્તાવેજી ફિલ્મ તૈયાર કરવા માટે અમે સંખ્યાબંધ લોકોનો સંપર્ક પણ કર્યો હતો. અમે સાક્ષીઓ અને નિષ્ણાતોનો સંપર્ક કરીને તેમના દ્વારા અપાયેલી માહિતી અને મંતવ્યો રજૂ કર્યાં છે. અમે આ દસ્તાવેજી ફિલ્મમાં ઉઠાવાયેલા મામલાઓનો જવાબ આપવા ભારત સરકારનો પણ સંપર્ક કર્યો હતો પરંતુ ભારત સરકારે તેના પર કોઇ જવાબ આપવાનો ઇનકાર કરી દીધો હતો.

બીબીસીએ જણાવ્યું હતું કે, અમે વિશ્વભરમાંના મહત્વના મામલા ઉઠાવવા પ્રતિબદ્ધ છીએ.નરેન્દ્ર મોદી પરની દસ્તાવેજી સીરિઝ ભારતમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે પ્રવર્તતા તણાવ અને આ તણાવના સંદર્ભમા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવી રાજનીતિ કરી રહ્યાં છે તે શોધવાનો પ્રયાસ કરાયો છે. તાજેતરના વર્ષોમાં ભારત અને સમગ્ર વિશ્વમાં આ રિપોર્ટિંગ અને હિતનો સ્ત્રોત છે.

ગુજરાતના રમખાણો માટે નરેન્દ્ર મોદી સીધા જવાબદાર હતા – બ્રિટિશ સરકારનો ગુપ્ત રિપોર્ટ

બીબીસી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે બ્રિટનની સરકાર દ્વારા તૈયાર કરાયેલા એક ગુપ્ત રિપોર્ટમાં ગુજરાતના વર્ષ 2002ના કોમી રમખાણો માટે હાલ ભારતના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સીધા જવાબદાર હતા. બીબીસી ટુ પર પ્રસારિત કરવામાં આવેલી દસ્તાવેજી ફિલ્મ ઇન્ડિયા – ધ મોદી ક્વેશ્ચનને ગુજરાતના રમખાણોની તપાસ માટે તત્કાલિન બ્રિટિશ વિદેશ મંત્રી જેક સ્ટ્રો દ્વારા મોકલાયેલી તપાસ ટીમ દ્વારા તૈયાર કરાયેલા ગુપ્ત રિપોર્ટના આધારે આ દસ્તાવેજી ફિલ્મ તૈયાર કરવામાં આવી છે.

બીબીસીના ચેરમેન રિચર્ડ શાર્પની નિયુક્તિની સમીક્ષાનો આદેશ

પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોન્સનને8 લાખ પાઉન્ડની લોન મેળવવામા મદદ કરવાના આરોપનો સામનો કરી રહેલા રિચર્ડ શાર્પની બીબીસીના ચેરમેન તરીકે નિયુક્તિ કેવી રીતે થઇ તેની પ્રક્રિયાની સમીક્ષા કરવાના આદેશ જારી કરી દેવાયા છે. કમિશ્નર ઓફ પબ્લિક એપોઇન્ટમેન્ટ્સ વિલિયમ શોક્રોસે જણાવ્યું હતું કે, શાર્પની નિયુક્તિ સરકારી નિયમોનું સંપુર્ણ પાલન કરીને કરાઇ છે કે કેમ તે આ સમીક્ષા દ્વારા સુનિશ્ચિત કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter