લંડનઃ બ્રિટિશ હેરાલ્ડ અખબારના ઓનલાઈન પોલમાં વાચકોએ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૨૦૧૯માં વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે પસંદગી કરી છે. આ પોલમાં તેમણે વિશ્વની મહાસત્તાઓના શક્તિશાળી નેતાઓ ડોનાલ્ડ ટ્રમ્પ, વ્લાદિમીર પુતિન અને શી જિનપિંગને પણ પાછળ છોડી દીધા છે. નરેન્દ્ર મોદીએ તાજેતરના વર્ષોમાં સક્રિય વિશ્વનેતા તરીકે કાઠું કાઢ્યું છે. બ્રિટિશ હેરાલ્ડના ૧૫ જુલાઈના અંકમાં મોદી આ પરિણામ સાથે કવર પેજ પર ચમકશે. ૧૫ જૂન શનિવારની મધ્યરાત્રિએ મતદાન બંધ કરાયા પછી વડા પ્રધાન મોદીને સૌથી વધુ ૩૦.૯ ટકા મત મળ્યા હતા જ્યારે, બીજા ક્રમના શક્તિશાળી નેતા તરીકે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને ૨૯.૯ ટકા મત મળ્યા હતા. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી જિનપિંગ અનુક્રમે ૨૧.૯ ટકા અને ૧૮.૧ ટકા મત સાથે ત્રીજા અને ચોથા સ્થાને રહ્યા હતા.
બ્રિટનના મીડિયા હાઉસ બ્રિટિશ હેરાલ્ડે ઓનલાઈન સર્વે કરાવ્યો હતો. જેમાં સૌ પહેલાં નોમિનેશન તરીકે વિશ્વના ૨૫થી વધુ દિગજ્જ નેતાની યાદી બનાવાઈ હતી. નિષ્ણાતોની સમિતિએ તમામ વ્યક્તિઓના સઘન મૂલ્યાંકન પછી સૌથી શક્તિશાળી ચાર નેતા- અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન, ચીનના પ્રમુખ શી જિનપિંગ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અલગ તારવ્યા હતા.
બ્રિટિશ હેરાલ્ડે સર્વે માટે એક વાચક એક જ વખત ભાગ લઈ શકે તેવી શરત સાથે ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ)ની પદ્ધતિ અપનાવી હતી. જેમાં વાચકોએ વેબસાઈટ britishherald.com પર જઈ મતદાનમાં ભાગ લેવાનો હતો. પોતાના પસંદગીના નેતાને જીતાડવા માટે વાચકોએ વેબસાઈટ પર હલ્લો બોલાવતા મતદાન શરૂ થયાના ગણતરીના સમયમાં જ વેબસાઈટ ક્રેશ થઈ ગઈ હતી. વેબસાઈટને કુલ ૩૦ લાખ હીટ્સ સાથે જૂન મહિનાના પહેલાં સપ્તાહમાં જ ૨૫ લાખ હીટ્સ મળી હતી. બ્રિટિશ હેરાલ્ડના મે-જૂનના અંકમાં ન્યુઝી લેન્ડના વડા પ્રધાન મંત્રી જેસિન્ડા આર્ડર્ન અને માર્ચ-એપ્રિલના અંકમાં રશિયાન પ્રમુખ પુતિનને કવર પેજ પર સ્થાન મળ્યું હતું.
આર્ટીકલમાં મોદીના ભરપૂર વખાણ
બ્રિટિશ હેરાલ્ડ વેબસાઈટમાં પ્રસિદ્ધ લેખમાં મોદીના ભરપૂર વખાણ સાથે લખવામાં આવ્યું છે કે- હાલની ચૂંટણીમાં જ વડા પ્રધાન મોદીને ભારતીયો તરફથી ખૂબ જ વધુ અપ્રુવલ રેટિંગ્સ મળ્યું છે. જીએસટી, નોટબંધી તેમજ બેરોજગારી જેવી સમસ્યાઓ છતાં, આતંકવાદ સામે લડાયક વલણ અને એર સ્ટ્રાઈક બાદ લોકસભા ચૂંટણીમાં તેમના સમર્થનમાં ઘણો વધારો થયો હતો. આ ઉપરાંત, આયુષ્યમાન ભારત, ઉજ્જવલા યોજના અને સ્વચ્છ ભારત અભિયાનથી પણ તેમની લોકપ્રિયતામાં વધારો થયો છે.
મોદી ધ ટાઈમના કવર પણ ચમક્યા છે
નરેન્દ્ર મોદી પ્રખ્યાત મેગેઝિન ‘ધ ટાઈમ’ના મુખપૃષ્ઠ પર પણ ચમક્યા છે. ભારતમાં ત્રણ દાયકાના સમયગાળા પછી ભારે બહુમતી સાથે ૨૦૧૪માં શાસન પર આવ્યાના પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ધ ટાઈમના મે-૨૦૧૫ના અંકમાં એક્સક્લુઝિવ ઈન્ટર્વ્યૂ સાથે કવરપેજ પર સ્થાન અપાયું હતું. આ ઈન્ટર્વ્યૂમાં મોદીએ આર્થિક સુધારા સહિતની તમામ પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. આ પછી વર્ષ ૨૦૧૬માં પર્સન ઓફ ધ યર તરીકે પણ નરેન્દ્ર મોદી ધ ટાઈમના મુખપૃષ્ઠ પર ચમક્યા હતા.
ટાઈમે ભારતમાં લોકસભાની ચૂંટણી દરમિયાન મે ૨૦૧૯ના અંકમાં નરેન્દ્ર મોદી પર કવરસ્ટોરી કરી હતી, જેમાં તેમને ભારતના ‘ડિવાઈડર ઈન ચીફ’ ગણાવાયા હતા. ભારતની જનતા તેમનું વધુ પાંચ વર્ષનું શાસન સહન કરી શકશે કે કેમ તેવો અણિયાળો પ્રશ્ન લેખક આતીશ તાસીર દ્વારા પૂછાયો હતો. આ જ અંકમાં અન્ય વિરોધાભાસી ‘મોદી ઈઝ ઈન્ડિયા’ઝ બેસ્ટ હોપ ફોર ઈકોનોમિક રિફોર્મ્સ’ લેખ પણ પ્રસિદ્ધ થયો હતો.