નરેન્દ્ર મોદી ભારતીય જનતા પક્ષના મહામંત્રી હતા તે અગાઉના સમયથી વિદેશસ્થિત ભારતીયો સાથે વૈચારિક આદાનપ્રદાન માટે ઉત્સુક રહેતા હતા. આજે આપણે તેમને એવા વડા પ્રધાન કરીકે નિહાળીએ છીએ, જેઓ પોતાના મંતવ્યો અને માન્યતાઓને સતત વળગી રહ્યા છે અને પોતાના નિર્ધારિત લક્ષ્ય તરફ એક એક કદમ આગળ વધતા જાય છે. તેમણે યુકેના ભારતીય ડાયસ્પોરા સાથે સક્રિય સંબંધો વિકસાવ્યા છે અને જ્યારે પણ તક મળી છે ત્યારે તેમની સાથે મેળમિલાપ કર્યો છે.
નરેન્દ્ર મોદીએ વર્ષ ૧૯૯૯માં બ્રિટનની પાંચ દિવસની મુલાકાત વેળાએ ભાજપના ચૂંટણી વિજયની ઊજવણી કરવા નીસડનના સ્વામીનારાયણ મંદિર ખાતે ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી દ્વારા આયોજિત ભોજન સમારંભમાં હાજરી આપવાનો સમય ફાળવ્યો હતો. તે લોકસભા ચૂંટણીમાં ૨૬માંથી ૨૦ બેઠક અપાવી તે જોતાં આ વ્યક્તિ ટુંક સમયમાં ગુજરાત રાજ્યનું નેતૃત્વ સંભાળશે તે વિશે કોઈને શંકા રહી ન હતી. આરઆરએસના પ્રચારક તરીકે મોદીએ ૧૯૮૫-૧૯૯૫ના ગાળામાં ભાજપ પાર્ટીનું નેટવર્ક ૧૦૦૦ ગામથી ૧૬,૦૦૦ ગામ એકમ સુધી ફેલાવી દીધું હતું.
તેઓ વર્ષ ૨૦૦૦માં કેરેબિયન તરફ જઈ રહ્યા હતા ત્યારે યુકેમાં ટુંકા રોકાણ તરીકે તેમની બીજી મુલાકાત થઈ હતી. તેઓ વિશ્વ હિન્દુ કોન્ફરન્સમાં વક્તવ્ય આપવાના હતા. મોદીને યુનાઈટેડ નેશન્સ પીસ સમિટમાં મહેમાન તરીકે આમંત્રિત કરાયા હતા. તેમના ટુંકા છતાં પ્રભાવશાળી રોકાણમાં તેઓ ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના કેટલાક સભ્યોને મળ્યા હતા તેમ જ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના સી. બી. પટેલ સાથે ટેલિ કોન્ફરન્સ પણ યોજી હતી. તેમણે ગુજરાતની ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અને જમ્મુ અને કાશ્મીરમાં ત્રાસવાદનો સામનો કરવામાં કેન્દ્ર સરકારના પ્રયાસો વિશે પણ વાત કરી હતી. મોદીએ ત્રાસવાદને બીમારી ગણાવતા કહ્યું હતું કે,‘ત્રાસવાદ એ માનવતા વિરુદ્ધનું અનિષ્ટ છે. તે ભારતમાં, મિડલ ઈસ્ટ અથવા નોર્ધર્ન આયર્લેન્ડ, ગમે ત્યાં હોઈ શકે છે.’
સમુદાયના દિલમાં મોદીની ભાવનાશીલ સ્મૃતિઓમાંની એક સ્મૃતિ ૨૦૦૩ની છે, જ્યારે તેઓ મુખ્ય પ્રધાન તરીકે ગુજરાતનું નેતૃત્વ કરી રહ્યા હતા અને યુકેની ચાર દિવસની મુલાકાતે આવ્યા હતા. ગુજરાતે થોડાં સમય અગાઉ જ ૨૦૦૧માં સમગ્ર પ્રદેશને હચમચાવી દેનારા ૭.૭ તીવ્રતાના ધરતીકંપની મહાવિનાશક આપત્તિ અનુભવી હતી. આ દુર્ઘટના સંદર્ભે બિનનિવાસી ગુજરાતીઓએ ઉદાર હાથે મદદનો પ્રવાહ વહાવ્યો હતો. લંડનના વેમ્બલી કોન્ફરન્સ સેન્ટરમાં પ્રસંશકોના ઉત્સાહી પોકારો વચ્ચે ગુંજતા અવાજે મોદીએ કહ્યું હતું કે,‘તમે બધા ગુજરાતના સાચા મિત્રો છો અને હું એ વફાદારીનો પ્રતિસાદ વાળવા આવ્યો છું. અમે મોતની શેરીઓમાં સુતેલા છીએ. અમારી જરૂરિયાતની પળોમાં અમને મદદ કરી છે તેમની મિત્રતાનું ઋણ ચુકવવા હું અહીં આવ્યો છું.’
નમોની વક્તૃત્વકળા તો કાબિલે તારીફ જ છે અને સમગ્ર વિશ્વમાં તેની મૂલવણી થાય છે. આજે પણ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ ૨૦૦૩ તરફ નજર કરે છે ત્યારે અમને તેમની દૃષ્ટિ પાણી જેવી સ્પષ્ટ જણાય છે. તે સમયે પણ તેમણે ભારતને સાંકળતી આઈટી અજાયબીઓ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું,‘ IT એટલે ઈન્ફોર્મેશન ટેકનોલોજી નથી. IT એટલે તો ઈન્ડિયા ટુડે છે. BT એટલે બાયોટેકનોલોજી નથી. BT એટલે તો ભારત ટુડે છે. IT અને IT બરાબર IT થાય છે. આનો અર્થ એ છે કે ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને ઈન્ડિયન ટેલેન્ટ એ ઈન્ડિયા ટુમોરો છે.’
આ ઉપરાંત, તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦ ઓગસ્ટે લંડનમાં ભવ્ય કાર્યક્રમમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસની ઓફિસમાં શક્તિ હોલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એવા નેતા છે, જેમણે વિદેશમાં સમુદાયના લોકો સાથે વાર્તાલાપ કરવા હંમેશાં તદ્દન બિનપરંપરાગત પદ્ધતિઓ ઉપયોગમાં લીધી છે. લંડનમાં વર્ષ ૨૦૧૧માં ગુજરાત રાજ્યની રચનાની ગોલ્ડન જ્યુબિલીની ઊજવણીના બે ભવ્ય મેળાવડા યોજાયાં હતાં. ગ્રોવનર સ્ક્વેર નજીક કિલ્લિક એન્ડ કંપનીના મ્યુઝિક રુમમાં યુકે અને ગુજરાત વચ્ચે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસની સાથે ‘ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત’ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોદીએ બ્રિટિશ સાંસદો અને ઉમરાવો સહિત ૯૦ મહાનુભાવોના ઓડિયન્સ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે‘ગુજરાત અને વિકાસ સમાનાર્થી છે. ગુજરાત ઈતિહાસ સર્જી રહ્યું છે. સામાન્ય રીતે આપણે જ્યારે આવી ઘટનાઓ ઊજવીએ છીએ ત્યારે લોકોનું સન્માન કરીએ છીએ, સારી વાતો કરીએ છીએ. પરંતુ આ ગોલ્ડન જ્યુબિલીની ઊજવણીમાં અમે મહાત્મા મંદિરના નિર્માણનો નિર્ણય લીધો છે. આ સ્મારકના નિર્માણ માટે અમે ગુજરાતના ૧૮,૦૦૦ ગામડાંની માટી એકત્ર કરી છે. અમે વિદેશ અને ખાસ કરીને યુકેમાંથી પણ માટી એકત્ર કરી છે. અમારું ધ્યેય સામાન્ય માનવીની સેવાનું છે. હું સીબીનો વિશેષ આભાર માનું છું, જેઓ હંમેશાં લોકોની સેવા કરવાના નવતર કાર્યક્રમો વિચારે છે.’