નર્સરી પાછળ વધી રહેલા ખર્ચથી નોકરીઓ છોડી રહેલા યુવા પેરન્ટ્સ

Wednesday 05th October 2022 06:47 EDT
 
 

લંડનઃ બાળકોની નર્સરી પાછળ કરાતા ખર્ચ આસમાને પહોંચી રહ્યા હોઈ બાળકોને સાચવવા ચારમાંથી એક કરતાં વધુ યુવાન પેરન્ટ્સ નોકરીઓ છોડી રહ્યા છે અથવા કામના કલાકો ઘટાડી રહ્યા છે. લંડનમાં નર્સરી પાછળ સરેરાશ વાર્ષિક ખર્ચ 18,000 પાઉન્ડ અને અન્યત્ર 12,000 પાઉન્ડ જેટલો આવે છે. જીવનનિર્વાહની કટોકટી ઘણા ગ્રાહકો અને ખાસ કરીને પેરન્ટ્સની નાણાકીય હાલત બગાડી રહી છે.

એમ્પ્લોયમેન્ટ, એનર્જી અને અન્ય ખર્ચામાં ખર્ચનો ભારે વધારો સહન કરી રહેલી નર્સરીઓ અને બાળકોની સંભાળ લેનારાઓ માસિક 110 પાઉન્ડ જેટલી વધારતા રહ્યા છે. આના પ્રતિસાદમાં 21 ટકા પેરન્ટ્સે તેમના કામના દિવસો ટુંકા કર્યા છે અથવા તો કલાકો ઓછાં કર્યા છે અને 7 ટકાએ નોકરી છોડી હોવાનું ક્રેડિટ રેફરન્સ સર્વિસ Credit Karm દ્વારા 2000 લોકોના કરાવાયેલા સર્વેમાં જાણવાં મળ્યું છે. ઘણા પેરન્ટ્સે વધતાં ખર્ચને પહોંચી વળવા નવી વર્કિંગ પ્રેક્ટિસીસ અપનાવવી પડી છે જેમાં 13 ટકાએ આયા કે નેનીનું શેરિંગ કર્યું છે તો 21 ટકાએ મિત્રો અને પરિવાર પર આધાર વધારી દીધો છે. બીજી તરફ, બાળકોને સાચવવા 15 ટકાએ તેમના કામના દિવસના થોડા કલાક અથવા સંપૂર્ણ સમય ફાળવ્યો છે.

બાળસંભાળના ખર્ચને નીચે લાવવા અને જીવનનિર્વાહની કટોકટીનો હલ લાવવા સરકાર નર્સરીઓમાં સ્ટાફ અને બાળકોનો રેશિયો હળવો કરવા વિચારતી હોવાના અહેવાલો છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન લિઝ ટ્રસ 2013માં ડેવિડ કેમરન સરકારમાં ચાઈલ્ડ કેર મિનિસ્ટર હતાં ત્યારે તેમણે આ પોલિસીની દરખાસ્ત મૂકી હતી પરંતુ, તત્કાલીન ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર નિક ક્લેગે તેને ફગાવી દીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter