લંડનઃ ટ્રાયલ દરમિયાન હોટેલની રૂમમાં એક રાત વીતાવવા માટે જુનિયર બેરિસ્ટરને આમંત્રણ આપનાર કિંગ્સ કાઉન્સેલ અને અગ્રણી ડાયવર્સિટી કેમ્પેનર નવજોત જો સિદ્ધુની સનદ છીનવી લેવામાં આવી છે. સિદ્ધુને બે વાર ડિરેક્ટર ઓફ પબ્લિક પ્રોસિક્યુશનની પદવી માટે શોર્ટ લિસ્ટ કરાયા હતા. ગયા વર્ષે વ્યાવસાયિક અશિસ્ત માટેના 3 આરોપ અંતર્ગત સિદ્ધુને દોષી ઠેરવાયા હતા.
ડિસિપ્લિનરી ટ્રિબ્યુનલે તેના ચુકાદામાં જણાવ્યું છે કે સિદ્ધુની આ વ્યવસાયમાંથી હકાલપટ્ટી કરવી જોઇએ. તેમના કૃત્ય માટે તેમની સનદ છીનવી લેવી એ જ યોગ્ય કાર્યવાહી છે. સિદ્ધુના મામલામા ડિસેમ્બર 2024માં 7 દિવસ સુનાવણી ચાલી હતી.
ટ્રિબ્યુનલે સર્વાનુમતે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે, સિદ્ધુએ તેમની જુનિયરને હોટેલના રૂમમાં આવવાનું આમંત્રણ આપવું જોઇતું નહોતું. તેમણે કરેલી માગ સંપુર્ણપણે સેક્સ્યુઅલ પ્રકારની હતી.
સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, સિદ્ધુએ જુનિયર બેરિસ્ટર સાથે સંપર્ક સાધવાનું શરૂ કર્યું હતું અને તેને અસભ્ય મેસેજ પણ કર્યા હતા. સિદ્ધુએ તેમના હાથ નીચે કામ કરી રહેલી જુનિયરને હોટેલના રૂમમાં કામ માટે આવવા અને રાત્રિરોકાણનું આમંત્રણ આપ્યું હતું.