નવતેજ સરના યુકેમાં નવા ભારતીય હાઈ કમિશનર

Saturday 16th January 2016 06:35 EST
 
 

લંડનઃ યુકેમાં નવા ભારતીય હાઈ કમિશનર તરીકે પીઢ રાજદ્વારી અને ૧૯૮૦ની બેચના ઈન્ડિયન ફોરેન સર્વિસ અધિકારી નવતેજ સરનાએ ચાર્જ સંભાળી લીધો છે. તેઓ યુકેમાં ૨૫મા ભારતીય હાઈ કમિશનર છે અને ટુંક સમયમાં બકિંગહામ પેલેસમાં ક્વીન એલિઝાબેથ દ્વિતીય સમક્ષ પોતાના ઓળખપત્ર રજૂ કરશે. તેમણે હાઈ કમિશનના પ્રસિદ્ધ ગાંધી હોલમાં મિશનના સાથીઓને સંબોધન કર્યું હતું. હાઈ કમિશનર નવતેજ સરનાનો પ્રથમ જાહેર જાહેર કાર્યક્રમ ૨૯ જાન્યુઆરીએ ભારતીય હાઈ કમિશનના પ્રજાસત્તાક દિનની ઉજવણીનો રહેશે. આ કાર્યક્રમ લંડનના પાર્ક લેનસ્થિત ગ્રોવનર હોટેલ ખાતે યોજાનાર છે.

યુકેમાં નવા ભારતીય હાઈ કમિશનર તરીકે નિયુક્તિ પહેલા નવતેજ સરના ભારતના વિદેશ મંત્રાલયમાં જાહેર પ્રચાર માટેના જોઈન્ટ સેક્રેટરી હતા અને મંત્રાલયમાં સૌથી લાંબી સેવા આપનારા પ્રવક્તા તરીકેની વિશિષ્ઠતા ધરાવે છે. તેમણે સપ્ટેમ્બરમાં સમાપ્ત થયેલી મુદત સુધીમાં બે વડા પ્રધાન, ત્રણ વિદેશ પ્રધાન અને ચાર વિદેશ સચિવ હેઠળ કામગીરી સંભાળી છે. તેમણે ઈઝરાયેલમાં ભારતીય એમ્બેસેડર તરીકે સેવા આપવા ઉપરાંત, મોસ્કો, વોર્સો, થિમ્પુ, જીનીવા, તહેરાન અને વોશિંગ્ટન ડીસીમાં રાજદ્વારી તરીકે પણ કામગીરી બજાવી છે.

પંજાબના જલંધરમાં જન્મેલા હાઈ કમિશનર સરના સારા લેખક -સાહિત્યકાર પણ છે. તેમણે લખેલા નવ પુસ્તકોમાં ‘ સેકન્ડ થોટ, વી વેરન્ટ લવર્સ લાઈક ધેટ, ધ બુક ઓફ નાનક, ધ એક્સાઈલ’નો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter