નવદંપતી એક સપ્તાહમાં મેરેજ રજિસ્ટર ન કરાવે તો £૧૦૦૦નો ભારે દંડ

Wednesday 14th August 2019 02:44 EDT
 
 

લંડનઃ યુકેમાં લગ્ન રજિસ્ટ્રેશન સિસ્ટમમાં ફેરફારોને કારણે નવપરીણિત દંપતીઓએ ૧૦૦૦ પાઉન્ડના જંગી દંડનો સામનો કરવો પડે તેવી ચિંતા આર્ચબિશપ ઓફ કેન્ટરબરીની મેરેજ લાયન્સિંગ ઓફિસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અત્યારે પાદરી દ્વારા લગ્ન સમયે જ મેરેજ રજિસ્ટર કરી દેવાય છે તેના બદલે આ વર્ષના અંત સુધીમાં નવી યોજના અમલમાં આવશે. ફેકલ્ટી ઓફિસે જણાવ્યા અનુસાર આ યોજનામાં નવપરીણિત દંપતીએ ‘મેરેજ શિડ્યુલ’ પર સહી કરવાની આવશે. આ પછી તેમણે આ હંગામી સર્ટિફિકેટ જેવો દસ્તાવેજ સ્થાનિક રજિસ્ટર ઓફિસમાં તેના ડેટાબેઝમાં નોંધાવવા લઈ જવાનો રહેશે. નવી રજિસ્ટ્રેશન સિસ્ટમમાં માતાના નામ અને વ્યવસાયની પણ નોંધ કરવામાં આવશે.

જોકે, મોટા ભાગના દંપતીઓ લગ્ન પછી હનીમૂન માટે જતાં હોવાથી તેઓ પોતાના બદલે અન્ય કોઈને રજિસ્ટ્રેશન માટે મોકલી શકશે પરંતુ, જેઓ નિયત સમયમાં આમ ન કરે તો તેમણે જાતે જવાનું રહેશે. જે દંપતીઓ પોતાનું લગ્ન સત્તાવારપણે રજિસ્ટર નહિ કરાવે તેઓ ક્રિમિનલ અપરાધના દોષી ગણાશે અને ૧૦૦૦ પાઉન્ડના જંગી દંડનો સામનો કરી શકે છે.

સરકારની જનરલ રજિસ્ટર ઓફિસે સમયમર્યાદા બાબતે સમર્થન આપ્યું નથી પરંતુ, ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના જણાવ્યા અનુસાર દંપતીઓને તેમના લગ્ન નોંધાવવા માટે માત્ર એક સપ્તાહનો સમય મળશે. આર્ચબિશપ ઓફ કેન્ટરબરી વતી સ્પેશિયલ મેરેજ લાયસન્સ જારી કરતી ફેકલ્ટી ઓફિસે જણાવ્યું હતું કે ચર્ચ પાસે તેના ૨૦,૦૦૦થી વધુ પાદરીને તાલીમ આપવા થોડા મહિનાનો સમય રહ્યો છે.

હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,‘આ કાયદાનો અર્થ એ છે કે માતાઓને પોતાના સંતાનના લગ્ન સર્ટિફિકેટમાં સમાન પ્રતિનિધિત્વ મળી શકે. મેરેજ રજિસ્ટ્રેશન આધુનિક બનશે અને કાગળ આધારિત પુરાણી સિસ્ટમના બદલે નવી પદ્ધતિથી ૩૦ મિલિયન પાઉન્ડ કરતા વધુ રકમની બચત થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter