યુકેમાં ઓટમ ઋતુ જામી રહી છે ત્યારે નવરાત્રિ અને દુર્ગા પૂજા ઉત્સવો નજીક આવતા જાય છે. ઉત્સવપ્રેમી સાઉથ એશિયન કોમ્યુનિટીમાં ઉત્સવનો મિજાજ રંગ લાવી રહ્યો છે. વિવિધ પશ્ચાદભૂના લોકો આસ્થા, સંસ્કૃતિ અને સમુદાયની ભાવનાને ઉજવવા એકત્ર થાય છે ત્યારે ઉત્સવના આયોજકો સમાવેશિતા અને સલામતીના પાસાઓ પર વિશેષ ભાર મૂકી રહ્યા છે. સમગ્ર યુકેમાં દીવાળી પછી ધામધૂમથી ઉજવાતા સૌથી મોટા તહેવારોમાં નવરાત્રિ અને દુર્ગા પૂજાના તહેવાર મુખ્ય છે, જેમાં આસ્થા, સંગીત, નૃત્ય અને સહભાગી પરંપરાઓ થકી કોમ્યુનિટીઓ એક સાથે જોડાય છે.
શારદીય નવરાત્રિનો આરંભ 11 ઓક્ટોબરથી થાય છે, જે આધ્યાત્મિક સમર્પણ અને ઉત્સવની નવ રાત્રિઓનું પ્રતીક છે જ્યારે 17 ઓક્ટોબરથી મહાસપ્તમીની સાથે દુર્ગા પૂજાનો આરંભ થશે. ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ વૈવિધ્યતાને પ્રતિબિંબિત કરતી ઉજવણીઓ અનેક પ્રકારે કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં પરિવારો અને કોમ્યુનિટીઓ ઢીંગલીઓ અને નાની મૂર્તિઓના પરંપરાગત પ્રદર્શન બોમ્માઈ ગોલુ સાથે નવરાત્રિની ઉજવણી કરે છે, જ્યારે યુકેમાં વિવિધ સમુદાયો તેમની આગવી પરંપરાઓ અને રીતરિવાજો સાથે ઉજવણી કરે છે. હજારો લોકો ઉજવણીમાં સામેલ થશે તેવી અપેક્ષાસહ બ્રેન્ટ અને લેસ્ટરના કોમ્યુનિટી સેન્ટર્સથી માંડી માન્ચેસ્ટર અને બર્મિંગહામના સ્થળો અને ખુલ્લા મેદાનોમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ભારતીય સમુદાયો વિરાસતને ઉજવશે તેવા ગરબા અને દાંડિયા નાઈટ્સ, ભક્તિમય કાર્યક્રમો અને દુર્ગા પૂજાના મેળાવડાઓમાં વિવિધ બેકગ્રાઉન્ડના લોકો પણ આ ઉત્સાહપૂર્ણ ઉજવણીઓમાં સામેલ થશે.
નવરાત્રિ અને દુર્ગા પૂજા ઉજવણી, આસ્થા અને સમુદાયનો સમય છે ત્યારે આ વર્ષની ઉજવણીની તૈયારીઓમાં સલામતી મહત્ત્વનો હિસ્સો બન્યો છે. ઈમિગ્રન્ટ્સ અને લઘુમતી સમુદાયો પ્રત્યે દુશ્મનાવટની વ્યાપક ચિંતાઓ વચ્ચે ઉજવણીઓ થઈ રહી છે. 2024ની સાઉથપોર્ટ હત્યાઓએ સ્પષ્ટ કર્યું છે કે અફવાઓ અને ગેરમાહિતી કેટલી ઝડપથી તણાવની આગ વધારી શકે છે. બીજી તરફ, માર્ચ 2025ના વર્ષાંતે ઈંગ્લેન્ડ અને વેલ્સના સત્તાવાર આંકડા અનુસાર જાતિ અને ધાર્મિક તિરસ્કારના અપરાધોમાં નોંધપાત્ર વધારો થયો છે. સાઉથ એશિયન મહિલાઓને સૌથી વધુ અસર પહોંચી છે તેવી જાતિપ્રેરિત હિંસા, હેરાનગતિ અને જાતિય હુમલાઓ સંદર્ભે પણ ચિંતા વ્યક્ત કરાઈ છે.
મોટા પાયા પર જનમેદની એકત્ર થાય તેવું આયોજન કરનારા આયોજકો માટે મહિલાઓ, પરિવારો અને ઉપસ્થિત તમામ લોકો સલામતી અનુભવે તેવી વ્યવસ્થા ગોઠવવાનું મહત્ત્વ વધી ગયું છે. યુકેમાં નવરાત્રિ અને દુર્ગા પૂજાના આયોજકો CCTV મોનિટરિંગ,પ્રોફેશનલ સિક્યુરિટી ટીમો, નિયંત્રિત પ્રવેશ સહિત સલામતી-સુરક્ષાના વધારાના પગલાં ઉમેરી રહ્યા છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા ઉજવણીઓ સલામત-સુરક્ષિત રહે, સહુને આવકાર આપનારી અને સમાવેશી બની રહે તેની ચોકસાઈ માટે કેવા પગલાં લેવાઈ રહ્યા છે તેના વિશે કેટલાક આયોજકો સાથે વાતચીત કરવામાં આવી હતી.
MK Eventsના સહસ્થાપક ઉમંગ અને હીના પારેખે જણાવ્યું હતું કે, ‘નવરાત્રિ મુખ્યત્વે પારિવારિક અને તમામ વયના લોકો માટે ઉજવણી હોવાથી સલામતી અમારા માટે સૌથી મોટી પ્રાથમિકતાઓમાંની એક રહેશે. આ વર્ષે સિક્યુરિટી અને પ્રોફેશનલ સિક્યુરિટી ટીમની સાથોસાથ સ્થળની અંદર લોકોના સમગ્રતયા સ્વાસ્થ્યની દેખરેખ રાખવા અલગ હેલ્થ અને સલામતી ટીમની વ્યવસ્થા પણ ગોઠવી છે. ક્રાઉડ મેનેજમેન્ટ માટે પ્રવેશ અને એક્ઝિટના સ્થળોએ ખાસ નજર રાખવામાં આવશે. નવરાત્રિ ઉજવણીમાં દરેકને આવકાર મળશે. અમે ગુજરાતી વિરાસતનો ગર્વ ધરાવીએ છીએ અને ગરબાની મૌલિકતા જાળવી રાખવા ઉત્સાહી છીએ. ચાચર ચોકમાં અગાઉ ન આવ્યા હોય અને નવરાત્રિનો અનુભવ કર્યો ન હોય તેમજ બાળપણથી ગરબા રમતા આવ્યા હોય, તે બંનેને એકસરખો આવકાર મળશે.’ ગરબાની ઉજવણીમાં બિન સાઉથ એશિયન લોકોની સંખ્યા વધતી રહેવા વિશે તેમણે જણાવ્યું હતું કે,‘સાઉથ એશિયન કોમ્યુનિટી બહારના લોકો ગરબા વિશે કુતુહલ ધરાવી રહ્યા છે અને માત્ર જોવાં કરતાં રમવાની પણ ઈચ્છા રાખે છે. MK Events માટે વૈવિધ્યતાનો અર્થ નવરાત્રિના હાર્દને બદલવાનો નથી.
બિલેટે બંગાલીના સ્થાપક, બિઝનેસમેન અને હાર્વર્ડના પૂર્વ વિદ્યાર્થી કિંગસુક બોઝે જણાવ્યું હતું કે, ‘ બિલેટે બંગાલી 6 વર્ષથી લંડનમાં દુર્ગા પૂજા ઉજવે છે અને અમારા માટે તે ધાર્મિક તહેવારથી વિશેષ છે. આ કોમ્યુનિટી, સંસ્કૃતિ અને સાથે રહેવાની ઉજવણી છે જે કોઈ પશ્ચાદભૂને ધ્યાનમાં રાખ્યા વિના તમામ માટે ખુલ્લી છે. અમારા માટે સુરક્ષા અને સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા બની રહેશે.
પ્રેયશ યુકેના ઓર્ગેનાઈઝિંગ કમિટીના મેમ્બર ભાસ્કર ભટ્ટાચાર્યે જણાવ્યું હતું કે,‘ પ્રેયશ યુકે તેના આરંભથી જ સરેમાં દુર્ગા પૂજાની ઉજવણી કરે છે. આ વર્ષે અમે ચેર્ટ્સી હોલ ખાતે ઉજવણી કરીશું. હિન્દુ તહેવારને ઉજવતી ચેરિટી તરીકે અમે અમારા પાડોશીઓ તરફની જવાબદારીઓને ગંભીરતા સાથે લઈએ છીએ. અમે કાયદા અને સ્થાનિક સંસ્કૃતિને માન આપીએ છીએ અને આસપાસની કોમ્યુનિટીને ખલેલ ન પહોંચે તે રીતે અમારી પ્રવૃત્તિઓનું આયોજન કરીએ છીએ.’
ICS કેમ્બ્રિજ પૂજા કમિટીના સભ્ય સંજય રોયે જણાવ્યું હતું કે,‘ ICS કેમ્બ્રિજમાં દરેક મહેમાનની સુરક્ષા અને સુવિધા અમારી ઉજવણીનો પાયો છે. અમે 25મા વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે દુર્ગા પૂજા ઘણા વર્ષોથી અમારા માટે સ્થળ બની રહેલી ધ નેથેરહોલ સ્કૂલ ખાતે જ યોજાશે. આ સ્કૂલ હોવાથી બહુસ્તરીય સુરક્ષા, સઘન CCTV કવરેજ અને સારા લાઈટિંગની વ્યવસ્થા સાથે સવારથી મોડી સાંજ સુધી તે અમને મળી રહેશે.


