નવા ઇન્ડિયા ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ (APPG)નો પ્રારંભ

લોર્ડ કરણ બિલિમોરિયા અને જીવુન સંધેર ગ્રુપના સહાધ્યક્ષ, બેરોનેસ સેન્ડી વર્મા પ્રમુખ, નવા ગ્રુપમાં ગુરિન્દર જોસન, વરિન્દર જસ, કિરીથ એન્ટવિસલ, સોજન જોસેફ અને કનિષ્ક નારાયણ, શિવાની રાજા, બોબ બ્લેકમેન, લોર્ડ નવનીત ધોળકિયા અને લોર્ડ ડોલર પોપટ સામેલ

Tuesday 06th August 2024 11:09 EDT
 
 

લંડનઃ વેપાર અને મૂડી રોકાણ,  વિજ્ઞાન અને ટેક્નોલોજીથી લઈને આરોગ્ય અને શિક્ષણ સુધીના તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે નવી ચૂંટાયેલી યુકે સંસદ માટે ન્યૂ ઈન્ડિયા ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ (APPG)નો પ્રારંભ કરાયો છે. સંસદ પરિસરમાં કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન રૂમમાં ચાલી રહેલા દક્ષિણ એશિયન હેરિટેજ મહિનાની ઉજવણી માટેની ભારતીય સમર ઇવેન્ટ દરમિયાન નવા ગ્રુપની જાહેરાત કરાઇ હતી. સંસદના ઘણા નવા ચૂંટાયેલા બ્રિટિશ ભારતીય સભ્યોએ આ પહેલને સમર્થન આપ્યું હતું.

નવા સર્વપક્ષીય પાર્લામેન્ટરી ગ્રુપની અધ્યક્ષતા લોર્ડ કરણ બિલિમોરિયા અને નવા બ્રિટિશ શીખ લેબર સાંસદ જીવુન સંધેર દ્વારા કરાશે. લોર્ડ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે, અમે ભારત અને યુકે વચ્ચેની ભાગીદારીના પ્રખર હિમાયતી છીએ. અમે નવા ઇન્ડિયા ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપનો પ્રારંભ કર્યો છે. તેના સહઅધ્યક્ષ તરીકેની મારી પસંદગીનું મને ગૌરવ છે. ભારત APPG વેપાર અને રોકાણ, શિક્ષણ, ટકાઉ વિકાસ, સંસ્કૃતિ, આરોગ્ય, વિજ્ઞાન અને નવીનતા, ટેક્નોલોજી અને AI સહિત, અને સંરક્ષણ અને સુરક્ષા સહિતના સેક્ટરોમાં યુકે અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાને પ્રોત્સાહન આપે છે.

લોર્ડ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે આ નવું ગ્રુપ રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે બંને દેશોની સંસદો અને સરકારો વચ્ચેના સંબંધોને વધારવામાં મદદ કરશે.  યુકે અને ભારત વચ્ચેના લિવિંગ બ્રિજ બનવાની સાથે બંને દેશની જનતા વચ્ચેના સંબંધોને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે.

બેરોનેસ સેન્ડી વર્મા ગ્રુપના પ્રમુખ હશે. ગ્રુપમાં સામેલ અન્ય  સાંસદોમાં ગુરિન્દર જોસન, વરિન્દર જસ, કિરીથ એન્ટવિસલ, સોજન જોસેફ અને કનિષ્ક નારાયણ, શિવાની રાજા અને બોબ બ્લેકમેન અને સંખ્યાબંધ પીઢ સાથીઓનો સમાવેશ થશે. જેમાં લોર્ડ નવનીત ધોળકિયા અને લોર્ડ ડોલર પોપટનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter