લંડનઃ યુકેમાં નેટ માઇગ્રેશન ઘટાડવા મંગળવારથી અમલી બનેલા નવા ઇમિગ્રેશન નિયમોથી ભારતીયોને ઘણી અસર થશે કારણ કે સ્ટુડન્ટ અને સ્કીલ્ડ વર્કર વિઝા મેળવનારામાં ભારતીયોની હિસ્સેદારી ઘણી મોટી છે. યુકેમાં કાયમી વસવાટ માટેની સમયમર્યાદામાં વધારો, અંગ્રેજી ભાષાની ફરજિયાત જાણકારીની જોગવાઇ સહિત અમલી બની રહેલા નિયમો બ્રિટનમાં સ્થાયી થવા, ભણવા અને વ્યવસાય કરવા ઇચ્છતા ભારતીયોની મુશ્કેલીઓમાં વધારો કરશે. વર્ષ 2023માં 2,50,000 ભારતીયો સ્ટુડન્ટ અને સ્કીલ્ડ વિઝા પર બ્રિટન પહોંચ્યા હતા. હેલ્થ અને સોશિયલ કેર વિઝામાં પણ ભારતીયોનો હિસ્સો ઘણો મોટો હતો. હવે નવા નિયમો અંતર્ગત નવા વિદેશી કેર વર્કર્સ માટે બ્રિટન આવવાના દરવાજા બંધ કરી દેવાયાં છે. અભ્યાસ પૂરો થયા બાદ અપાતો ગ્રેજ્યુએટ વિઝા પણ બે વર્ષથી ઘટાડીને 18 માસ કરી દેવાયો છે. નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમ્ની યુનિયન યુકેએ આની ભારતીય વિદ્યાર્થીઓ પર પડનારી અસરો અંગે ચિંતા વ્યક્ત કરી છે કારણ કે આ વિઝા રૂટનો સૌથી વધુ લાભ ભારતીયો લેતાં હોય છે.
બીજીતરફ ચાન્સેલર રીવ્ઝ દ્વારા વેલ્થ ટેક્સ લાદવામાં આવે તેવી ભીતિથી ઘણા અમીરો બ્રિટન છોડીને અન્ય દેશોમાં સ્થળાંતર કરી રહ્યાં છે ત્યારે એક સરવે પ્રમાણે યુકેમાં અમીર વિદેશી નાગરિકોને આકર્ષવા માટે જનતા નવા ટેક્સ માળખાનું સમર્થન કરી રહી છે. જનતા ઇચ્છે છે કે આ વિદેશી નાગરિકો પ્રાઇવેટ હેલ્થ કેર અને પ્રાઇવેટ સ્કૂલોનો ઉપયોગ કરે તો જ તેમને યુકેમાં આવવાની પરવાનગી આપવી જોઇએ.
સરવે અનુસાર 67 ટકા લોકો અમીર રોકાણકારો ટે સ્પેશિયલ ટેક્સ વ્યવસ્થાની તરફેણ કરે છે. 74 ટકાનું માનવું છે કે ઇમિગ્રેશનનું પ્રમાણ ઘણું ઊંચું છે. બહુમતી બ્રિટિશ જનતા માને છે કે જો વિદેશી મૂડીરોકાણકારો યુકેના અર્થતંત્ર અને પબ્લિક ફાઇનાન્સમાં યોગદાન આપે તો જ તેમને બ્રિટનમાં આવવાની પરવાનગી આપવી જોઇએ. તેમનું એવું માનવું છે કે જે વિદેશી રોકાણકારો એનએચએસ અને સ્ટેટ એજ્યુકેશન સિસ્ટમનો ઉપયોગ કરે તેમના પર પ્રતિબંધ મૂકી દેવો જોઇએ.