લંડનઃ ડેવિડ કેમરને ડિસોલ્યુશન ઓનર્સ લિસ્ટમાં કન્ઝર્વેટિવ રુબી મેકગ્રેગોર સ્મિથ અને લિબરલ ડેમોક્રેટ શાસ શીહાન સહિત છ એશિયનોના નામ જાહેર કર્યા છે. જાહેર કરાયેલા ૪૫ ઉમરાવમાં કન્ઝર્વેટિવ પાર્ટીના ૨૬ સભ્યનો સમાવેશ થયો છે. પૂર્વ કેબિનેટ પ્રધાન ડો. વિન્સ કેબલને નાઈટહૂડ અને વિલિયમ હેગને ઉમરાવપદની નવાજેશ કરાઈ છે. યુકેમાં એશિયનોની નોંધપાત્ર વસ્તીને ધ્યાનમાં લઈ કરાયેલી જાહેરાતને ડાયસ્પોરાએ વધાવી લીધી હતી.
કન્ઝર્વેટિવ પાર્ટીના ૨૬ ઉમરાવોમાં રુબી મેકગ્રેગોર સ્મિથ એક માત્ર એશિયન મહિલા છે, જેઓ FTSE 250 યાદીની કંપનીમાં સીઈઓ છે. તેઓ ૨૦૦૨માં ગ્રૂપ ફાઈનાન્સિયલ ડિરેક્ટર તરીકે મિટીમાં જોડાયાં હતાં અને ૨૦૦૭માં સીઈઓ નિયુક્ત થયાં હતા. ૨૦૧૨માં CBEથી સન્માનિત શ્રીમતી સ્મિથને ૨૦૧૧માં એશિયન એચિવર્સ એવોર્ડ્સમાં વુમન ઓફ ધ યર એવોર્ડનું સન્માન અપાયું હતું. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા આયોજિત એશિયન એચિવર્સ એવોર્ડ્સનો ૧૫મા વર્ષમાં પ્રવેશ થયો છે અને ૧૮ સપ્ટેમ્બરે પ્રતિષ્ઠિત ગ્રોવનર હાઉસ હોટેલમાં તેનું આયોજન કરાયું છે.
૨૦૧૫ની ચૂંટણીમાં વિમ્બલ્ડનના લિબરલ ડેમોક્રેટ ઉમેદવાર રહેલાં શાસ શીહાનનો જન્મ પાકિસ્તાનના લાહોરમાં થયો હતો. ક્યૂના પૂર્વ કાઉન્સીલર શીહાન અનેક કોમ્યુનિટી ગ્રૂપ્સ સાથે સંકળાયેલાં છે.
ચાન્સેલર ઓફ એક્સચેકરના વિશેષ સલાહકાર રમેશ છાબરાને જાહેર સેવા માટે, જ્યારે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેના રણનીતિ નિયામક અમીતપાલ ગિલને ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (OBE) એનાયત કરવામાં આવશે
૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ડાયરેક્ટ કોમ્યુનિકેશન યુનિટના નાયબ વડા લાલિની ફૂલચંદને જાહેર સેવા બદલ અને શેફિલ્ડના લિબરલ ડેમોક્રેટ કાઉન્સિલર શફાક મોહમ્મદ તેમ જ શેફિલ્ડ સિટી કાઉન્સિલના કાઉન્સિલર અને સાંસદ નિક ક્લેગના પૂર્વ ઈલેક્શન એજન્ટ એન્ડ્રયુ સંગારને રાજકીય સેવાઓ બદલ MBE થી સન્માનિત કરવામા આવ્યા છે.