નવા ઓનલાઈન કોડનો ભંગ કરતી વેબસાઈટ્સ બ્લોક કરાશે

Wednesday 17th April 2019 03:26 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં ઈન્ટરનેટ કાયદાઓમાં ધરમૂળ પરિવર્તન આવી રહ્યું છે અને નવા ઓનલાઈન કોડનો ભંગ કરનારી વેબસાઈટ્સ બ્લોક થઈ શકે છે. આવી વેબસાઈટ્સને ૨૦ મિલિયન પાઉન્ડ સુધીનો દંડ પણ કરી શકાશે. ફેસબૂક, ગૂગલ અને ટ્વિટર જેવા ટેક જાયન્ટ્સ તેમના પ્લેટફોર્મ્સ પરથી નુકસાનકારી સામગ્રી સાફ કરે તેનું દબાણ સર્જવા આ દરખાસ્તો તૈયાર કરાઈ છે. ઓનલાઈન સલામતી અભિયાન ચલાવનારા આને વિજય ગણાવી રહ્યા છે. જોકે, એવો ભય વ્યક્ત કરાય છે કે બાળશોષણની ઈમેજીસ, ટેરરિઝમ, રીવેન્ડ પોર્નોગ્રાફી અને હેટ ક્રાઈમના ફેલાવાને ડામવાના પ્રયાસો સરમુખત્યાર સેન્સરશિપ તરફ દોરી જઈ શકે છે.

ઓનલાઈન નુકસાન વિશે સરકાર દ્વારા પ્રસિદ્ધ વ્હાઈટ પેપરમાં આ દરખાસ્ત સહિત સંખ્યાબંધ સુધારા રજૂ કરાયા છે. નવા નિયમો હેઠળ જે વેબસાઈટ પોતાના યુઝર્સને કન્ટેન્ટ પોસ્ટ કરવાની છૂટ આપે છે તેની તમામ વપરાશકર્તાઓ પ્રત્યે કાળજી લેવાની કાનૂની ફરજ બનશે. જો કાયદાનો ભંગ થશે તો કંપનીઓને ઈન્ટરનેટ સર્ચ રિઝલ્ટ્સ અને એપ સ્ટોર્સમાંથી દૂર કરી દેવાશે. વધુ ગંભીર કેસીસમાં તેમને ઈન્ટરનેટ પરથી પ્રતિબંધિત કરાશે.

આ નિયમો ત્રાસવાદી અને બાળ યૌનશોષણ સહિત વાંધાજનક સામગ્રી મૂકવા બદલ વારંવાર ટીકાઓનો ભોગ બનેલી ગૂગલ અને ફેસબૂક જેવી મોટી કંપનીઓ ઉપરાંત, વપરાશકર્તાને બ્લોગ્સ સહિત કોમેન્ટ્સ પોસ્ટ કરવા દેતી નાની વેબસાઈટ્સ, ઓનલાઈન ન્યૂઝ અને રીવ્યૂ સાઈટ્સને પણ લાગુ કરાશે.

ગંભીરપણે નિયમભંગ કરનારી વેબસાઈટ્સને ૨૦ મિલિયન પાઉન્ડ અથવા વાર્ષિક ટર્નઓવરના ૪ ટકા સુધીનો દંડ, કંપનીમા સીનિયર મેનેજર્સને અંગત દંડ, સૌથી ખરાબ કિસ્સામાં રેગ્યુલેટર સંબંધિત વેબસાઈટ યુકેમાં જોઈ ન શકાય તે રીતે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ દ્વારા બ્લોક કરાવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter