નવા કોમ્યુનિટી ક્લિનિક એનએચએસનું વેઇટિંગ લિસ્ટ ઘટાડશેઃ રિશી સુનાક

વર્ષાંત સુધીમાં નવા 30 ક્લિનિક શરૂ કરવાનો લક્ષ્યાંક, હાલ 100થી વધુ કાર્યરત

Tuesday 16th May 2023 11:47 EDT
 
 

લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે આશા વ્યક્ત કરી છે કે નવા કોમ્યુનિટી ડાયગ્નોસ્ટિક સેન્ટર એનએચએસ અને જીપીના વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો કરવામાં સરકારના લક્ષ્યાંકમાં મદદ કરશે. એનએચએસમાં વેઇટિંગ લિસ્ટ ઘટાડવા માટેના પોતાના પ્રયાસોમાં કોમ્યુનિટી ક્લિનિકને વડાપ્રધાને મહત્વનું ઓજાર ગણાવ્યાં છે. તાજેતરમાં જ પૂર્વ ઇંગ્લેન્ડ, મિડલેન્ડ્સ અને સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં 6 નવા કોમ્યુનિટી સેન્ટરનો પ્રારંભ કરાયો છે. હાલ ઇંગ્લેન્ડમાં 100 કરતાં વધુ કોમ્યુનિટી ક્લિનિક કાર્યરત છે અને આ વર્ષના અંત સુધીમાં નવા 30 ક્લિનિક શરૂ કરવાનો સરકારનો લક્ષ્યાંક છે.સરકારને આશા છે કે એક જ સ્થળે ટેસ્ટ, ચેક-અપ અને સ્કેનિંગ થવાથી એનએચએસ પરનો બોજો હળવો કરી શકાશે.

વડપ્રધાન સુનાકે જણાવ્યું હતું કે, એનએચએસના વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો થશે અને લોકોને ઝડપથી સારવાર મળી રહેશે. પરંતુ આંકડા હજુ ચોંકાવનારા છે. માર્ચના અંત સુધીમાં એનએચએસના વેઇટિંગ લિસ્ટમાં 73 લાખ લોકો સારવાર શરૂ થવાની રાહ જોઇ રહ્યાં હતાં. સુનાકે જણાવ્યું હતું કે, ઘરની નજીક જ ચેક-અપ, ટેસ્ટ અને સ્કેનિંગ થવાના કારણે રોગોનું નિદાન ઝડપી બનતાં દર્દીની ઝડપથી સારવાર શરૂ થઇ શકશે. આ કોમ્યુનિટી ક્લિનિકો આરોગ્ય સેવાઓમાં નવી ક્રાંતિ લાવશે.

સુનાકે પરિવાર દ્વારા સંચાલિત ફાર્મસીની મુલાકાત લીધી

વડાપ્રધાન રિશી સુનાકે ગયા સપ્તાહમાં તેમના માતા દ્વારા સંચાલિત સાઉધમ્પ્ટન ખાતેની ફાર્મસીની મુલાકાત લઇ તેની કેટલીક તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે હું એનએચએસ અંગે વાત કરું છું ત્યારે હું મારા પરિવાર અંગે વાત કરું છું. મારા પિતા ડોક્ટર હતા અને હું આ ફાર્મસીમાં કામ કરતાં જ મોટો થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter