લંડનઃ યુકેમાં કોવિડના નવા કેસીસમાં ૭૫ ટકા ઈન્ડિયન વેરિએન્ટ B.1.617.2ના લીધે હોઈ શકે તેમ હેલ્થ સેક્રેટરી મેન હેનકોકનું કહેવું છે. બ્રિટનમાં આ વેરિએન્ટનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE)ના ડેટા મુજબ યુકેમાં અત્યાર સુધી ૬,૯૫૯ જણાયા છે જે અગાઉના સપ્તાહે ૩,૪૨૪ કેસ હતા.
PHEએ જણાવ્યું છે કે ભારતીય વેરિએન્ટથી અસરગ્રસ્ત હોટસ્પોટ વિસ્તારોમાં વેક્સિન નહિ લેવાયેલા લોકોનું હોસ્પિટલાઈઝેશનનું પ્રમાણ વધી રહ્યું છે. આ વિસ્તારોમાં લોકો ઝડપથી વેક્સિનેશન માટે આગળ આવે તેનો અનુરોધ પણ કરાયો છે. અગાઉ, વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ૨૧ જૂનના રોડમેપ મુજબ ઈંગ્લેન્ડમાં તમામ કોવિડ નિયંત્રણો ઉઠાવી લેવાના મુદ્દે ‘રાહ જોવાની જરુર છે’ તેમ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકારે અનલોકિંગમાં વિલંબ કરવો પડે તેમ તો વર્તમાન ડેટા સૂચવતો નથી પરંતુ, વેરિએન્ટના વધી રહેલા કેસીસની નિશાની ચિંતાજનક છે.
યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીના ચીફ એક્ઝિક્યુટિવ ડો. જેની હેરિસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં વેરિએન્ટના કેસીસમાં વધારો અંશતઃ ટેસ્ટિંગમાં વધારાના લીધે છે. કેટલાક વિસ્તારોમાં રોગચાળો નાબૂદ થયો છે અને નોર્થ વેસ્ટમાં તે માટે પ્રયાસ ચાલુ છે.
ગુરુવાર, ૨૭ મેએ યુકેમાં કુલ ૩,૫૪૨ લોકો કોવિડ માટે ટેસ્ટ પોઝિટિવ જણાયા હતા જે ૧૨ એપ્રિલ પછી સૌથી વધુ આંકડો છે. હેલ્થ સેક્રેટરીએ જણાવ્યું હતું કે વેક્સિનથી કેસીસ અને હોસ્પિટલાઈઝેશન વચ્ચેની કડી તૂટી રહી છે. જોકે, નિષ્ણાતો ચેતવણી આપે છે કે હજુ માત્ર ૪૪ ટકા વયસ્કોએ જ વેક્સિન મેળવી હોવાથી આ કડી સંપૂર્ણ તૂટી નથી અને વેક્સિન પણ હોસ્પિટલાઈઝેશન સામે ૧૦૦ ટકા રક્ષણ આપતી નથી.
સ્કોટલેન્ડના ગ્લાસગો સહિતના વિસ્તારોમાં બુધવાર, ૨૬ મેએ ઈન્ડિયન વેરિએન્ટના ૯૮ પેશન્ટ હોસ્પિટલમાં દાખલ હતા જે સંખ્યા ૬ મેએ ૫૮ પેશન્ટની હતી. બોલ્ટન NHS ફાઉન્ડેશન ટ્રસ્ટની હોસ્પિટલોમાં ૯ મેએ આ વેરિએન્ટના ૧૧ કેસ હતા જે ૨૫ મેએ વધીને ૪૧ થયા હતા.