લંડનઃ સરકારની રોડ સેફ્ટી સ્ટ્રેટેજી હેઠળ રજૂ કરાયેલા નવા કડક નિયમોને કારણે આશરે 1 મિલિયન વાહનચાલકો પર ડ્રાઇવિંગ લાઇસન્સ રદ થવાનું અથવા તેના પર પ્રતિબંધ મુકાવાનું જોખમ તોળાઈ રહ્યું છે. લેબર સરકારની નવી દરખાસ્તો મુજબ ચોક્કસ ટ્રાફિક નિયમના ભંગ બદલ લાઇસન્સ પર પેનલ્ટી પોઈન્ટ્સ ઉમેરવાની પ્રક્રિયા વધુ કડક બનાવવામાં આવશે. નવા નિયમો હેઠળ સીટબેલ્ટ ન બાંધવા બદલ ડ્રાઇવરને 3 પેનલ્ટી પોઈન્ટ્સ આપવામાં આવશે. બાળકો માટે સીટબેલ્ટની તકેદારી ન રાખવા બદલ વાહનચાલકને 6 પેનલ્ટી પોઈન્ટ્સનો સામનો કરવો પડશે.
હાલમાં લાખો વાહનચાલકોના લાઇસન્સ પર પહેલેથી જ 6 પેનલ્ટી પોઈન્ટ્સ નોંધાયેલા છે. યુકેના કાયદા મુજબ 3 વર્ષના સમયગાળામાં 12 પોઈન્ટ થવા પર વાહનચાલક પર ઓછામાં ઓછા 6 મહિના માટે ડ્રાઇવિંગ પ્રતિબંધ લાદવામાં આવે છે. જ્યારે નવા ડ્રાઇવરો માટે આ મર્યાદા અડધી (6 પોઈન્ટ) હોય છે. પ્રથમ 2 વર્ષ દરમિયાન 6 કે તેથી વધુ પોઈન્ટ મેળવનાર નવા ડ્રાઇવરોનું લાઇસન્સ આપમેળે રદ થઈ જાય છે અને તેમણે થીયરી તથા પ્રેક્ટિકલ પરીક્ષા ફરીથી આપવી પડે છે.
હજારો વાહનો ગેરકાયદેસર નંબર પ્લેટ સાથે ફરતા હોવાનો પર્દાફાશ
દક્ષિણ-પૂર્વ ઇંગ્લેન્ડના મોટરવે પર નવી કેમેરા સિસ્ટમની ટ્રાયલ દરમિયાન વાહનો પર લગાવેલી હજારો ગેરકાયદેસર નંબર પ્લેટ ઝડપાઈ હતી. આ પ્લેટોમાં ખાસ પ્રકારના ફેરફાર કરવામાં આવે છે જેથી ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (એએનપીઆર) સિસ્ટમ તેને ઓળખી ન શકે. આ સિસ્ટમનો ઉપયોગ સ્પીડ મર્યાદા ચકાસવા, લો એમિશન ઝોનનું પાલન કરાવવા અને ગુનેગારોને ટ્રેક કરવા માટે થાય છે.


