નવા નિયમોનો અમલ કરાવવા દંડની ધમકી સાથે પોલીસ સક્રિય

Monday 30th March 2020 05:36 EDT
 
 

લંડનઃ લોકડાઉનના નવા નિયમોનું પાલન કરાવવા ચોતરફ ચેકપોઈન્ટ્સ સાથે બ્રિટિશ પોલીસ સક્રિય બની છે. પોલીસને એકત્ર થયેલા લોકોને વિખેરવા અને લોકડાઉનનો કડક અમલ કરાવવા વધુ સત્તા સોંપાઈ છે. પોલીસે લોકોને ઘરમાં જ રહેવાની ચેતવણી આપી છે. જો લોકોનો પ્રવાસ આવશ્યક નહિ હોવાનું જણાશે તો ૯૬૦ પાઉન્ડના દંડની ધમકીઓ પણ અપાય છે. યોગ્ય કારણ વિના બહાર નીકળેલાની ધરપકડ પણ થઈ શકે છે. આગામી દિવસોમાં સ્પ્રિંગના કુમળા સૂર્યપ્રકાશની આગાહી છે ત્યારે વધુ લોકો નિયમભંગ કરવા લલચાવાની શક્યતા છે.

લોકોએ માત્ર ખોરાક, દવાઓ, કસરત અથવા જરૂરી હોય તો જ કામે જવાનું રહે છે પરંતુ, લોકો નિયમભંગ કરી રહ્યા છે. પોલીસને એકત્ર થયેલા લોકોને વિખેરવા અને લોકડાઉનનો કડક અમલ કરાવવા વધુ સત્તા સોંપાઈ છે. નોર્થ યોર્કશાયર, કોર્નવોલ, ડર્બીશાયર પોલીસે ડ્રાઈવરો ક્યાં જઈ રહ્યા છે તેની પૂછપરછ કરવા ચેકપોઈન્ટ્સ ઉભા કરી દીધા છે અને જાહેરમાં ન ફરવાના નિયમનો ભંગ કરનારાને ચેતવણીઓ આપી હતી. કૂતરાને ફેરવવા નીકળેલા લોકોનો ડ્રોનની મદદથી પીછો કરાય છે. લોકો ઘરમાં રહેવાના બદલે ‘રજા’ના માહોલમાં સમુદ્રકિનારે જતાં નથી તેની ચકાસણી કરવા કારની તપાસ કરાય છે.

સરકાર માને છે કે વડા પ્રધાનના ‘સ્ટે એટ હોમ’ મેસેજનું પાલન કરવા મોટા ભાગના લોકો આગળ આવશે. જોકે, સમગ્ર યુકેમાંથી પ્રાપ્ત અહેવાલો જણાવે છે કે પોલીસને બાર્બેક્યૂઝ, હોમ પાર્ટીઝ અને ગ્રૂપ સ્પોર્ટ્સને વિખેરવા મહેનત કરવી પડે છે. આઘાતજનક પોલના તારણો જણાવે છે કે ૭ ટકા બ્રિટિશરો હજુ મિત્રોને મળવા જાય છે તેમજ ૮ ટકા બિનજરૂરી ખરીદી કરવા નીકળી પડે છે.

આ ઉપરાંત, ડાયરેક્ટર ઓફ પબ્લિક પ્રોસીક્યુશન દ્વારા ચેતવણી અપાઈ છે કે કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક કોરોના વાઈરસને ફેલાવવા ૯૯૯ વર્કર્સ સામે ખાંસશે કે થૂંકશે તો ઈમર્જન્સી વર્કર પર હુમલો કરવા સબબે તેને બે વર્ષ સુધીની જેલ થઈ શકે છે. ૨૩ માર્ચ સોમવારની રાત્રે બ્લેકબર્નમાં ૪૦ વર્ષીય ડેવિટ મોટને અન્ય બે લોકો સાથે ઘરની બહાર નીકળવાનું કારણ પૂછાયું ત્યારે તેણે અધિકારીઓ સામે થૂંકવાની ધમકી આપી હતી. મોટને ૨૬ સપ્તાહ જેલની સજા ફરમાવાઈ છે.

કોરોના વાઈરસ લોકડાઉનનો ભંગ કરનારા વિરુદ્ધ જોગવાઈઓ

• પોલીસ અને ઈમર્જન્સી સર્વિસ વર્કર સામે ઈરાદાપૂર્વક ખાંસવાને હુમલો ગણી બે વર્ષ સુધી જેલની સજા.

•  લોકડાઉન નિયમોનો ભંગ કાયદાનો ભંગ ગણાશે અને નવી સત્તાઓ અનુસાર ધરપકડ કરી શકાશે.

• ઓફિસરો તેમને ઘેર જવા, સ્થળ છોડી દેવા કે વિખરાઈ જવા જણાવી શકશે તેમજ બાળકો કાયદાનો ભંગ ન કરે તેના જરૂરી પગલાં પેરન્ટ્સ લે છે તેની ચોકસાઈ કરશે.

• અમલનો ઈનકાર કરનારાને ૬૦ પાઉન્ડની ફિક્સડ પેનલ્ટી નોટિસ, જો ૧૪ દિવસમાં ચૂકવાય તો ૩૦ પાઉન્ડ.

• બીજી વખતના અપરાધીને ૧૨૦ પાઉન્ડની ફિક્સડ પેનલ્ટી નોટિસ, જે દરેક વધુ ગુના સાતે બમણી થતી જશે.

• જે લોકો પેનલ્ટી નહિ ચૂકવે તેમને કોર્ટમાં લઈ જવાશે અને મેજિસ્ટ્રેટ ૧૦૦૦ પાઉન્ડ કે તેથી વધુનો દંડ ફરમાવી શકશે

લાખો બ્રિટિશરો કોરોના વાઈરસ તરફ ગંભીર નથી

નિકટના પરિવાર સિવાયના લોકો સાથે મુલાકાત                ૩,૬૦૦,૦૦૦

આવશ્યક ન હોય ત્યારે પણ શોપિંગ કરવા જવું                 ૫,૮૦૦,૦૦૦

હજુ હસ્તધૂનન અને આલિંગન કરનારા                        ૩,૧૦૦,૦૦૦

વારંવાર હાથ નહિ ધોનારા                                    ૨,૬૦૦,૦૦૦

 (ITV'ના Peston programme માટે સર્વેના તારણો)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter