લંડનઃ બ્રિટિશ પાસપોર્ટ નવા રૂપરંગ ધારણ કરી રહ્યો છે. નવા પ્રવાસ દસ્તાવેજમાં બનાવટ કરી ન શકાય તેવી એન્ટિ-ફોર્જરી ટેકનોલોજી, દેશના સાંસ્કૃતિક વારસાની છબીઓ તેમ જ બ્રિટિશ ઈતિહાસના નોંધનીય પાત્રોનો સમાવેશ કરાયો છે. નવા બ્રિટિશ પાસપોર્ટના દરેક પાના પર હાઈ-સિક્યુરિટી વિલિયમ શેક્સપીઅર વોટરમાર્ક રખાયો છે. સલામતીના વધારાના લક્ષણ તરીકે ડોક્યુમેન્ટના પાછળના પાને ‘પર્સનલ ડિટેઈલ્સ’ના એક પાનાનો ઉપયોગ કરાયો છે, જેથી તેની સાથે ચેડાં કરવાનું કે નકલ કરવાનું મુશ્કેલ બની જશે.
નવા બ્રિટિશ પાસપોર્ટના પાનાઓ પર દેશના વૈજ્ઞાનિક, કળામય અને સ્થાપત્ય વારસાને આવરી લેવાયો છે. બ્રિટિશ ઈતિહાસના નામાંકિત પાત્રો-સાત પુરુષ અને બે સ્ત્રીને સ્થાન અપાયું છે. પુરુષોમાં મહાન લેખક વિલિયમ શેક્સપીઅર ઉપરાંત, પેઈન્ટર જ્હોન કોન્સ્ટેબલ; મરિન ટાઈમકીપરના શોધક જ્હોન હેરિસન; આર્કિટેક્ટ સર ગાઈલ્સ ગિલ્બર્ટ સ્કોટ; શોધક ચાર્લ્સ બેબેજ તેમ જ વર્તમાનકાલીન કળાકારો એન્થની ગોર્મલી અને અનીશ કપૂરનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત, સ્ત્રીઓમાં આર્કિટેક્ટ એલિઝાબેથ સ્કોટ અને કોમ્પ્યુટર પ્રોગ્રામર એડા લવલેસનો સમાવેશ થાય છે. પાસપોર્ટના અન્ય પાનાઓ પર સ્ટીફનસનનું રોકેટ, એસએસ ગ્રેટ બ્રિટન, લંડન અંડરગ્રાઉન્ડ તેમ જ કેરેબિયન કાર્નિવલ્સ, એશિયન મેળાઓ અને ચાઈનીઝ નવા વર્ષ જેવા બહુસાંસ્કૃતિક પ્રતીકોને સ્થાન મળ્યું છે.
ઈમિગ્રેશન મિનિસ્ટર જેમ્સ બ્રોકેનશાયરે જણાવ્યું હતું કે,‘સૌથી અત્યાધુનિક ટેકનોલોજી અને સલામતી પગલાના ઉપયોગ સાથે આ પાસપોર્ટની ડિઝાઈન અત્યાર સુધી જારી કરાયેલી સૌથી સુરક્ષિત ડિઝાઈન છે.’ ઉલ્લેખનીય છે કે દર પાંચ વર્ષે નવો પાસપોર્ટ લોન્ચ કરવામાં આવે છે. પાસપોર્ટની ગત આવૃત્તિમાં બ્રિટિશ પક્ષીજીવન અને ભૂગોળને આવરી લેવાયા હતા.


