લંડનઃ બ્રિટનમાં યુરોપિયન કામદારોને કૌશલ્ય ક્ષેત્રની નોકરીઓમાં પ્રાથમિકતા આપવાની ખાતરી આપતી રેસિડેન્ટ લેબર માર્કેટ ટેસ્ટ યોજનાના અમલના કારણે યુકેસ્થિત ભારતીય ડોક્ટરોને હવે નોકરીમાં અરજી કરવી પણ મુશ્કેલ બનશે. જો નોકરી ટૂંકા વ્યવસાયની યાદીમાં ન હોય અને જો કોઈ નોકરીદાતાને એક ખાસ જગ્યા માટે સ્થાયી થયેલા કામદારોના દળ બહારથી ભરતી કરવાની હોય તો તેણે રેસિડેન્ટ લેબર માર્કેટ ટેસ્ટ (RLMT) લીધાનું દર્શાવવું પડશે.
યુકે માઈગ્રેશન એડવાઈઝરી કમિટીની નવી આરએલએમટી માટેની ભલામણ યુકે અને યુરોપિયન કામદારોને ખાસ પ્રકારની નોકરીમાં પ્રાથમિકતા મળે એ માટે છે. આનો એક અર્થ એ થાય કે યુકે નેશનલ હેલ્થ સર્વિસમાં મોટાભાગની જગ્યા ભરાઈ ગયા પછી જ ભારતીય ડોક્ટરો અરજી કરવાને પાત્ર બનશે.
બ્રિટનમાં સ્થાયી ભારતીય મૂળના ૫૦,૦૦૦ ડોક્ટરના સંગઠન બ્રિટિશ એસોસિએશન ઓફ ફીઝીશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (BAPIO) દ્વારા આ કાયદા વિરુદ્ધ યુકે હોમ ઓફિસમાં પત્ર લખવા નિર્ણય લેવાયો હતો. સંસ્થાના વડા રમેશ મહેતાએ કહ્યું હતું કે, ‘અમે એ ખાતરી કરાવવા ઈચ્છીએ છીએ કે ભારતીય ડોક્ટરો માત્ર NHSની સેવા માટે જ નથી. અમને પણ સ્થાનિક ડોક્ટરોની જેમ જ રાખવા જોઈએ અને આવા ડોક્ટરો તેમના મૂળ દેશમાં પાછા જાય એ પહેલાં તેમને પણ યોગ્ય શિક્ષણ મળવું જોઈએ.’


