નવા બ્રેક્ઝિટ ડીલની બ્રિટિશરો પર શું અસર?

Wednesday 30th December 2020 03:59 EST
 
 

લંડનઃ ક્રિસમસની પૂર્વસંધ્યાએ કરાયેલા ધ બ્રેક્ઝિટ ટ્રેડ એન્ડ સિક્યુરિટી ડીલ દસ્તાવેજમાં પરિશિષ્ટો સહિત ૨,૦૦૦થી વધુ પાના છે. બંને પક્ષો દ્વારા બહાલી અપાયા પછી તે અમલમાં આવશે. આ વેપાર સમજૂતીના મહત્ત્વના મુદ્દાઓની આ સાથે સમજ આપવામાં આવી છે.

• વિઝા અને મુક્ત અવરજવરઃ અગાઉ બ્રિટિશ અને ઈયુ દેશોમાં લાયકાતો સમકક્ષ ગણાતી હતી પરંતુ, નવા વર્ષથી ડોક્ટર્સ, નર્સીસ, આર્કિટેક્ટ્સ, ડેન્ટિસ્ટ્સ, ફાર્માસિસ્ટ્સ, વેટ્સ, એન્જિનીઅર્સ જેવાં પ્રોફેશનલ ક્વોલિફિકેશન્સ માટે ઓટોમેટિક માન્યતા નહિ રહે. તેમણે ઈયુના સભ્ય દેશોમાં પ્રેક્ટિસ કરવી હોય તો માન્યતા મેળવવાની રહેશે. યુકેના નાગરિકો માટે ઈયુમાં કામકાજ, અભ્યાસ, બિઝનેસ શરુ કરવા કે વસવાટ કરવા માટે આઝાદી નહિ રહે. તેમણે ૯૦ દિવસથી વધુ સમયના રોકાણ માટે વિઝા મેળવવા પડશે. જોકે, વૃદ્ધાવસ્થાના પેન્શન્સ અને હેલ્થકેર સહિત કેટલાક સોશિયલ સિક્યુરિટી બેનિફિટ્સમાં સંકલનથી વિદેશમાં કામ કરવાનું સરળ બનશે તેમજ નેશનલ ઈન્સ્યુરન્સમાં અગાઉથી એકત્ર થયેલી રકમ ગુમાવવાની નહિ રહે.

ટ્રાન્સપોર્ટઃ એવિયેશન અને માલસામાનની હેરફેર અગાઉની માફક જ ચાલુ રહેશે. પેસેન્જર અને કાર્ગો પ્લેન્સ હીથ્રો તેમજ યુકેમાં અન્યત્ર બહારથી આવેલી સ્ટોપઓવર ફ્લાઈટ્સ સહિત ઈયુમાં ઉડ્ડયન અને ઉતરાણ કરી શકશે. માલસામાનની હેરફેર કરનારાઓ સ્પેશિયલ પરમિટ વિના પણ ઈયુ દેશોમાં વાહન લઈ જઈ શકશે.

• શિક્ષણ, વિજ્ઞાન અને નોકરીઓઃ યુકે ૧૯૮૭માં ઈયુ ભંડોળ સાથેના સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ ‘Erasmus’માં સામેલ થયું હતું જેમાં, બ્રિટિશ વિદ્યાર્થીઓને યુરોપમાં અભ્યાસ અને નોકરીની પરવાનગી મળતી હતી. યુકે નાણાકીય કારણોસર આ પ્રોગ્રામમાંથી બહાર નીકળી ગયું હતું. હવે તેના સ્થાને નવી યોજના આવી છે જે બ્રિટિશ વિદ્યાર્થીઓને વિશ્વભરની યુનિવર્સિટીઓમાં અભ્યાસની તક આપશે. જેઓ ૨૦૨૧ માટે ‘Erasmus’ કોર્સીસમાં નોંધાયા છે તેઓ ચાલુ રહેશે પરંતુ, ૧ જાન્યુઆરી પછી નવી અરજીઓ નહિ લેવાય. દરમિયાન, ઉચ્ચ કુશળતાની નોકરીઓ ધરાવતા લોકોને ઈયુમાં કામ કરવું સરળ રહેશે. મેનેજર કક્ષાના લોકોને ત્રણ વર્ષ ઈયુમાં રહેવાની છૂટ અપાઈ છે. યુકે ઈયુના ૮૦ બિલિયન યુરોના મુખ્ય હોરાઈઝન યુરોપ પ્રોગ્રામમાં સાત વર્ષ સુધી પેઈંગ એસોસિયેટ મેમ્બર તરીકે ચાલુ રહેવા ઉપરાંત, કોપરનિકસ અને યુરાટોમ પ્રોગ્રામમાં પણ ચાલુ રહેશે.

• હોલીડેઝ અને હેલ્થકેરઃ આ સમજૂતીના પરિણામે બ્રિટિશરો માટે યુરોપ ખંડમાં પ્રવાસ સરળ બનશે. વિદેશપ્રવાસ સમયે પર્યટકોને હોસ્પિટલમાં સારવારની સુવિધા પણ મળી રહેશે. યુકેની દલીલ હતી કે યુરોપિયન હેલ્થ ઈન્સ્યુરન્સ કાર્ડ (EHIC) ૩૧ ડિસેમ્બરે ટ્રાન્ઝીશન પીરિયડ સમાપ્ત થયાં પછી પણ માન્ય ગણાવું જોઈએ જેથી પર્યટકોને પોતાના ઈન્સ્યુરન્સની વ્યવસ્થા કરવાની ઝંઝટમાંથી બચાવી શકાય.

• ટેરિફ્સઃ બ્રિટન અને ઈયુ શૂન્ય ટેરિફ અને શૂન્ય ક્વોટા નિયમો માટે સંમત થયા છે જેને જ્હોન્સનના વિજય તરીકે ગણાવી શકાય. ઈયુ સાથે વેપારમાં યુકેની નિકાસોના ૪૩ ટકા અને આયાતોના ૫૧ ટકાનો સમાવેશ થાય છે. જ્હોન્સનના જણાવ્યા અનુસાર યુકે બિઝનેસીસ માટે નિશ્ચિંતતા અને સાતત્યતા જળવાઈ રહેશે. યુકે વ્યાપક ફ્રી ટ્રેડ ઝોનનું સભ્ય બની જવા સાથે આગવા મુક્ત વેપાર સોદાઓ કરવા માટે પણ સ્વતંત્ર રહેશે.  ઈયુના કેનેડા અથવા જાપાન સાથેના ડીલ કરતાં પણ આ વધુ લાભકારી છે.

• ફિશરીઝઃ યુકે સહિયારી ફિશરીઝ પોલિસીમાંથી બહાર નીકળી જશે. બ્રિટિશ જળમાં માછીમારી કરતા ઈયુ વહાણોનું વાર્ષિક ટર્નઓવર ૬૫૦ મિલિયન યુરો જ્યારે બ્રિટિશ વહાણોનું ૮૫૦ મિલિયન યુરો છે. નવા ક્વોટામાં ઈયુનો હિસ્સો ૨૫ ટકા ઘટશે જે, તબક્કાવાર સાડા પાંચ વર્ષમાં ઘટાડાશે. આ સમયગાળાના અંત સુધી ઈયુ વહાણો દ્વારા પકડાતી માછલીઓના ૨૫ ટકા – વાર્ષિક ૧૬૨ મિલિયન યુરોનું મૂલ્ય- યુકેના વહાણોને પરત કરાશે. આ પછી, બંને પક્ષો વાર્ષિક વાટાઘાટો આદરશે. ડાઉનિંગ સ્ટ્રીટના કહેવા મુજબ યુકે ૨૦૨૬ સુધીમાં આપણા જળમાંથી બે તૃતીઆંશ માછલી પકડતું થઈ જશે.

• વેપાર અને એકસમાન તકઃ બ્રસેલ્સને ભય હતો કે યુકે બ્લોકને છોડ્યા પછી ફાયદો મેળવવા અને પોતાની ફર્મ્સને વધુ સ્પર્ધાત્મક બનાવવા પોતાના માપદંડો નીચે ઉતારી શકે છે. આથી, લેવલ પ્લેઈંગ ફિલ્ડ તરીકે સામાન્ય સ્ટાન્ડર્ડ્સ ઉપયોગમાં લેવાશે. જો કોઈ પક્ષ કોમન સ્ટાન્ડર્ડ્સથી ઘણા દૂર જાય તો વિવાદના નિરાકરણ માટે સ્વતંત્ર વ્યવસ્થા ઉભી કરવા બંને તૈયાર થયા છે. વિશ્વાસપાત્ર ટ્રેડર પ્રોગ્રામ્સની પરસ્પર માન્યતાથી યુકેના ઉત્પાદકોએ યુકે અને ઈયુના સ્ટાન્ડર્ડ્સનું પાલન કરવાનું રહેશે. આ વાટાઘાટોમાં ઈયુ કાયદાઓ, યુકે પોતાના સબસિડી દર નિશ્ચિત કરી શકે તેવી ક્ષમતા, સ્પર્ધા અને ટેક્સ રુલ્સ સહિત આઠ મુદ્દાઓમાંથી પાંચ મુદ્દા પર યુકેને વિજય મળ્યો હોવાનો દાવો કરાય છે.

• બ્રિટિશ સાર્વભોમત્વઃ કોઈ પણ વિવાદના નિરાકરણમાં યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસ (ECJ)નો કોઈ પણ અવાજ રહેશે નહિ. વેસ્ટમિન્સ્ટરની આ મુખ્ય માગણી હતી. બ્રસેલ્સે સહમતિ દર્શાવી દે છે બ્રિટન પર એકપક્ષી પેનલ્ટી લાદવાનો તેને કોઈ અધિકાર રહેશે નહિ. જોકે, ઈયુએ મજબૂત અને સ્વતંત્ર લવાદ સિસ્ટમનો આગ્રહ રાખ્યો હતો. જ્હોન્સને જણાવ્યું છે કે ૨૦૧૬ના રેફરન્ડમમાં અપાયેલી ખાતરી મુજબ યુકે પોતાના અંકુશ પરત મેળવી લેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter