લંડનઃ યુરોપિયન યુનિયન સાથે છેડો ફાડવા મુદ્દે યુકેના નાગરિકો ભારે અસમંજસ અનુભવી રહ્યા છે. વર્ષ ૨૦૧૬માં ૫૨ ટકા વિરુદ્ધ ૪૮ ટકા સાથે બ્રેક્ઝિટ જનમત લેવાયા પછી પણ ઈયુ સાથે કઈ શરતોએ અલગ પડવું અને કેવી સમજૂતી કરવી તે મુદ્દે થેરેસા મેની સરકાર અને ઈયુ નેતાઓ ભારે મથામણ કરી રહ્યા છે. આ સમયે શનિવાર, ૨૦ ઓક્ટોબરે નવા બ્રેક્ઝિટ રેફરન્ડમની માગણી સાથે આશરે ૭૦૦,૦૦૦થી વધુ લોકો ઈયુના ધ્વજ સહિત વિવિધ પ્રકારના પ્લેકાર્ડ્સ સાથે સેન્ટ્રલ લંડનમાં ઉમટી પડ્યા હોવાનો દાવો રેલીના આયોજકોએ કર્યો હતો. ‘પિપલ્સ વોટ માર્ચ’ તરીકે ઓળખાયેલી અને ૨૦૦૩માં ‘સ્ટોપ ધ વોર’ દેખાવો પછી આ સદીમાં સૌથી મોટી વધુ હાજરી સાથેની બીજી રેલીએ કોઈ પણ બ્રેક્ઝિટ ડીલની આખરી શરતો પર લોકમત લેવાની માગણી કરી હતી. જોકે, પોલીસે રેલીમાં લોકોની હાજરી વિશે અંદાજિત આંકડા આપવાનું પણ નકાર્યું હતું. આ રેલીને લંડનના મેયર સાદિક ખાન સહિતના નેતાઓએ સંબોધી હતી. બીજી તરફ, હેરોગેટ ખાતે ‘લીવ મીન્સ લીવ’ રેલીમાં ૧૨૦૦ લોકોએ જ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન થેરેસા મેએ બીજા રેફરન્ડમનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે.
ઈયુ સાથે સમજૂતી વિશે પ્રશ્નાર્થ
બ્રિટન ૨૯ માર્ચે ઈયુ છોડશે તે હાલ નિશ્ચિત છે. જોકે, આ છૂટાછડાની શરતો મુદ્દે ગજગ્રાહ ચાલે છે, જેમાં રીપબ્લિક ઓફ આયર્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડ વચ્ચેની સરહદનો પ્રશ્ન મુખ્ય છે કારણકે બ્રેક્ઝિટ પછી તે બ્રિટનની ઈયુ સાથેની એકમાત્ર ભૂમિ સરહદ બની રહેશે. આયર્લેન્ડ ઈયુમાં છે, જ્યારે નોર્ધર્ન આયર્લેન્ડ યુકેનો હિસ્સો છે. આ બંને વચ્ચે હાર્ડ બોર્ડર ફરી સર્જાય તેનો વિરોધ થઈ રહ્યો છે. બીજી સળગતી સમસ્યા ઈયુ અને યુકેના અર્થતંત્રો વચ્ચે સંબંધની છે. વડા પ્રધાન થેરેસા મે બ્રેક્ઝિટ પછી યુકે માટે ૨૧ મહિનાના સૂચિત ટ્રાન્ઝીશન ગાળાને સ્વીકારી લે તેવા સંકેતો છે. જોકે, આના પરિણામે, માર્ચમાં બ્રેક્ઝિટ પછી પણ બ્રિટન બે કરતા વધુ વર્ષ સુધી ઈયુ નિયમો સાથે જોડાયેલું રહેશે. આનાથી વેપાર અને આઈરિશ સરહદ સંબંધી સમજૂતી માટે વધારાનો સમય મળી રહેશે પરંતુ, તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. આના કારણે જ શરતો અંગે બ્રિટિશ પ્રજા શું માને છે તેના વિશે રેફરન્ડમ લેવાની માગણી છે.
બ્રેક્ઝિટવિરોધી નેતાઓનું રેલીને સંબોધન
નવા રેફરન્ડમની માગણી સાથેની આ રેલીમાં રીમેઈન છાવણીના સમર્થક કન્ઝર્વેટિવ સાંસદ અન્ના સોબ્રી, લેબર પાર્ટીના ચુકા ઉમન્ના, લિબરલ ડેમોક્રેટ નેતા સર વિન્સ કેબલ, કેરોલીન લુકાસ અને લંડનના મેયર સાદિક ખાને સંબોધી હતી. અન્ના સોબ્રીએ જણાવ્યું હતું કે ‘આપણે ઈયુ છોડવાનો મત આપનારા સામે દલીલ જીતી રહ્યા છીએ. આપણે આ અરાજકતામાંથી બહાર આવવાનો માર્ગ શોધીશું.’ કન્ઝર્વેટિવ સાંસદ સારાહ વોલાસ્ટને કહ્યું હતું કે, ‘આજના દેખાવોનો અર્થ એ છે કે બ્રેક્ઝિટવિરોધી કેમ્પેઈનર્સને ‘હવે અવગણી શકાશે નહિ. બીજા રેફરન્ડમનું પરિણામ કદાચ લીવ ઈયુમાં આવે પરંતુ આપણને તેની બીજી તક મળવી જોઈએ.’ તેમણે લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીન અને સ્કોટિશ નેશનાલિસ્ટ પાર્ટી (SNP) તેમજ લિબરલ ડેમોક્રેટ્સના સમર્થનની માગણી કરી હતી. બીજી તરફ, SNPના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને વીડિયો લિન્ક દ્વારા તેમના પક્ષના સાંસદો પિપલ્સ વોટને બીનશરતી ટેકો આપશે તેવી જાહેરાત કરી હતી.
યુવાનોના ભાવિ માટેની માર્ચઃ મેયર સાદિક
લંડનના મેયર અને લેબર પાર્ટીના સાદિક ખાને માનવ મહેરામણને સંબોધતા કહ્યું હતું કે શનિવારની આ મહારેલી યુવાન બ્રિટિશ નાગરિકોના ભવિષ્ય માટેની માર્ચ છે. માત્ર ૫૨ ટકાના સમર્થન સાથે ઈયુ છોડવાની તરફેણ કરાઈ હતી તે ૨૦૧૬ના રેફરન્ડમ સમયે સંખ્યાબંધ યુવાનો મત આપવાને લાયક ન હતા. ‘આજે સ્પષ્ટ છે કે વડા પ્રધાન પાસે ખરાબ બ્રેક્ઝિટ ડીલ અથવા નો ડીલ સિવાય કોઈ વિકલ્પ રહ્યા નથી. અઢી વર્ષ અગાઉ જે વચન અપાયું હતું તેનાથી આપણે માઈલો દૂર છીએ.’ મેયર સાદિક ખાન લોકો વડા પ્રધાન થેરેસા મેની સમજૂતીને સ્વીકારે અથવા ઈયુમાં રહેવાનું સ્વીકારે તે મુદ્દે પોતાનો મત જણાવી શકે તે માટે વધતી માગણીને અગાઉથી પણ સમર્થન આપી રહ્યા છે.
રેલીમાં સેલેબ્રિટીઝની ઉપસ્થિતિ
દેખાવકારોથી લંડનની શેરીઓ છલકાઈ ગઈ હતી. હજારો લોકો બસ અને કોચમાં બેસી રેલીમાં ભાગ લેવાં આવી પહોંચ્યા હતા. અગાઉના રેફરન્ડમમાં ઈયુ છોડવાની તરફેણમાં મત આપ્યો હોય તેવા લોકો પણ આ રેલીમાં સામલ થયા હતા. ઉલ્લેખનીય છે કે લંડનમાં ૨૦૦૩માં ઈરાક યુદ્ધના વિરોધની રેલીમાં એક મિલિયન લોકો હાજર હતા તે પછી આ બીજી સૌથી મોટી રેલી હતી. સાઉથ-વેસ્ટ લંડનમાં ટ્યૂબ સ્ટેશનોએ ભીડ વધતી અટકાવવા માટે કામચલાઉ રીતે એક્ઝિટ/ઈન્ટરચેન્જ વ્યવસ્થા કરી હતી. પિપલ્સ વોટ માર્ચમાં લોર્ડ ઓફ રિંગ્ઝના અભિનેતા એન્ડી સર્કીસ, ક્રેઝી રિચ એશિયન્સ અને હ્યુમન્સના સ્ટાર જેમ્મા ચાન, ટીવી પ્રેઝન્ટર રિચાર્ડ બેકન, કોમેડિયન જેની એક્લેર, હોલ્બી સિટીના એક્ટર્સ કેથેરાઈન રસેલ અને હ્યુજ ક્વારશી, લેખક અરમાન્ડો ઈયાનુસી, શેફ ડેલા સ્મિથ અને ટેલિવિઝન એન્ટ્રેપ્રીન્યોર ડેબોરાહ મીડન સહિતની સેલેબ્રિટીઝ ઉપસ્થિત હતી.
બેલફાસ્ટમાં રીમેઈનતરફી રેલી
બેલફાસ્ટ સિટી હોલની બહાર શનિવારે બપોર પછી ઈયુના ધ્વજ અને DUPવિરોધી પ્લેકાર્ડ્સ સાથે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. એલાયન્સ પાર્ટીના નેતા નાઓમી લોન્ગે જણાવ્યું હતું કે યુરોપ ખંડના ઈતિહાસમાં શાંત અને સ્થિરતાના સૌથી લાંબા સમયગાળા માટે આપણે ઈયુનો આભાર માનવો જોઈએ. ઈયુ નોર્ધર્ન આયર્લેન્ડ અને વિશ્વમાં શાંતિ માટેનું પરિબળ છે, જેણે દેશોને સમાધાન માટે અને લોકોને મોટા મુદ્દાઓ પ્રત્યે એક થવા ફરજ પાડી છે. ઉલ્લેખનીય છે કે નોર્ધર્ન આયર્લેન્ડમાં ૫૬ ટકા લોકોએ ઈયુમાં રહેવાનો મત આપ્યો હતો.


