નવા વડા પ્રધાન થેરેસા મે વિશે સાંસદોની ટિપ્પણીઓ

Wednesday 13th July 2016 07:01 EDT
 
 

લોર્ડ ભીખુ પારેખઃ બ્રિટનમાં મહિલા વડા પ્રધાન હવે નવાઈની બાબત નથી જોકે યુએસમાં પણ મહિલા પ્રમુખની પણ શક્યતા હોવાના સમયે આમ બને તે નવાઈ અવશ્ય છે. મને ભય છે કે આપણા એક માત્ર મહિલા વડા પ્રધાને અત્યાર સુધી હઠીલી અને સંકીર્ણ માનસિકતાના ઇંગ્લિશ રાષ્ટ્રવાદની ઘેલછાનું ખરાબ ઉદાહરણ સ્થાપિત કર્યું છે અને તેમના પછીના મહિલા વડા પ્રધાન દુખદ રીતે તેમનું અનુકરણ કરવા લલચાશે. થેરેસા મેની ટિપ્પણીઓ અત્યાર સુધી તો આનો દાખલો આપે છે. હું એવી આશા રાખું કે મહિલા વડા પ્રધાન સામે મહિલા વિપક્ષી નેતાથી વિભાજક રાજકીય ચર્ચાઓમાં પરિવર્તન આવશે તથા સંયમ અને અનુકંપાની ભાવના જોવા મળશે.

લોર્ડ ધોળકિયા PC.OBE.DL.ડેપ્યુટી લીડર લિબરલ ડેમોક્રેટ્સઃ આપણે સહુ થેરેસા મેને તેમની નવી કામગીરીમાં શુભેચ્છા પાઠવીએ. તેમની પાર્ટીના ઉચ્ચસ્તરે એકબીજાનું લોહી ખેંચવાની ઘટનાઓ જોવા મળી છે ત્યારે તેમનું પ્રાથમિક કાર્ય ટોરી જહાજને સ્થિરતા બક્ષવાનું છે. મને ખાતરી છે કે નવા વડા પ્રધાન એકબીજા સામે લડતાં જૂથોને એકસંપ કરવાની ક્ષમતા અને કડકાઈ ધરાવતા હશે.

ડેવિડ કેમરનનો ઇતિહાસમાં એવી વ્યક્તિ તરીકે ઉલ્લેખ થશે જેઓ તદ્દન બિનજરૂરી રેફરન્ડમનું વચન આપ્યું યુનાઈડેટ કિંગડમને તોડવાની અણી પર આવી ગયા હતાં. થેરેસા મેનું મુખ્ય કાર્ય દેશને એક કરવાનું અને યુરોપિયન યુનિયનમાંથી આપણે અલગ થઈએ તે માટે સૌથી સારી શરતોની વાટાઘાટ કરવાની રહેશે. દીર્ઘકાલીન સેવા આપનારા હોમ સેક્રેટરી તરીકે તેમણે જેનું પાલન ન થઈ શકે તેવા ઇમિગ્રેશન સંબંધિત વચનો નહીં આપવાનો પાઠ શીખ્યો છે. માઈગ્રેશનની ચર્ચા વારંવાર આવવાની ચાલુ રહેશે. આના માટે મગજ શાંત રાખવાની જરૂર છે. આપણે આશા રાખીએ કે તેઓ આ દેશમાં આપણી ડાયવર્સ કોમ્યુનિટી પર સતત કરાતા હુમલાઓ પર નિયંત્રણ લાવશે.

આપણે હવે નવી કેબિનેટની જાહેરાતની રાહ જોઈએ. આપણે એવી પણ આશા રાખીએ કે તેમના હોદ્દાની કાયદેસરતાને દેશની મંજૂરીની પણ જરૂર છે. ત્યારે જનરલ ઇલેક્શન નજીકના ભવિષ્યમાં યોજવામાં આવે.

શૈલેશ વારા, સાંસદઃ થેરેસા મે મજબૂત રાજકારણી છે અને આપણા દેશના ઇતિહાસમાં આ સમયે બ્રિટનને આગળ લઈ જવા માટે યોગ્ય વ્યક્તિ છે. મેં થેરેસા સાથે નજીકથી કામગીરી બજાવી છે અને આપણા દેશને જરૂર છે તેવી મજબૂત અને અનુભવી નેતાગીરી તેઓ પૂરી પાડશે. તેમાં જરાપણ શંકા નથી. તેઓ યુરોપિયન યુનિયન સાથે કામ કરવામાં કડક નેગોશિએટર બની રહેશે અને દેશને એક સંપ કરવા તેમજ તમામને તક મળી રહે તેની ચોકસાઈ માટે અવિરત કામગીરી બજાવશે.

વિરેન્દ્ર શર્મા, સાંસદઃ હોમ સેક્રેટરી તરીકે થેરેસા મેનો પોતાનો રેકોર્ડ થોડાં મોટા માથાઓ માટેની ટોરી સરકારનો ભાગ બની રહેવાનો છે. પોલીસદળોએ ૨.૩ બિલિયન પાઉન્ડનું ભંડોળ ગુમાવ્યું છે અને ૧૮,૦૦૦ પોલીસ અધિકારીઓ તથા ૫,૦૦૦ કોમ્યુનિટી સપોર્ટ અધિકારીઓ પણ ઓછા થયાં છે.

તેઓ ડેવિડ કેમરન અને જ્યોર્જ ઓસ્બોર્નની નિષ્ફળ નીતિઓને આગળ ધપાવશે. જ્યાં આપણે મિલિયોનર્સ માટે કરરાહતો અને અન્ય તમામ લોકો માટે VATની જાળ વધતી જોઈ છે. તેમણે ડેવિડ કેમરન અને જ્યોર્જ ઓસ્બોર્નની નિષ્ફળ કરકસર નીતિને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. તેમણે NHS સહિત આપણી મહત્ત્વની જાહેર સેવાઓને નુકસાન કરતી તમામ ટોરી પોલિસીને સમર્થન આપ્યું છે.

બોબ બ્લેકમેન, સાંસદઃ મને આનંદ છે કે આપણને થેરેસા મેમાં મજબૂત નેતા મળ્યા છે. જેઓ સાંસદોની સ્પષ્ટ બહુમતીનું સમર્થન ધરાવે છે અને યુરોપિયન યુનિયનમાંથી બહાર જવાની લોકોની ઈચ્છાનું પાલન કરવાની મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આપણે અર્થતંત્રના લાંબા ગાળાના કલ્યાણ માટે યોગ્ય પ્લાન અમલી બનાવવા નેતૃત્વના વ્યવસ્થિત પરિવર્તનથી આગળ વધીશું ત્યારે તેમની સાથે કામ કરવા હું આતુર છું. ભારત અને ચીન જેવાં મહત્ત્વના ઊભરતાં અર્થતંત્રો તેમજ યુએસએ અને કોમનવેલ્થના રાષ્ટ્રો સાથે વેપાર વાતચીતો શરૂ થશે ત્યારે બ્રિટનનું ભાવિ ઉજળું જણાય છે. આગળ વધવાની આપણી મજબૂત તકો વિશે હું ઘણો આશાવાદી છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter