નવા વાહનોની ખરીદી મોંઘી પડશે

Monday 27th March 2017 12:33 EDT
 
 

લંડનઃ એપ્રિલ મહિનાથી ગ્રીન ટેકનોલોજી સહિતની નવી કાર ખરીદનારા લાખો લોકોનાં માથે વધુ સેંકડો પાઉન્ડનો બોજો વ્હીકલ ટેક્સ તરીકે આવશે. મોટા ભાગના લોકો આ ટેક્સથી અજાણ છે, જેનાથી સરકારને પાંચ વર્ષમાં ૪.૮ બિલિયન પાઉન્ડની કમાણી થવાની શક્યતા છે. અત્યારે ગ્રીનર કાર્સ માટે કોઈ વ્હીકલ ટેક્સ નથી પરંતુ, નવી સિસ્ટમ હેઠળ તેના માટે પણ પ્રથમ છ વર્ષમાં ૬૬૫ પાઉન્ડ ટેક્સ તરીકે ચુકવવાના થશે. જોકે, ઈલેક્ટ્રિક કાર માટે કોઈ ટેક્સ લાગશે નહિ.

પહેલી એપ્રિલથી લો એમિશન ફેમિલી કાર ખરીદનારાએ પણ સેંકડો પાઉન્ડ ટેક્સરુપે ચુકવવા પડશે. કાર ઈન્ડસ્ટ્રી દ્વારા એવી ચેતવણી પણ અપાઈ છે કે મોટા ભાગના લોકોને નવી ટેક્સ સિસ્ટમની જાણ નથી. અત્યાર સુધી ટેક્સના નિયમો કાર્બન ડાયોક્સાઈડ એમિશન પર આધારિત હતા અને ઉત્પાદકો સ્વચ્છ કાર બનાવતા હોવાથી ટેક્સ ઓછો રહેતો હતો. વ્હીકલ ટેક્સ હજુ પણ CO2 એમિશન પર આધારિત રહેશે પરંતુ, માત્ર એક વર્ષ માટે જ હશે. આ પછી, વાહનના પ્રકાર અનુસાર તેને ફ્લેટ રેટ લાગુ પડશે.

પેટ્રોલ અથવા ડિઝલના માલિકોએ વાર્ષિક ૧૪૦ પાઉન્ડના ફ્લેટ દરે ટેક્સ ચુકવવો પડશે. ટોયોટા પ્રિયસ જેવી હાઈબ્રીડ કાર માટે ૧૦ પાઉન્ડનું ડિસ્કાઉન્ટ ગણતા વાર્ષિક ૧૩૦ પાઉન્ડ ચુકવવાના થાય. ૪૦,૦૦૦ પાઉન્ડથી વધુ કિંમતની ખર્ચાળ કાર ખરીદનારને પ્રથમ પાંચ વર્ષ માટે વધારાના વાર્ષિક ૩૧૦ પાઉન્ડના દરે એટલે કે કુલ વાર્ષિક ૪૫૦ પાઉન્ડનો ટેક્સ ચુકવવાનો થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter