નવા સરકારી પેન્શનમાં સ્ત્રીઓને ગેરલાભઃ નિવૃત્તિ વય લંબાવાઈ

Wednesday 16th September 2015 06:21 EDT
 
 

લંડનઃ પેન્શનના જટિલ નિયમોના કારણે હજારો સ્ત્રીઓને નવા સાપ્તાહિક £૧૪૮ના સરકારી પેન્શનનો લાભ નહિ મળે. એપ્રિલ ૨૦૧૬થી નવા સરકારી પેન્શન દરનો અમલ થવાનો છે, જેનો પ્રથમ લાભ મેળવનારા ૧.૨ મિલિયન લોકોમાં માત્ર ૮૦,૦૦૦ મહિલા જ લાભને પાત્ર બનશે. બીજો ગેરલાભ એ પણ છે કે તેમની નિવૃત્ત થવાની વય પણ લંબાવી દેવાઈ છે. સ્ત્રીઓ અને પુરુષોને એકસરખું £૧૪૮નું સરકારી પેન્શન છેક ૨૦૨૦ના વર્ષમાં મળતું થશે.

સ્ત્રીઓ અને પુરુષોમાં સરકારી પેન્શનનો તફાવત અંશતઃ સ્ત્રીઓ માટે સરકારી પેન્શનની પાત્રતાની વય વધારવાના તેમ જ બાળઉછેર માટે સ્ત્રીઓ દ્વારા નોકરીઓમાં લેવાતાં બ્રેકના કારણે સર્જાયો છે. પેન્શન વયમાં વધારાના કારણે મોટા ભાગની સ્ત્રીઓએ લાભ મેળવવાને લાયક બનવા માટે વધુ પાંચ વર્ષ કામ કરવું પડશે. બીજી તરફ, પુરુષો કરતા વેતન પણ ઓછું હોવાથી વધારાના બીજા સરકારી પેન્શનનો લાભ લેવા પાત્ર બનતી નથી.

વર્તમાન સાપ્તાહિક સરકારી પેન્શન £૧૧૫.૯૫ છે અને ૩૦ વર્ષ સુધી નેશનલ ઈન્સ્યુરન્સ (NI) ચુકવનારને તે મળી શકે છે. નવા £૧૪૮ના સરકારી પેન્શનનો લાભ ૩૫ વર્ષ NI ચુકવનારને મળશે. ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સના આંકડા મુજબ નવા સરકારી પેન્શનના પ્રથમ ૧૦ વર્ષમાં આશરે ૨.૪ મિલિયન લોકો સાપ્તાહિક £૧૪૮નો લાભ ગુમાવશે. પ્રથમ વર્ષમાં ૨૦,૦૦૦ સ્ત્રી સામે ૧૩૦,૦૦૦ પુરુષ, ૨૦૧૭થી ૩૦,૦૦૦ સ્ત્રી સામે ૧૪૦,૦૦૦ પુરુષ, ૨૦૧૮માં ૩૦,૦૦૦ સ્ત્રી સામે ૧૨૦,૦૦૦ પુરુષ સંપૂર્ણ પેન્શન લાભ મેળવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter