લંડનઃ સંસદીય બેઠકોના સીમાંકનની આગામી મહિને થનારી સમીક્ષાથી લેબર પાર્ટીને તેની કુલ બેઠકો પૈકી ૮૫ ટકાથી વધુ એટલે કે ૨૦૦ બેઠકો પર અસર થશે તેમ સીમાંકન સમીક્ષાના નિષ્ણાત ગણાતા લોર્ડ રોબર્ટ હેવર્ડે જણાવ્યું છે. સમીક્ષાની સંભવિત અસરો અંગે તેમણે જણાવ્યું હતું કે લેબર પાર્ટીની ૩૦ જેટલી બેઠકોનું અસ્તિત્વ રહેશે નહિ. બાકીની બેઠકોની રચનામાં થોડો ફેરફાર થશે. જોકે, આ ફેરફારની અસર કન્ઝર્વેટિવ પાર્ટીને પણ થશે.
આ ફેરફાર મુજબ સાંસદોની સંખ્યા ઘટીને ૬૦૦ થશે. તેમના માનવા મુજબ જે ૫૦ બેઠકો નાબૂદ થશે તેમાં કન્ઝર્વેટિવ પાર્ટી ૧૦થી ૧૫ બેઠકો ગુમાવશે, જે તેમની કુલ બેઠકોના ૪.૫ ટકા થાય છે. જોકે, લેબર પાર્ટીને ૨૫થી ૩૦ બેઠકોનું નુક્સાન થશે,જે તેની કુલ બેઠકોના ૧૩ ટકા છે. લેબર પાર્ટીની સલામત ગણાતી કેટલીક બેઠકો સીમાંત થઈ જશે, જે ટકાવવાનું લેબર રાજકારણીઓને અઘરું થઈ પડશે. SNP સહિત અન્ય પક્ષોને પણ નવા સીમાંકનની અસર થશે.
બાઉન્ડ્રી કમિશન ૧૩મી સપ્ટેમ્બરે તેના નક્શા પ્રસિદ્ધ કરશે. કમિશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સંસદીય કાયદાના પાલન મુજબ ૨૦૧૫ની વિગતોનો ઉપયોગ કરાયો છે. ૨૦૧૫ના અંતે મતદાર રજિસ્ટરમાં લોકોની સંખ્યાના આધારે સીમાંકનના ફેરફાર અંગે વિપક્ષે રોષે ભરાઈને દલીલ કરી હતી કે આ વર્ષે ઈયુ રેફરન્ડમ વખતે વધારાના ૨૦ લાખ લોકોએ સહી કરી હતી. નવા સીમાંકનમાં તેમાંથી એક પણ વ્યક્તિને ધ્યાને નહિ લેવાય તે ચિંતાજનક બાબત છે. કેટલાક સાંસદોની દલીલ હતી કે મતદાર યાદીમાં નહિ નોંધાયેલા, પરંતુ તે જ મતવિસ્તારમાં રહેતા લોકોને ગણતરીમાં ન લેવાય તે વાજબી નથી. SNPએ પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.

