નવા સ્ટાફ પર 'વેક્સિન નહીં તો નોકરી નહીં' લાગુ કરી શકાશે

Tuesday 02nd March 2021 15:26 EST
 

લંડનઃ જસ્ટિસ સેક્રેટરી રોબર્ટ બકલેન્ડે જણાવ્યું હતું કે હવેથી એમ્પ્લોયર્સ કોરોના વાઈરસ વેક્સિન લેવાનો ઈન્કાર કરનારા કર્મચારીઓ પર નો જેબ નો જોબ – વેક્સિન નહીં તો નોકરી નહીં - લાગુ કરી શકશે. અત્યારે વર્કપ્લેસના બોસ સહિત કોઈને પણ વેક્સિન લેવા બળજબરી કરવી ગેરકાયદેસર છે.

ITVના Peston સાથે ઈન્ટરવ્યૂમાં બકલેન્ડે જણાવ્યું હતું કે સ્ટાફને નોકરી અપાય તે પહેલા તેણે કોરોનાની વેક્સિન લીધી જ હોવી જોઈએ તેમ નવા કોન્ટ્રાક્ટમાં લખવાનું કંપનીઓ માટે કાયદેસર બનશે. તેમણે ઉમેર્યું કે આ બાબત કોન્ટ્રાક્ટની જરૂરિયાત અને નોકરીની શરતો પર વધુ આધારિત રહેશે. જોકે, હાલના કોન્ટ્રાક્ટસમાં કોરોના વેક્સિન લેવાની શરતનો સમાવેશ ન હોવાથી સ્ટાફને વેક્સિન લેવા તેમના બોસ ફરજ પાડી શકશે નહીં. વકીલોના જણાવ્યા મુજબ આ પ્રકારના કોન્ટ્રાક્ટ્સ બનાવતા બિઝનેસીસને કશું રોકી શકે તેમ નથી. જોકે, સાથે જ તે વર્તમાન સ્ટાફ પર આપોઆપ પણ લાગુ કરી શકાય તેમ નથી.

વેક્સિન લેવા માટે કંપનીએ પેઈડ ટાઈમ ઓફ આપવો પડશે કે કેમ તેવા પ્રશ્રના જવાબમાં બકલેન્ડે જણાવ્યું કે મેડિકલ અપોઈન્ટમેન્ટસમાં હાજરી આપવા માટે ટેક્નિકલી તો એમ્પ્લોયરે સ્ટાફને પેઈડ ટાઈમ ઓફ આપવાનો હોતો નથી. જોકે, કેટલાંક તે આપવાનું પસંદ કરે છે. કોરોના વેક્સિનની અપોઈન્ટમેન્ટને પણ તેમ જ ગણવામાં આવે તેવી શક્યતા છે. તેથી વેક્સિન લેવા માટે બુકિંગ કરાવતા પહેલા કોન્ટ્રાક્ટમાં શું છે તે જોવું યોગ્ય રહેશે અને સાનુકુળ હશે તો વર્કિંગ ટાઈમ દરમિયાન વેક્સિન લઈ શકાશે. તેમણે ઉમેર્યું કે ભવિષ્યમાં પ્રાઈવેટ જેબ વિકલ્પ થશે તો કેટલાંક એમ્પ્લોયર એક બેનિફિટ તરીકે વેક્સિનેશન ઓફર કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter