લંડનઃ ઈંગ્લેન્ડમાં બોક્સિંગ ડે એટલે કે શનિવારથી વધુ ૬ મિલિયન લોકો સૌથી આકરા ટિયર–૪ કોરોના વાઈરસ નિયંત્રણો હેઠળ આવી ગયા છે. ડિસેમ્બરના પ્રારંભે સાઉથ–ઈસ્ટમાં કોરોના વાઈરસના વધુ ચેપી સ્વરૂપે દેખા દીધા પછી ઈંગ્લેન્ડની વસ્તીના આશરે ૪૩ ટકા – લગભગ ૨૪ મિલિયન લોકો ટિયર–૪માં આવી ગયા છે.
યુકેમાં મંગળવાર, ૨૯ ડિસેમ્બરે કોરોના વાઈરસથી મૃત્યુઆંક વધીને ૭૧,૫૬૭ અને કોરોનાના કુલ કેસ ૨,૩૮૨,૮૬૫ના આંકે પહોંચ્યા હતા. મંગળવારે એક જ દિવસમાં વિક્રમજનક સંખ્યામાં ૫૩ હજારથી વધુ કેસ નોંધાયા છે. યુકેથી મૃત્યુઆંકમાં યુએસ, બ્રાઝિલ, ભારત, મેક્સિકો અને ઈટાલી જ આગળ છે.
કોરોના વાઈરસના નવા અને ખતરનાક સ્ટ્રેનના પગલે લદાયેલા આકરા નિયંત્રણોના કારણે લોકોને ક્રિસમસનું પર્વ ઘરમાં જ રહીને ઉજવવાની ફરજ પડી છે. બ્રિટિશ મિનિસ્ટર્સે સ્વીકાર્યું છે કે ક્રિસમસ અગાઉ લદાયેલા નવાં લોકડાઉન પગલાં હજુ મહિનાઓ સુધી અમલમાં રાખવા પડી શકે છે. વીતેલા એક સપ્તાહમાં લંડનમાં કોરોનાનું સંક્રમણ બમણું થયું છે.
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે કબૂલાત કરી હતી કે કોરોના વાઇરસનો નવો પ્રકાર સામે આવવા સાથે પરિસ્થિતિ બેકાબુ બની છે. ક્રિસમસ તહેવારની ઊજવણી માટે અપાયેલી તમામ છૂટછાટ પણ પાછી ખેંચી લેવાઈ હતી. લંડન અને સાઉથઇસ્ટ ઇંગ્લેન્ડ તેમજ વેલ્સમાં નવા ટીયર-૪ નિયંત્રણોના કારણે ૨૪ મિલિયન લોકોએ હવે ઘરમાં જ રહેવું પડશે.
બીજી તરફ, સ્કોટલેન્ડે તહેવારો દરમિયાન દેશમાં આવવા અને બહાર જવા પર પ્રવાસ પ્રતિબંધ મૂક્યો છે તો વેલ્સમાં પણ નેશનલ લોકડાઉન ફરી અમલી બનાવાયું છે. નવા સંક્રમણને ધ્યાનમાં લઈ યુરોપના દેશોએ બ્રિટનથી આવતી ફ્લાઈટ્સ અને ટ્રેનો પર પ્રતિબંધ લાદી દીધો છે.
૨૪ મિલિયન લોકો પર ટિયર–૪ નિયંત્રણ
બોક્સિંગ ડેથી ઈંગ્લેન્ડની વસ્તીના આશરે ૪૩ ટકા – લગભગ ૨૪ મિલિયન લોકો ટિયર–૪ નિયંત્રણોમાં આવી ગયા છે. ઓક્સફર્ડશાયર, સસેક્સ, સફોક, નોરફોક અને કેમ્બ્રિજશાયર, સરેમાં વેવર્લી, પોર્ટ્સમાઉથ સહિત હેમ્પશાયર તેમજ ન્યૂ ફોરેસ્ટ સિવાયનું સાઉધમ્પટન પણ સૌથી સખત ટિયર-૪માં છે. અગાઉ, સમગ્ર લંડન, કેન્ટ, બકિંગહામશાયર, સરે અને બેડફોર્ડશાયર સહિત સાઉથ અને ઈસ્ટના વ્યાપક વિસ્તારોને ટિયર-૪માં આવરી લેવાયા હતા.
૨૦ ડિસેમ્બરની મધરાતથી ઈંગ્લેન્ડની ત્રીજા ભાગની વસ્તી નવેમ્બર લોકડાઉનને સમકક્ષ નવા ટીયર-૪ નિયંત્રણો હેઠળ આવી હતી. એસેક્સનો કેટલોક વિસ્તાર ટિયર-૨માં છે. આ ઉપરાંત, ૨૪.૮ મિલિયન લોકો ટિયર-૩માં છે.
બ્રિસ્ટોલ, ગ્લોસ્ટરશાયર, સમરસેટ, સ્વીન્ડોન, ધ આઈલ ઓફ વાઈટ, ધ ન્યૂ ફોરેસ્ટ અને નોર્ધમ્પ્ટનશાયર તેમજ ચેશાયર અને વોરિંગ્ટનના વિસ્તારોને ટિયર-૨ નિયંત્રણોમાંથી ટિયર-૩ નિયંત્રણો હેઠળ લાવવામાં આવ્યા હતા.
બીજી તરફ, કોર્નવોલ અને હર્ટફોર્ટશાયરને ટિયર-૧ નિયંત્રણોમાંથી ટિયર-૨ નિયંત્રણો હેઠળ લવાયા હતા. ઈંગ્લેન્ડમાં ૨,૦૦૦ લોકોની વસ્તી સાથેનો ધ આઈલ્સ ઓફ સિસિલી વિસ્તાર જ ટિયર-૧ના નિયંત્રણોમાં છે.
દરમિયાન, સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં પણ નવા લોકડાઉન્સ અમલી બન્યાં છે જ્યારે, વેલ્સમાં ક્રિસમસ ડે માટે હળવાં કરાયેલાં નિયંત્રણો ફરી લાદી દેવાયાં હતાં. મેઈનલેન્ડ સ્કોટલેન્ડમાં લેવલ ફોર નિયંત્રણો લદાયા છે. સ્કોટિશ સરકારે જણાવ્યું છે કે આ નિયંત્રણો ઓછામાં ઓછાં ત્રણ સપ્તાહ સુધી અમલમાં રહેશે. નોર્ધર્ન આયર્લેન્ડમાં ટિયર-૪ સ્ટાઈલના નિયંત્રણોમાં રાત્રિના ૮ વાગ્યાથી કરફ્યૂનો સમાવેશ થાય છે જ્યારે, બિનજરૂરી રિટેઈલ દુકાનો આગામી છ સપ્તાહ સુધી બંધ રહેશે.
વાઇરસનો નવો સ્ટ્રેન વધુ ખતરનાક
ફાઇઝરની વેક્સિનને ઇમરજન્સી મંજૂરીના પગલે વેક્સિનેશન પ્રોગ્રામ મોટા પાયે હાથ ધરાયા પછી યુકેને કોરોના મહામારી પર જલદી કાબૂ મેળવવાની આશા હતી પરંતુ, કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન સામે આવતાં ગભરાટની સ્થિતિ ફેલાઈ ગઈ છે. નવા સ્ટ્રેનને સૌ પહેલા સપ્ટેમ્બરમાં ઓળખી કઢાયો હતો. સરકારને ઓક્ટોબરથી તેના વિશે જાણકારી હતી પરંતુ, વધુ લોકડાઉનના પગલાંની વિજ્ઞાનીઓ અને ડોક્ટર્સની રજૂઆતોને સરકારે ગણકારી ન હતી.
વાઇરસનો આ રહસ્યમય નવો સ્ટ્રેન લંડન અને ઇંગ્લેન્ડના દક્ષિણના ભાગોમાં વધુ જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસના નવા સ્ટ્રેનને VUI-202012/01 તરીકે ઓળખ અપાઇ છે. તે હાલના સ્ટ્રેનની સરખામણીમાં વધુ ઝડપથી મહામારી પ્રસરાવી રહ્યો હોવાનું કહેવાય છે.
ટિયર-૪માં કેટલા નિયંત્રણ? કેટલી છૂટછાટ?
ટિયર -૪ના નિયંત્રણોમાં આવશ્યક પ્રવાસ સિવાય તમામ માટે ઘરમાં જ રહેવાની જરૂરતનો સમાવેશ થાય છે. માત્ર બે વ્યક્તિ ઘરની બહાર જાહેર સ્થળે મળી શકે તે સિવાય તમામ પરિવારો માટે સામાજિક મેળમિલાપ પ્રતિબંધિત છે. જીમ્સ અને હેરડ્રેસર્સ બંધ છે. ટિયર-૩ના બિનઆવશ્યક દુકાનો તેમજ ટેઈકઅવેઝ અને ડિલિવરી સિવાય પબ્સ અને રેસ્ટોરાં બંધ રાખવા ઉપરાંતના આ નિયંત્રણો છે.
• આરોગ્ય જરૂરત અને અત્યંત મહત્ત્વનું કામ હોય તો જ ઘરમાંથી બહાર નીકળવું
• મોટી સંખ્યામાં પરિવારજનોના એકઠાં થવાં પર પ્રતિબંધ
• કોઇ પ્રકારની ક્રિસમસની ઉજવણીઓને પરવાનગી નહિ અપાય
• બિનજરૂરી સામાનની તમામ શોપ્સ, ઇન્ડોર મનોરંજનનાં સ્થળો, હેર સલૂન્સ બંધ
• એક પરિવારની એક વ્યક્તિ બીજા પરિવારની એક વ્યક્તિને ખુલ્લી જગ્યામાં મળી શકશે
• કન્ટેનમેન્ટ એરિયામાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ, કન્ટેનમેન્ટ એરિયાના લોકો અન્ય વિસ્તારમાં રાત રોકાઇ શકશે નહિ
• વિદેશ પ્રવાસ ટાળવાની સલાહ
ટિયર-૪ લોકડાઉન ક્યાં અમલી?
• લંડન સિટી અને તમામ ૩૨ બરોઝ • કેન્ટ • બર્કશાયર • બેડફર્ડ • સેન્ટ્રલ બેડફર્ડશાયર • મિલ્ટન કીનીસ, લૂટન • પીટરબરા • બકિંગહામશાયર • બેડફર્ડશાયર • લ્યુટન • સસેક્સ • ઓક્સફર્ડશાયર• સફોક • નોરફોક • કેમ્બ્રિજશાયર • સરે (વેવર્લી સિવાય) • હર્ટફર્ડશાયર • એસેક્સ (કોલ્ચેસ્ટર, અટલ્સફોર્ડ અને ટેન્ડરિંગ સિવાય) • ગોસપોર્ટ, હેવાન્ટ, રોધર અને હેસ્ટિંગ્સ બરોઝ • પોર્ટ્સમાઉથ સહિત હેમ્પશાયર • ન્યૂ ફોરેસ્ટ સિવાયનું સાઉધમ્પટન