લંડનઃ બ્રિટન પર નવા લોકડાઉનનો ખતરો મંડરાયો છે. કોરોના સંક્રમણ દિવસોદિવસ વધી રહ્યું છે. ૬ ઓક્ટોબર મંગળવારે કોવિડ ૧૯ના નવા ૧૪,૫૪૨ કેસ નોંધાયા હતા જે અગાઉના પખવાડિયા કરતાં ત્રણ ગણા વધુ છે. આ સાથે ૭૬ વ્યક્તિના મોત પણ થયા હતા. ઉલ્લેખનીય છે કે ૨૨ સપ્ટેમ્બર મંગળવારે માત્ર ૪,૯૨૬ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત, સોમવાર, ૫ ઓક્ટોબરે ૧૨,૮૨૭ નવા કેસ જોવા મળ્યા હતા. હેલ્થ વિભાગના આંકડા અનુસાર યુકેમાં કોરોના વાઈરસના કુલ ૫૩૦,૧૧૩ કન્ફર્મ કેસ નોંધાયા છે અને અત્યાર સુધીનો મૃત્યુઆંક ૪૨,૪૪૫ થયો છે. આનો અર્થ એ થાય કે દરરોજ સરેરાશ ૩૫થી વધુ બ્રિટિશર આ રોગથી મોતને ભેટી રહ્યા છે.
કોવિડ-૧૯ના કેસીસમાં સતત ઉછાળાના કારણે આગામી દિવસોમાં વધુ કડક લોકડાઉન નિયમો લદાવાની શક્યતા વધી ગઈ છે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક થ્રી ટિયર સેટ-અપ અથવા તો ‘ટ્રાફિક લાઈટ’ની સ્થાનિક કોવિડ એલર્ટ સિસ્ટમની વિગતો ટુંકમાં જાહેર કરશે તેમ મનાય છે. ટોપ ટિયરમાં હાલ નોર્થ અને મિડલેન્ડ્સમાં લાખો લોકો માટે લાગુ કરાયેલા નિયમોથી પણ વધુ કડક નિયમો લાગુ કરાશે. માન્ચેસ્ટર, લિવરપૂલ, શેફિલ્ડ, ઓક્સફર્ડ, નોટિંગહામ જેવાં શહેરોમાં ધારણા કરતા પરિસ્થિતિ વધુ ખરાબ જણાય છે.
સરકાર સમક્ષ પબ્સ, રેસ્ટોરાં અને સિનેમા બંધ કરી દેવા, પરિવારના જૂથો સિવાય બહાર સામાજિક સંપર્ક તેમજ રાત્રિરોકાણ પર પ્રતિબંધ મૂકવાના વિકલ્પો છે. કેટલાક ટાઉન્સ અને શહેરોમાં મૃત્યુઆંક ઓછો હોવા છતાં તેમને તત્કાળ ટોપ ટિયરમાં મૂકી દેવાની શક્યતા પણ નકારાતી નથી. બીજી તરફ, લંડનના મેયર સાદિક ખાને રાજધાનીની હાલત ગંભીર ગણાવી હતી. તેમણે પબ્સ અને બાર માટે રાત્રિના ૧૦ વાગ્યાથી કરફ્યૂના નિયમની સમીક્ષા કરવાની માગણી કરતા જણાવ્યું હતું કે આ નિયમ ખરેખર પરિસ્થિતિ વધુ મુશ્કેલ બનાવી રહ્યો છે.