લંડનઃ ઇમિગ્રેશન સિસ્ટમને ડિજિટલ કરવાની યોજનાઓમાં રહેલી ખામીના કારણે ઘણા વિદેશી નાગરિકોને યુકેમાં પ્રવેશતા ખોટી રીતે અટકાવવામાં આવી રહ્યાં છે. ઇલેક્ટ્રોનિક વિઝા કામ ન કરતાં લીગલ રેસિડેન્સ સ્ટેટસ હોવા છતાં તેમને બ્રિટનની ફ્લાઇટ લેવામાં ભારે સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. 31મી ડિસેમ્બર 2024ના રોજ મોટાભાગના ફિઝિકલ આઇડી કાર્ડ એક્સપાયર્ડ થઇ ગયા બાદ નવા વર્ષથી આ નવી સ્કીમ અમલમાં આવી છે.
સરકારે આ બદલાવના અમલમાં 3 મહિનાનો વિલંબ જાહેર કર્યો છે અને પ્રવાસીઓને એક્સપાયર થઇ ગયેલા આઇડી કાર્ડ (બાયોમેટ્રિક રેસિડેન્સ પરમિટ)નો ઉપયોગ કરવા અપીલ કરી છે પરંતુ કેટલાક પ્રવાસીઓનો દાવો છે કે એરલાઇન્સ દ્વારા તે સ્વીકારવામાં આવી રહ્યાં નથી.
નવી સ્કીમ અંતર્ગત ઇ-વિઝા દ્વારા પ્રવાસીઓ એરલાઇન્સ સમક્ષ તેમનું સ્ટેટસ પૂરવાર કરી શકવા જોઇએ અને તેનો કોડ યુકે બોર્ડર ફોર્સને મોકલવામાં આવે છે. સરકાર કહે છે કે આ વિકલ્પ ઘણો સુરક્ષિત છે અને પ્રવાસી તેનું ઇમિગ્રેશન સ્ટેટસ વધુ સારી રીતે પૂરવાર કરી શકે છે. ફિઝિકલ આઇડી ખોવાઇ જવા, ચોરાઇ જવા કે નુકસાન પામવાનું જોખમ રહેલું છે. હજુ એક મિલિયન જેટલાં લોકોએ તેમના ડિજિટલ વિઝા માટે અરજી કરી નથી.
એક પ્રવાસીએ જણાવ્યું હતું કે, નવા વર્ષના દિવસે જ બોર્ડર એજન્ટોએ તેને ફ્રાન્સથી ફ્લાઇટમાં બેસવા દીધી નહોતી કારણ કે તેઓ તેના ઇ-વિઝાથી સંતુષ્ટ નહોતા. અન્ય એક પ્રવાસીએ આરોપ મૂક્યો હતો કે સાયપ્રસથી પરત ફરતી વખતે કોડ કામ કરતો નહીં હોવાથી તેને ફ્લાઇટમાં પરવાનગી અપાઇ નહોતી.

