નવી પેન્શન આઝાદીના કારણે કૌભાંડનો શિકાર ન બનાય તેનું ધ્યાન રાખજો

વિજય ઠક્કર, બ્લેકસ્ટોન મોરગેટ Monday 27th April 2015 12:09 EDT
 

નવા પેન્શન નિયમોથી હવેથી તમારા પેન્શન બચતોના ભંડોળ બાબતે શું કરવું તેની વધુ સ્વતંત્રતા પ્રાપ્ત થઈ રહી છે. તમે તમારી સમગ્ર પેન્શન બચતો ઉપયોગ માટે મેળવી શકશો અને તમારી આવક કેવી રીતે લેવી તેની પસંદગી પણ કરી શકો છો. જોકે, નવા નિવૃત્તિ આવકના વિકલ્પો અને યોજનાઓની સરખામણી કરવી જટિલ બની શકે છે. અને તમારી જરૂરિયાતો અને સંજોગો અનુસાર સૌથી યોગ્ય વિકલ્પનો નિર્ણય હંમેશાં સરળ નહિ હોય.

આવી પરિસ્થિતિમાં જ, અનાવશ્યક ટેક્સ અને ચાર્જીસથી બચાવ, યોગ્ય ઈન્વેસ્ટમેન્ટ વિશે માર્ગદર્શન જેવી સાચી લાભકારી બાબતો ઓફર કરતી સારી અને તટસ્થ નાણાકીય સલાહનું મૂલ્ય વધી જાય છે. સારો ક્વોલિફાઈડ સલાહકાર તમારા સંજોગોને ધ્યાનમાં રાખી તમારા પેન્શન ભંડોળમાં રહેલાં નાણાનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરી શકાય તેની સલાહ આપી શકે છે, જેથી તમે પાછળથી ભારે ખર્ચાળ બની રહે તેવા નિર્ણયનો શિકાર બની ન જાવ.

ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA)એ ચેતવણી આપી છે કે કૌભાંડકારો નિયમોના ફેરફારોનો લાભ લઈ નાણાકીય મુશ્કેલીઓ અનુભવતા અસલામત લોકો, નિવૃત્તો અથવા ટુંક સમયમાં નિવૃત થનારા લોકોને ‘મફત પેન્શન સમીક્ષા’, ‘એક જ વખત રોકાણ કરવાની તક’, અથવા ‘કાનૂની છીંડા’ જેવી ખાતરીઓ આપી લલચાવી રહ્યા છે, જેમાંની મોટા ભાગની ખાતરી બોગસ હોય છે. તમારી બચતોને ‘નવાં’ પેન્શન (જેનું વાસ્તવમાં અસ્તિત્વ જ હોતું નથી)માં ખસેડવાનું પ્રેત્સાહન આપવું, ઈન્વેસ્ટમેન્ટની બનાવટી તકો, સેવા માટે જરૂરી ન હોય તેવી ફી ચાર્જ કરવી તેમજ તમારી અંગત માહિતી અને બેન્કની બીનઆવશ્યક વિગતો આપવા માટે સક્રિય ઉત્તેજન સહિતના કૌભાંડો સામાન્ય છે.

આથી, નવી આઝાદી હેઠળ તમારી પેન્શન રકમ અંગે તમે શું કરી શકો છો? તમે નિવૃત થાવ ત્યારે તમારા પેન્શન ભંડોળ અથવા ભંડોળોમાંથી નાણા કેવી રીતે ઉપાડવા તેનો નિર્ણય તમે જ લઈ શકો છો. તમારા નાણાં ખાનગી પેન્શન કે કંપની પેન્શન અથવા બન્ને પાસેથી આવવાના હોય તેને કોઈ સંબંધ નથી.

તમે સામાન્યપણે પેન્શન ભંડોળના ૨૫ ટકા રકમ ટેક્સ ફ્રી (કેટલાંક કિસ્સામાં વધુ પણ) મેળવી શકો છો અને બાકીના ૭૫ ટકા નાણાં આ રીતે મેળવી શકાયઃ

• તમારી પેન્શન બચતોની બદલીમાં ખાતરીબદ્ધ આવક (એન્યુઈટી), ઈન્સ્યુરન્સ કંપની તમને બાકીના જીવન સુધી આવક આપી શકે; અથવા

• ફ્લેક્સિબિલિટી (ઉપાડની સુવિધા)- તમારા ભંડોળનું રોકાણ કરાય, પરંતુ તમને જરૂર મુજબ નાણા ઉપાડી શકો; અથવા,

• તમામ નાણા ઉપાડી લેવાં- તમે એક સાથે તમામ ભંડોળ ઉપાડી શકો છો, જેનો અંશતઃ હિસ્સો ટેક્સમુક્ત રહેશે અને બાકીની રકમ પર તમારા માર્જિનલ દરે ઈન્કમ ટેક્સ લાગુ પડશે. તમે ઉપર જણાવેલા વિકલ્પોમાંથી એક જ પસંદ કરો તેવી મર્યાદા નથી. તમારું પેન્શન ભંડોળ કેટલું છે તેના આધારે એક અથવા વધુ વિકલ્પનું મિશ્રણ પણ કરી શકો છો. એ બાબત પણ યાદ રાખો કે તમારે આવક કે રોકડની જરૂર ન હોય અને તમે ભંડોળને તમારા સંતાનો અને ગ્રાન્ડચિલ્ડ્રન માટે વારસામાં મૂકી જવા ઈચ્છતા હો તો પેન્શન ભંડોળને યથાવત પણ રાખી શકો છો. ટેક્સ બચાવવા માટે આ વધુ સક્ષમ વિકલ્પ છે કારણકે સંપત્તિમાં મૂડી અથવા એસેટ્સની ભેટ આપો તો તેના પર ઈન્હેરીટન્સ ટેક્સ-વારસાવેરો પણ લાગી શકે છે.

એક મહત્ત્વનો મુદ્દો એ છે કે બધાં પેન્શન પ્રોવાઈડર્સ અને પ્લાન્સ તમામ વિકલ્પો ઓફર કરતાં નથી. સારી વાત એ છે કે તમે જે કંપનીમાં પેન્શન બચત કરી હોય તે યોજનાની સાથે જોડાઈ રહેવું પડતું નથી. તમે સલાહકારની મદદથી તમારી જરૂરિયાતો સાથે શ્રેષ્ઠ રીતે બંધબેસતી યોજનામાં નાણાં ખસેડી શકો છો. નિવૃત્તિના નવાં પરિપ્રેક્ષ્યમાં ભયસ્થાનો જોઈએ તો અસાવધ નિવૃત્ત લોકો યોગ્ય સલાહ મેળવ્યાં વિના વધુ ટેક્સ ચુકવે છે અથવા તેમનું પેન્શન લઈ લેવાના પરિણામે લાભો ગુમાવી શકે છે.

લોકો તેમની પેન્શન બચતની મોટી રકમો ઉપાડી લે તો તેમના પર ભારે ટેક્સ લાગે છે. ઉદાહરણ જોઈએ તો, તાજેતરમાં પેન્શન ભંડોળની સંપૂર્ણ રકમ ઉપાડી લેવાના કારણે ૨૦ ટકાના બેઝિક ધોરણે ટેક્સ ભરતો એક કરદાતા ૪૦ ટકાનો કરદાતા બની ગયો હતો. સાચી સલાહના પરિણામે સમગ્રતયા ટેક્સ ઘટાડી શકાય છે.

નિર્વાહસાધનો આધારિત લાભો મેળવતાં લોકોએ તેમની બચતો રોકડમાં લેતાં કાળજી રાખવી જોઈએ કારણકે તેનાથી સરકારી મદદ માટે કેટલીક રીતે ગેરલાયક બની શકે છે. ખાસ તો, હાઉસિંગ બેનિફિટ મેળવતાં લોકો જો તમામ બચતો ઉપાડી લે તેવી સ્થિતિમાં તમણે બેનિફિટ ગુમાવવો પડી શકે.

છેલ્લે, સેવા મેળવતા અગાઉ, તમારા સલાહકાર અને તેઅો બિઝનેસ ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA)ની માન્યતા ધરાવે છે કે કેમ પણ તપાસવું જોઈએ. વધુ વિગતો માટે http://www.fca.org.uk/register/ ની મુલાકાત લેશો.

‘પેન્શન્સ ફ્રીડમ’ મુદ્દો પ્રેસમાં છવાયેલો રહ્યો છે. આ લેખનો હેતુ તમને કેટલાંક ભયસ્થાન દર્શાવવાનો અને યોગ્ય સલાહ વિના તમે કોઈ અનૈતિક સલાહકારનો ભોગ બની કૌભાંડના શિકાર બનો નહિ તે વિશે સાવધ કરવાનો છે.

Blackstone Moregate પેન્શન્સ, ઈન્વેસ્ટમેન્ટ્સ અને વારસા આયોજનના ક્ષેત્રોમાં નિષ્ણાત સલાહકાર છે.

Blackstone Moregate સિટી ઓફ લંડનમાં ઈન્ડીપેન્ડન્ટ ફાઈનાન્સિયલ એડવાઈઝર્સ છે. વિજય ઠક્કર Blackstone Moregateના સ્થાપક ડિરેક્ટર છે. તેઓ નાણાકીય આયોજનમાં વૃધ્ધિ તેમજ યુકે તથા દેશ બહારના ક્લાયન્ટ્સને સલાહ આપવાનો વિશદ્ અનુભવ ધરાવે છે. અનૌપચારિક વાતચીત માટે વિજય ઠક્કરનો સંપર્ક 020 3376 1444 ext 201 પર કરી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter