લંડનઃ રવિવારે 31ની ડિસેમ્બરની પાર્ટીઓ મધ્યે મધરાતે બરાબર 12ના ટકોરે નવા વર્ષ 2024નું આગમન થયું હતું. સમગ્ર વિશ્વમાં લોકોએ નવા વર્ષને ઉત્સવ અને ઉજવણીઓ સાથે વધાવી લીધું હતું. લંડનના બિગ બેન ટાવર ખાતેની આતશબાજીએ લંડનવાસીઓના મન મોહી લીધાં હતાં. બિગ બેનમાં 12 ટકોરાની સાથે જ યુકેમાં પણ નવા વર્ષનો પ્રારંભ થયો હતો. આ સાથે આ વર્ષે બિગ બેનના ટકોરાનું બીબીસી રેડિયો પર કરાયેલા પ્રસારણને 100 વર્ષ પણ થયાં હતાં.
2024માં આર્થિક વિકાસનું સુનાકનું પ્રણ
લંડનઃ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ નવા વર્ષનો સંદેશ પાઠવતાં વડાપ્રધાન રિશી સુનાકે 2024માં તેમની પાર્ટી દ્વારા અપાનારા યોગદાનના સંકેત આપ્યાં હતાં. 31 ડિસેમ્બર 2023ના રવિવારે જારી કરેલા વીડિયો સંદેશમાં વડાપ્રધાન સુનાકે 2023માં તેમની પાર્ટીએ મેળવેલી સિદ્ધીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અમે અર્થતંત્રમાં વૃદ્ધિ લાવી શક્યાં છીએ. અમે ફુગાવાના દરને અડધો કરી નાખ્યો છે. અમે બ્રિટિશ ઇતિહાસનો સૌથી મોટો બિઝનેસ ટેક્સ કાપ અમલી બનાવ્યો છે. મારી સરકાર અહીંથી જ અટકી જવાની નથી. અમે દેવામાં ઘટાડો, કરવેરામાં કાપ મૂકીને તેમજ આકરા પરિશ્રમનો બદલો આપીને, એનર્જી સપ્લાય સુરક્ષિત કરીને, બ્રિટિશ કંપનીઓને સહાય કરીને અને વિશ્વ કક્ષાનું શિક્ષણ આપીને આપણા અર્થતંત્રને વધુ આગળ લઇ જઇશું.


