લંડનઃ સ્વતંત્ર બ્રિટિશ એશિયન ગાયક, ગીતલેખક, સંગીતકાર અને નિર્માતા નવીન કુન્દ્રા તેમના નવા સિંગલ ‘ટીઅર ઈટ અપ’ સાથે મેઈનસ્ટ્રીમ ટોપ ટ્વેન્ટી અર્બન ક્લબ ચાર્ટમાં પાંચ સ્થાન કુદકો મારી ૧૬મા ક્રમે પહોંચી ગયા છે.
ઈન્ડસ્ટ્રીના મેગેઝિન ‘મ્યુઝિક વીક’માં પ્રસિદ્ધ સત્તાવાર ચાર્ટ મુજબ નવીનના સિંગલ ‘ટીઅર ઈટ અપ’એ પાંચ ક્રમ ઉપર ચડી ૧૬મો ક્રમ હાંસલ કર્યો હતો. એરિયાના ગ્રાન્ડે અને નિકી મિનાજ ૧૫મા ક્રમે, જ્યારે બિયોન્સ ૧૭માં ક્રમે આવેલ છે ત્યારે ‘તેરે લિયે’ અને ‘શુદાયી’ જેવા ગીતોને હીટ બનાવનારા કુન્દ્રાની સિદ્ધિ વધુ નક્કર જણાય છે.
નવીન કુન્દ્રાએ જણાવ્યું હતું કે,‘ આ મારા માટે ગૌરવની ક્ષણોમાંની એક છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અનોખી સામગ્રી આપવા અમે સખત મહેનત કરતા હતા અને હવે હું બિયોન્સથી આગળ છું! માનવામાં નથી આવતું.’ હવે પોતાના ચાહકોને વધુ ખુશ કરવા તેઓ ‘ટીઅર ઈટ અપ’ માટે નવો મ્યુઝિક વિડીઓ રીલીઝ કરી રહ્યા છે.
‘મહેબૂબા’ ગીત સાથે ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પ્રવેશ, શાહી પરિવાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પરફોર્મન્સ તેમજ બીબીસીના સ્ટ્રીક્ટલી કમ ડાન્સિંગમાં ગાવા માટેના આમંત્રણ સહિત નવીન કુન્દ્રાની કારકિર્દીએ નવી ઊંચાઈઓ સર કરી છે. યુવા આદર્શ બનેલા નવીન કુન્દ્રાએ યુટ્યુબ પર તેમના ગીતો માટે ૭૦ લાખથી વધુ દર્શકો મેળવ્યા છે. તેઓ પ્રિન્સ ઓફ વેલ્સ દ્વારા સ્થાપિત બ્રિટિશ એશિયન ટ્રસ્ટના એમ્બેસેડર છે અને અન્ય ચેરિટીઝને સપોર્ટ કરવા માટે પોતાના પ્રોફાઈલનો ઉપયોગ કરે છે.


