લંડનઃ ભૂતપૂર્વ લંડન એસેમ્બલી મેમ્બર અને સમાજસેવક નવીનભાઈ શાહને મંગળવાર 14 માર્ચે બકિંગહામ પેલેસ ખાતે કિંગ ચાર્લ્સ ત્રીજાના હસ્તે કમાન્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (CBE) એવોર્ડ એનાયત કરાયો હતો. નવીનભાઈ શાહને 45થી વધુ વર્ષ લાંબી જાહેર અને રાજકીય સેવા બદલ આ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. નવીનભાઈએ સન્માન બદલ કિંગનો આભાર વ્યક્ત કરવા સાથે તેમને જે વિશેષાધિકાર અને કદર પ્રાપ્ત થઈ છે તેનાથી વધુ પ્રોત્સાહિત થઈ કામગીરી આગળ વધારવા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ તેમ જણાવ્યું હતું.
બકિંગહામ પેલેસ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત એવોર્ડ સમારંભમાં નવીનભાઈની સાથે તેમના પત્ની કાઉન્સિલર રેખાબહેન શાહ, પુત્ર નીલ શાહ અને દોહિત્રી અમારી શાહ -લેવી ઉપસ્થિત રહ્યા હતા. સમારંભ પછીની ઉજવણીમાં, પુત્રી અનેકા શાહ -લેવી, જમાઈ ડેનિયલ લેવી પણ જોડાયાં હતાં.
આ સન્માનનો પર્તિભાવ આપતા નવીનભાઈ શાહે જણાવ્યું હતું કે,‘કિંગ ચાર્લ્સ પાસેથી CBEનો સુંદર બેજ મેળવવો તે ભારે સન્માનની બાબત છે. જોગાનુજોગે આ જ સમારંભમાં કિંગ પાસેથી સર બ્રાયન મે ધ ‘ક્વીન રોકર’ને પણ નાઈટહૂડ અપાયું તેમનો સાથ પણ મળ્યો તે આનંદની વાત છે. હું આ સન્માન આપણી સાંસ્કૃતિક અને ધાર્મિક વૈવિધ્ય ધરાવતી કોમ્યુનિટીને સાદર અર્પણ કરું છું. હું ખુશનસીબ છું છે કે આ બધા વર્ષોમાં ચડાવઉતાર દરમિયાન મારા પરિવારનો સપોર્ટ મને મળતો રહ્યો છે. મારી સાત વર્ષની ગ્રાન્ડડોટર અમારિ માટે આ પ્રસંગ અભૂતપૂર્વ ઉત્સાહ અને ગર્વનો બની રહ્યો હતો.’
તેમણે જણાવ્યું હતું કે,‘ 70ના દાયકાથી આરંભ થયેલા મારા સ્વૈચ્છિક કોમ્યુનિટી કામકાજને મેં ઘણું માણ્યું છે. સામાજિક સંવાદિતા હંમેશાંથી મારા હૃદયને નિકટ રહેલી વાત છે. લંડનવાસીઓ તેમજ બ્રેન્ટ અને હેરોમાં રહેતા લોકો સાથે અને માટે કામ કરવું મારા માટે પ્રિવિલેજ સમાન બની રહ્યું છે. હેરો કાઉન્સિલના ચૂંટાયેલા સભ્ય તરીકે 20 વર્ષ તેમજ બ્રેન્ટ અને હેરો માટે લંડન એસેમ્બલી મેમ્બર તરીકે જાહેર સેવાના કાળ દરમિયાન હું કોમ્યુનિટીઝના ઘડતર માટે રચનાત્મક અને અર્થસભર યોગદાન આપવા હંમેશાં તત્પર રહ્યો છું. હું આ CBE એવોર્ડને મારી ગત 45 વર્ષની કામગીરીની સફળતા અને મેં જે સ્વૈચ્છિક સંસ્થાઓ અને કોમ્યુનિટીઓ સંસ્થાઓ સાથે કામ કર્યું છે તેમને આદરાંજલિ તરીકે નિહાળું છું. આ એવોર્ડ કોમ્યુનિટીઓ અને હિસ્સેદારો સુધી પહોંચવામાં તથા સામજિક ન્યાયને પ્રોત્સાહન, રેસિઝમ અને તમામ પ્રકારના ભેદભાવ સામેની લડત, વંચિતોને સપોર્ટ અને પર્યાવરણના રક્ષણ અને સંવર્ધનમાં ભાગીદારીની ભાવનાથી કાર્ય કરવાની સફળતા છે.’
નવીનભાઈ શાહનો જન્મ ગુજરાતમાં અમદાવાદના સરખેજ વિસ્તારમાં થયો હતો. તેમના પિતા ફકીરચંદભાઈ અગ્રણી બિઝનેસમેન અને સ્વાતંત્ર્યસેનાની તેમજ દાદા પુંજાભાઈ શાહ અમદાવાદ સ્ટોક એક્સચેન્જના પ્રમુખ ચુસ્ત જૈન અને સમાજના અગ્રણી હતા. મુંબઈમાં આર્કિટેક્ટ તરીકે લાયકાત મેળવ્યા પછી નવીનભાઈ 1973માં યુનિવર્સિટી કોલેજ લંડનમાં અભ્યાસાર્થે યુકે આવ્યા હતા. તેમણે ડિપ્લોમા ઈન ડેવલપમેન્ટ પ્લાનિંગ મેળવ્યા પછી આર્કિટેક્ટ અને ડેવલપમેન્ટ પ્લાનર તરીકે પ્રાઈવેટ પ્રેક્ટિસ શરૂ કરી હતી તેમજ યુકે, મિડલ ઈસ્ટ, વેસ્ટ આફ્રિકા અને ભારતમાં અનેક પ્રોજેક્ટ સાથે સંકળાયેલા હતા. તેમણે 1977માં સ્થાનિક રંગભેદવિરોધી ચળવળમાં જાડાઈ જાહેર જીવનની શરૂઆત કરી હતી. નવીનભાઈના પત્ની રેખાબહેન શાહ લાંબા સમયથી હેરોના કાઉન્સિલર હોવાં સાથે પૂર્વ મેયર છે. તેમની પુત્રી અનેકા શાહ-લેવી હેરોના કાઉન્સિલર છે અને પુત્ર નીલ લોયર છે.
જાહેર અને કોમ્યુનિટી સેવા માટે એવોર્ડ્સ
નવીનભાઈ શાહે જાહેર અને કોમ્યુનિટી સેવા માટે અનેક એવોર્ડ્સ હાંસલ કર્યા છે જેમાં, • SKSS ટેમ્પલ કેન્ટન - 2000 • નેશનલ એસો. ઓફ વણિક ઓર્ગેનાઈઝેશન - 2004 • મહાવીર ફાઉન્ડેશન - 2004 • એશિયન એચિવર્સ – નેશનલ એવોર્ડ 2006 • એન્ટિ-રેસિસ્ટ એલાયન્સ ટ્રસ્ટ - 2006 • નવનાત વણિક એસો. એવોર્ડ - 2007 • કમાન્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર (CBE) – 2022નો સમાવેશ થાય છે.


