નવું એપીપીજી ભારત અને યુકેના સંબંધોમાં કેન્દ્રબિંદુ સમાન રહેશેઃ લોર્ડ બિલિમોરિયા

અમે બંને દેશ વચ્ચેનો મુક્ત વેપાર કરાર મૂર્તિમંત કરવામાં સહાય પર વિશેષ ધ્યાન આપીશુ

Tuesday 13th August 2024 11:32 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં નવી સંસદની રચના સાથે ભારત અને યુકે વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવા માટે નવા ઇન્ડિયા ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપની રચના કરાઇ છે જેથી વેપાર, ટેકનોલોજી, હેલ્ખકેર અને એજ્યુકેશન જેવા સેક્ટરોમાં દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવી શકાય. ગ્રુપના સહાધ્યક્ષ લોર્ડ કરણ બિલિમોરિયાએ આ ગ્રુપના ઉદ્દેશ્યો પર ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ સાથે વ્યાપક ચર્ચા કરી હતી.

આ ગ્રુપની સ્થાપનાના હેતૂ અને લક્ષ્યાંકો પર લોર્ડ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે, ભારત જેવા ઝડપથી વિકાસ કરી રહેલા અર્થતંત્ર સાથેના સંબંધોને પ્રાથમિકતા યુકે માટે અત્યંત મહત્વની છે. આ ગ્રુપ તમામ સેક્ટરમાં ભારત સાથે સંબંધો મજબૂત બનાવવામાં મહત્વની ભુમિકા અદા કરશે. 2060 સુધીમાં ભારત વિશ્વની સૌથી મોટી ઇકોનોમી બનશે તેથી યુકે માટે આ સંબંધ વધુ મહત્વના બની રહે છે.

બંને સરકારો વચ્ચેનો સંપર્ક વધારવા પર તેમણે જણાવ્યું હતું કે, હું બંને દેશ રાષ્ટ્રીય અને પ્રાંત સ્તરે એકબીજા સાથે સંકળાય તેમ ઇચ્છઉં છું. બ્રિટનના વિવિધ પ્રાંત અને શહેરો ભારતના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એકબીજાની નજીક આવે. આ માટે અમે સંસદમાં શ્રેણીબદ્ધ ઇવેન્ટનું આયોજન કરીશું જે ભારતથી આવતા કોઇપણ પ્રતિનિધિમંડળ માટે સંપર્કનું પ્રાથમિક બિંદુ બની શકે. આ ગ્રુપ બંને દેશ વચ્ચે ચર્ચા અને વાર્તાલાપની તકોનું સર્જન કરશે. અમે પણ ભારતમાં પ્રતિનિધિમંડળો મોકલીશું.

તેમણે જણાવ્યું હતું કે, અમે યુકે સ્થિત ભારતીય હાઇ કમિશન સાથે પણ ગાઢ સંપર્કમાં રહીશું અને કામ કરીશું. અમે કેટલાં સંપર્ક ઊભા કરી શકીએ છીએ તેના પર અમારી સફળતાનો આધાર રહેશે. બંને દેશ વચ્ચેના મુક્ત વેપાર કરારને મૂર્તિમંત કરવામાં સહાય પર અમે ખાસ ધ્યાન આપીશું. તેનો સંપુર્ણ અમલ થાય તે અમે સુનિશ્ચિત કરીશું.

એપીપીજીના સંબંધો પર પ્રભાવ અંગે લોર્ડ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે, બંને દેશ વચ્ચેના સંબંધો મજબૂત બનાવવામાં એપીપીજી કેન્દ્રબિંદુ તરીકે કામ કરશે. સાંસદો ભારત સાથે સંસદ અને તેમના મતવિસ્તારોમાં ભારતીયો સાથે સંપર્કમાં રહે તે જરૂરી છે. એપીપીજી બંને દેશ વચ્ચેના વેપાર અને મૂડીરોકાણમાં વધારો કરવામાં મહત્વની ભુમિકા ભજવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter