નવેમ્બરથી યુએસ જવા યુકે- ઈયુના સંપૂર્ણ વેક્સિનેટેડ પ્રવાસીઓને છૂટ

Wednesday 22nd September 2021 06:20 EDT
 
 

વોશિંગ્ટન, લંડનઃ પ્રમુખ જો બાઈડેને સંપૂર્ણ વેક્સિનેટેડ પ્રવાસીઓ નવેમ્બર મહિનાથી યુએસનો પ્રવાસ ખેડી શકશે તેવી જાહેરાત કરવા સાથે બ્રિટિશ નાગરિકોએ યુએસની ફ્લાઈટ્સ બુક કરાવવા દોડધામ મચાવી હતી. કોવિડ મહામારી વખતે પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી પ્રવાસીઓ પર લાદેલા પ્રતિબંધના ૧૮ મહિના પછી વ્હાઈટ હાઉસે આ જાહેરાત કરી છે. આવા નિર્ણય માટે લાંબા સમયથી દબાણ કરી રહેલા બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કહ્યું હતું કે પ્રેસિડેન્ટ બાઈડેન ટ્રાન્સએટલાન્ટિક ટ્રાવેલ ફરી સ્થાપી રહ્યા છે તેનાથી તેઓ ખુશ છે. સરોવરની બે બાજુએ રહેલા પરિવાર અને મિત્રો ફરી એક સાથે રહી શકશે.

યુકેએ શુભેચ્છાના પ્રતીક સ્વરુપે જુલાઈ મહિનાથી જ અમેરિકી પ્રવાસીઓ માટે પ્રવાસના દ્વાર ખોલી નાખ્યા હતા પરંતુ, અમેરિકી સત્તાવાળાઓએ તેનો પ્રત્યુત્તર વાળ્યો ન હતો. ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીએ યુએસની હવાઈ સરહદો ખોલવાની જાહેરાતને વધાવી લીધી હતી. નિયંત્રણોના કારણે મિત્રો અને પરિવારોથી લગભગ બે વર્ષ અલગ રખાયેલા લોકોએ પણ આ ફેરફારોથી ખુશી દર્શાવી હતી.

બ્રિટિશ એરવેઝના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રેસિડેન્ટ બાઈડેનની જાહેરાતના એક કલાકમાં જ ન્યૂ યોર્ક, ઓરલાન્ડો, લાસ વેગાસ મિઆમી, લોસ એન્જલસ અને બોસ્ટન સહિતના સ્થળો માટે બુકિંગ્સની પૂછપરછમાં ૭૦૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો અને એરલાઈન્સ શેરની કિંમતો આસમાને પહોંચી હતી. વર્જિન એરલાઈન્સે જણાવ્યું હતું કે બુકિંગ્સમાં ૯૧ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter